કલેકટરને ગણોત ધારાની કલમ -૮૪ ( સી ) હેઠળની કાર્યવાહી કરવાની સત્તા અને હકૂમત નથી - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Sunday, November 21, 2021

કલેકટરને ગણોત ધારાની કલમ -૮૪ ( સી ) હેઠળની કાર્યવાહી કરવાની સત્તા અને હકૂમત નથી

કલેકટરને ગણોત ધારાની કલમ -૮૪ ( સી ) હેઠળની કાર્યવાહી કરવાની સત્તા અને હકૂમત નથી 

સામાન્ય રીતે જ્યારે રજિસ્ટર્ડ દસ્તાવેજ થકી મિલકતની તબદિલી થાય તો મહેસૂલી રેકર્ડમાં તેની નોંધ પાડવામાં આવે છે અને જરૃરી તપાસ કર્યા બાદ મામલતદાર દ્વારા તેને પ્રમાણિત કરવામાં આવે છે . જો તેવા ફેરફારના સંબંધમાં કોઇ વિવાદ હોય તો વિવાદી કેસોના રજિસ્ટરમાં તે વિવાદની નોંધ કરાવી જ જોઈએ અને ત્યારબાદ આવા વિવાદોનો નિકાલ મામલતદાર દ્વારા થવો જોઇએ . જમીન મહેસૂલ મોના નિયમ -૧૦૮ ના પેટા નિયમ ( ૫ ) હેઠળ , નારાજ થયેલ પક્ષકાર હુકમની બજવણીની તારીખથી ૬૦ દિવસની અંદર અપીલ દાખલ કરી શકે છે . રાજ્ય સરકારને કોઈપણ તાબાના મહેસૂલી અધિકારીની તપાસ અથવા કાર્યવાહીનો રેકર્ડ મગાવવાની અને તેને ચકાસવાની જેમ જ જમીન મહેસૂલ નિયમના પેટા નિયમ -૬ હેઠળ તેની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે .

મહેસૂલી વિભાગના કોઇ અધિકારી અલગ અલગ કાયદાઓ હેઠળ અલગ અલગ સક્ષમતા ધરાવતા હોઇ શકે . તેમ છતાં તે બાબત તેમને એક કાયદા હેઠળની કોઇ સત્તાઓનો ઉપયોગ અન્ય કાયદા હેઠળની કાર્યવાહી દરમિયાન કરી શકતા નથી . કલેક્ટર પોતાના સમક્ષની ફેરતપાસની સત્તાનો ઉપયોગ મુંબઇ જમીન મહેસૂલ નિયમો હેઠળ જ થવો જોઈએ અને અન્ય કોઈ કાયદા જેવા કે મુંબઈ ગણોત વહીવટ અને ખેતીવિષયક જમીનનો અધિનિયમ , શહેરી જમીન ( ટોચમર્યાદા અને નિયમન ) અધિનિયમ અથવા મુંબઈ ખેતીની જમીન ટુકડા અટકાયત અને એકત્રીકરણ અધિનિયમ હેઠળ નહીં . આથી કલેક્ટરને ગણોતધારાની કલમ -૮૪ ( સી ) હેઠળ પગલાં લેવાની કોઈ સત્તા કે હકૂમત નથી . કલેકટરને ગણોત ધારાની કલમ -૬૩ હેઠળ વેચાણની કાયદેસરતાના સંબંધમાં પ્રશ્નનો નિર્ણય કરવાની કોઈ હકૂમત કે સત્તા નથી . માત્ર મામલતદાર અને કૃષિપંચને જ ગણોત ધારાની કલમ -૮૪ ( સી ) હેઠળ પગલાં લેવાની સત્તા અને હકૂમત છે .


નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જયંતીલાલ જગજીવન મોદી વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત અને બીજા , સ્પેશિયલ એપ્લિકેશન નં . ૮૮૧ / ૨૦૦૦ ના કામે તા . ૧૨-૦૩-૨૦૧૪ના રોજ આખરી હુકમ કરી ઉપર મુજબનો સિદ્ધાંત પ્રસ્થાપિત કરવામાં આવેલ છે . ( લેન્ડ લોઝ જજમેન્ટ્સ ( LLJ ) , વોલ્યુમ -૧ , ઇશ્યૂ -૫ , મે -૨૦૧૪ , પાના નં . ૪૩૯ ) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે .

 સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી ગામની સર્વે નં ૨૦૭ અને ૨૦૮ વાળી જમીનોના મહેસૂલ રેકર્ડમાં માલિક , કબજેદાર તરીકે ચાલી આવેલા . હાલના કામના સામાવાળા નં ૨ અને ૩ નાએ આ જમીનો કેશવભાઈ રામાણી તેમ જ હાલના સામાવાળા નં . ૪ ને રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી વેચાણ કરેલ . જે અંગેની નોંધ ગામ દફતરે નોંધ નં . ૩૧૧૮ થી દાખલ કરવામાં આવેલ . ત્યારબાદ કેશવભાઇ રામાણી તેમ જ હાલના સામાવાળા નં . ૪ નાએ આ જમીનો હાલના કામના અરજદારને વેચાણ કરતા તે અંગેની નોંધ ગામ દફતરે નોંધ નં . ૩૧૬૪ થી તા . ૨૪-૦૮-૧૯૮૪ના રોજ દાખલ કરવામાં આવેલી .

ત્યારબાદ ગામ દફતરે દાખલ થયેલી નોંધ નં ૩૧૧૮ અને નોંધ નં . ૩૧૬૪ ને રદ કરવા માટે આપમેળે કાર્યવાહીઓ શરૃ કરવા મદદનીશ કલેક્ટર ઓલપાડ પ્રાંત સુરત દ્વારા હાલના અરજદાર અને સામાવાળા નં . ૪ ને નોટિસ ઇશ્યૂ કરવામાં આવેલ , પરંતુ મદદનીશ કલેકટર ઓલપાડ પ્રાંત સુરતને આ અંગેની કાર્યવાહી કરવાની હકૂમત ન હોવાથી તેઓએ આ કાર્યવાહી કરવા પ્રકરણ સુરત કલેક્ટરને મોકલવામાં આવેલ . આથી સુરત કલેકટર દ્વારા પક્ષકારોને ગણોતધારાની કલમ -૨ ( ૬ ) , ૬૩ ની જોગવાઇઓના ભંગ બદલ તા . ૨૪-૦૬-૧૯૯૩ના રોજ નોટિસ મોકલવામાં આવેલી . જે કામે પક્ષકારો દ્વારા જવાબો પણ રજૂ કરવામાં આવેલ . આ કામે સુરત કલેક્ટરે તા ૨૧-૦૧-૧૯૯૪ના રોજ હુકમ કરી , નોંધ નં . ૩૧૧૮ રદ કરેલ તેમ જ અરજદારની તરફેણમાં પાડવામાં આવેલ નોંધ નં . ૩૧૬૪ પણ રદ જાહેર કરેલ તેમ જ સુરત કલેક્ટર દ્વારા માંગરોળના મામલતદાર અને કૃષિપંચને ગણોતધારાની કલમ -૮૪ ( સી ) હેઠળ કાર્યવાહી શરૃ કરવાની સૂચના પણ આપવામાં આવેલ.

સુરત કલેક્ટરના આ હુકમથી નારાજ થઈ પક્ષકારો દ્વારા અગ્રસચિવ મહેસૂલ વિભાગ સમક્ષ ફેરતપાસ અરજી દાખલ કરવામાં આવેલી , પરંતુ અગ્રસચિવ મહેસૂલ વિભાગ દ્વારા તા . ૦૬-૦૯-૧૯૯૯ના રોજ આખરી હુકમ કરી , અરજદારોની અરજી નામંજૂર કરવામાં આવેલ અને કલેકટરશ્રીનો હુકમ કાયમ રાખવામાં આવેલ . આ હુકમથી નારાજ થઇ અરજદારે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ હાલની આ સિવિલ એપ્લિકેશન દાખલ કરેલ છે . 

નામદાર ગુજરાત હાઇકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે , મહેસૂલી વિભાગના કોઇ અધિકારી અલગ અલગ કાયદાઓ હેઠળ અલગ અલગ સક્ષમતા ધરાવતા હોઈ શકે . તેમ છતાં તે બાબત તેમને એક કાયદા હેઠળની કોઈ સત્તાઓનો ઉપયોગ અન્ય કાયદા હેઠળની કાર્યવાહી દરમિયાન કરી શકતા નથી . કલેકટર પોતાના સમક્ષની ફેરતપાસની સત્તાનો ઉપયોગ મુંબઇ જમીન મહેસૂલ નિયમો હેઠળ જ થવો જોઈએ અને અન્ય કોઇ કાયદા જેવા કે મુંબઈ ગણોત વહીવટ અને ખેતીવિષયક જમીનનો અધિનિયમ , શહેરી જમીન ( ટોચમર્યાદા અને નિયમન ) અધિનિયમ અથવા મુંબઇ ખેતીની જમીન ટુકડા અટકાયત અને એકત્રીકરણ અધિનિયમ હેઠળ નહીં .

વધુમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે ઠરાવેલ કે , શરૃઆતની નોંધને પ્રમાણિત કરતા મામલતદારના હુકમની તારીખથી ૬૦ દિવસમાં કોઈ અપીલ દાખલ થયેલ નથી . મદદનીશ કલેક્ટર સુરતનાએ નિયમ -૧૦૮ ની જોગવાઈઓ હેઠળ તેમને તેવી કોઈ સત્તા ન હોવા છતાં કથિત નોંધને આપમેળે ફેરતપાસમાં લીધી હતી . જ્યાં સુધી નિયમોના નિયમ -૧૦૮ હેઠળની કાર્યવાહી કે જે આર.ટી.એસ. કાર્યવાહી તરીકે પ્રખ્યાત છે , તેનો પ્રશ્ન છે ત્યાં સુધી એ બાબત સારી રીતે પ્રસ્થાપિત છે કે મહેસૂલી રેકર્ડમાં પાડવામાં આવેલી નોંધો પ્રાથમિકપે મહેસૂલની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે અને તે કોઈ ટાઈટલનું સર્જન કરતી નથી . આવા ફેરફારોએ ટાઇટલના દસ્તાવેજોને અથવા સક્ષમ સત્તાવાળા દ્વારા વિશેષ કાયદાઓ હેઠળ પસાર હુકમોને અનુસરવાનું હોય છે . સ્વતંત્ર રીતે મહેસૂલી સત્તાવાળા નિયમોના નિયમ -૧૦૮ માં ઉલ્લેખ થયા મુજબ નોંધમાં નોંધાયેલ વ્યવહાર કોઈ ચોક્કસ કાયદાની જોગવાઇઓ વિરુદ્ધ છે , એવા અનુમાન ઉપર નોંધો રદ કરતાં હુકમો પસાર કરી શકે નહીં . શું વ્યવહાર કાયદેસરનો છે કે નહીં તે બાબત સક્ષમ સત્તાવાળા દ્વારા ચોક્કસ કાયદા હેઠળ તેમાં ઠરાવેલ પ્રક્રિયા અનુસરીને અને કોઈ થનાર હુકમ વડે જેને અસર પહોંચવાની હોય તેવા લાગતા વળગતા પક્ષકારોને તક આપીને તપાસવી જોઈએ . આમ આ કારણે પણ કલેક્ટર તેમ જ વધારાના મુખ્ય સચિવના હુકમો તેમની હકૂમતની બહારના જણાય છે .

વધુમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે , કલેક્ટરને ગણોત વહીવટ અધિનિયમની કલમ -૬૩ હેઠળ વેચાણની કાયદેસરતાને લગતાં પ્રશ્નનો નિર્ણય કરવાની કોઇ શક્તિ , સત્તા અથવા હકૂમત નહોતી અને તેથી નિયમો હેઠળ તેઓ કથિત પ્રશ્નનો નિર્ણય કરી શક્યા ન હોત , તેમ છતાં ખાસ કરીને જમીન મહેસૂલ નિયમોના નિયમ -૧૦૮ ( ૬ ) હેઠળની તેમની સત્તાના ઉપયોગ વડે , કલેક્ટર , સુરતનાએ કથિત ફેરતપાસ નં . ૪૯/૧૯૯૩ ચલાવી હતી અને તેથી સત્તાનો કથિત ઉપયોગ ગેરકાયદેસરનો અને કાયદામાં ખરાબ છે . વધુમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે , અગ્રસચિવ , મહેસૂલ વિભાગ , ગુજરાત રાજ્ય સમક્ષ હાલના અરજદાર તેમ જ સામાવાળા નં . ૪ નાએ એ બાબત અંગે રજૂઆત કરી હતી કે , તા . ૨૧-૦૬-૧૯૮૪ના રોજની નોંધ નં . ૩૧૧૮ , ગણોત વહીવટ અધિનિયમની જોગવાઈઓના ભંગ બદલ કલેક્ટર દ્વારા ફેરતપાસમાં લઇ શકાય ન હોત એટલે કે જો ગણોત વહીવટ અધિનિયમની કલમ -૬૩ ની જોગવાઇઓનો ભંગ થયો હોય તો કલેક્ટરને ગણોત વહીવટ અધિનિયમની કલમ -૮૪ ( સી ) હેઠળ પગલાં લેવાની કોઈ શક્તિ , સત્તા અથવા હકૂમત નથી અને માત્ર મામલતદાર જ કથિત પગલાં લઇ શકે છે . કલેક્ટરે કાર્યવાહીઓ જમીન મહેસૂલ નિયમોના નિયમ -૧૦૮ ( ૬ ) હેઠળ શરૃ કરેલ છે , તેમ છતાં નિયમો હેઠળની સત્તાના ઉપયોગ વડે તેઓ ગણોત વહીવટ અધિનિયમની જોગવાઈઓના ભંગને લગતા પ્રશ્નનો નિર્ણય કરી શક્યા ન હોત .

આથી નામદાર ગુજરાત હાઇકોર્ટે હાલની આ સિવિલ એપ્લિકેશન અંશતઃ મંજૂર કરેલ અને અગ્રસચિવ મહેસૂલ વિભાગ દ્વારા અપાયેલ તા . ૦૬-૦૯-૧૯૯૯ના રોજનો હુકમ રદ જાહેર કરેલ તેમ જ જો ગણોત ધારાની કલમ -૮૪ ( સી ) હેઠળની કાર્યવાહી મામલતદાર કૃષિપંચ સમક્ષ પડતર હોય તો તેને કાયદાનુસાર ગુણદોષ ઉપર ર્નિણત કરવાની સૂચના પણ આપવામાં આવેલ . ઉપરોક્ત કેસ ઉપરથી સ્પષ્ટ થાય છે કે , કલેક્ટર પોતાના સમક્ષની ફેરતપાસની સત્તાનો ઉપયોગ મુંબઇ જમીન મહેસૂલ નિયમો હેઠળ જ થવો જોઈએ અને અન્ય કોઇ કાયદા જેવા કે , મુંબઇ ગણોત વહીવટ અને ખેતીવિષયક જમીનનો અધિનિયમ , શહેરી જમીન ( ટોચમર્યાદા અને નિયમન ) અધિનિયમ અથવા મુંબઇ ખેતીની જમીન ટુકડા અટકાયત અને એકત્રીકરણ અધિનિયમ હેઠળ નહીં આથી કલેક્ટરને ગણોતધારાની કલમ -૮૪ ( સી ) હેઠળ પગલાં લેવાની કોઈ સત્તા કે હકૂમત નથી . કલેક્ટરને ગણોત ધારાની કલમ -૬૩ હેઠળ વેચાણની કાયદેસરતાના સંબંધમાં પ્રશ્નનો નિર્ણય કરવાની કોઇ હકૂમત કે સત્તા નથી . માત્ર મામલતદાર અને કૃષિપંચને જ ગણોત ધારાની કલમ -૮૪ ( સી ) હેઠળ પગલાં લેવાની સત્તા અને હકૂમત છે . 

( સંદર્ભ : ( લેન્ડ વોઝ જજમેન્ટ્સ ( LLJ ) , વોલ્યુમ -૧ , ઇશ્યૂ -૫ , મે -૨૦૧૪ , પાના નં ૪૩૯ )

No comments: