ગ્રામ્ય વિસ્તારના ગામતળના વાડા નિયમબદ્ધ કરવા બાબત
ગામતળ અને સીમતળના વાડાની જમીનો અંગે ‘ વાડા સંહિતા ' તરીકે પ્રચલિત નિયમો ઘડેલા છે. જે મુજબ વાડાની જમીન અંગેની નીતિ નીચે જણાવ્યા મુજબ છે. ‘ વાડા સંહિતા’માં વપરાતા શબ્દોની વ્યાખ્યા નીચે મુજબ કરાયેલ છે.
( ૧ ) વાડા : વાડા એટલે એવી ખુલ્લી ઉપયોગની જમીન જેનો ઉપયોગ ખેતીના સાધનો રાખવા , ઢોર - ઢાંખર બાંધવા નિરણ રાખવા કે ખેડૂતને તેનાં ખેતીનાં કામમાં સગવડતા માટે ઉપયોગમાં લેવાતી હોય તેવી ગામતળ અંદરની કે ગામતળ બહારની સીમની જમીન . વાડાની આવી જમીન ગામતળમાં ઘરને અડીને ઘરથી દૂર પણ ગામમાં આવી હોય તેવી જમીન પણ વાડાની જમીનની વ્યાખ્યામાં ગામતળના વાડા તરીકે આવે છે. ઉપર દર્શાવેલ વ્યાખ્યામાં સીમતળમાં આવેલા આવા ઉપયોગની જમીન ‘ સીમતળના વાડા ' તરીકે સમાવિષ્ટ થાય છે. ‘ સીમતળના વાડા ' સ્થાપિત થયેલ ગામતળ અગર તો વસવાટ થયેલા ગામતળના બહાર સીમના ખરાબામાં આકારી અગર તો બિન આકારી જમીનના સીમતળના વાડા તરીકે નથી , કારણ કે આંગણાની જમીનો મકાનનો જ એક ભાગ હોય છે. ‘ ગામતળ ’ શબ્દ પર્યાયમાં સ્થાપિત ગામતળ તદ્ઉપરાંત જે ભાગમાં વસવાટ થઈ ગયો પણ માત્ર વહીવટી કારણોસર તે સ્થાપિત ગામતળ ગણાયેલ ન હોય તેવા વિસ્તારને પણ ગામતળ તરીકે ગણવાનો છે. કોઈ પણ પ્રકારના નામાધિકરણથી ઓળખાતી હોય તેવી ખુલ્લા ઉપયોગની વાડાની જમીન ખેડૂત અગર તો બિન ખેડૂતોએ ધારણ કરેલ હોય તે પણ વાડાની વ્યાખ્યા મુજબ વાડાની જમીન તરીકે ગણાયેલ છે .
( ૨ ) ‘ ગ્રામ્ય વિસ્તાર ’ : વાડાના નિયમોના અમલ અંગે નગર પંચાયત કે નગરપાલિકાના વિસ્તારો સિવાયનો વિસ્તાર ‘ ગ્રામ્ય - વિસ્તાર ’ તરીકે ગણવાનો છે. તદ્ ઉપરાંત જે વિસ્તારને સરકાર વાડાના નિયમોના હેતુ પૂરતો ‘ ગ્રામ્ય વિસ્તાર ’ ઠરાવે તેવા વિસ્તારને આ નિયમોના હેતુ માટે ‘ગ્રામ્ય વિસ્તાર’ ગણવાનો છે.
( ૩ ) શહેરી વિસ્તાર : વાડાના નિયમોના અમલના હેતુ માટે ૧૯૬૧ ના ગુજરાત પંચાયત કાયદાની રૂએ સ્થપાયેલ નગરપંચાયતો અને ૧૯૬૩ ના ગુજરાત નગરપાલિકા કાયદા નીચે સ્થપાયેલ નગરપાલિકા વિસ્તારમાં આવતા વિસ્તારોને ‘ શહેરી વિસ્તાર ' તરીકે ગણવાનો છે . તદ્ઉપરાંત વાડાની જમીનોના નિયમોના હેતુ માટે જે વિસ્તારોને સરકાર ‘ શહેરી વિસ્તારો ’ તરીકે ઠરાવે તેવા વિસ્તારોને પણ ‘ શહેરી વિસ્તારો ગણવાના રહે છે .
( ૪ ) વાડાપત્રક : વાડા નિયમો હેઠળ વાડાપત્રક દરેક ગામવાર રાખવાનું રહે છે . આવા વાડાપત્રકમાં વાડાની જમીન ધરાવનારનું નામ , વાડાનો અંદાજી વિસ્તાર અથવા ચતુર્કીમા બેમાંથી જે ઉપલબ્ધ હોય તે , વાડાની જમીન ઘરને અડીને આવેલ છે કે ઘરથી દૂર આવેલ છે , તેની વિગતો , તેનો પ્રવર્તમાન ઉપયોગ તેવા વાડાની જમીનનો હક્ક મેળવેલ છે કે કેમ , મોજુદ હક્ક ઉપયોગ થાય છે કે કેમ , વાડાની જમીન ધારણ કરનારનો ધંધો , અને બીજો કોઈ ઉપયોગ વાડાની જમીનનો થતો હોય તો તેની વિગત , એ મુજબના આસન સહિત વાડાપત્રક રાખવાનું છે . વાડાપત્રક માહિતી હકીકત સચ્ચાઈ બદલ તેમાં સરપંચની ટૂંકી સહી લેવાની રહે છે અને આવા વાડાપત્રક જાળવવાની જવાબદારી તલાટી કમ મંત્રીની રહે છે . વાડાની જમીન ધારણ કરનારની અરજી આધારે વખતોવખત યોગ્ય ફેરફાર વાડા પત્રકમાં સરપંચની સહીથી કરવાના રહે છે . વાડા પત્રકના દરેક પાનાં પર મામલતદાર કચેરીનો સિક્કો લગાવવાનો રહે છે . વાડાપત્રકના દરેક પાનાંને નંબર આપવાનો રહે છે અને કુલ કેટલા પાનાં છે , તેવી મતલબનો શેરો વાડાપત્રકના છેલ્લા પાને કરવાનો રહે છે અને તે પર મામલતદારની સહી લેવાની રહે છે . વાડા સંહિતાના નિયમો ૧૯૬૮ થી અમલમાં આવેલ છે . તે પહેલાં વાડાની કોઈ પણ નામાધિકરણથી ઓળખતી વાડાની જમીન પરત્વેના જે તે સમયનાં પ્રવર્તમાન હુકમો અગર તો નિયમો અનુસાર વાડાની જમીનનો નિકાલ થઈ ગયો હોય તેવા કિસ્સાને વાડા સંહિતાના નિયમો લાગુ પડતા નથી . પણ તે પૈકીના જે કિસ્સામાં તે રીતે હુકમ કરાયેલ ન હોય તેવા જ કિસ્સાઓને વાડાસંહિતાના નિયમો લાગુ પડે છે . ૧. કયા વાડા નિયમબદ્ધ કરી શકાશે ? વાડા સંહિતાના નિયમો ૨૨-૬-૧૯૬૮ થી અમલમાં આવેલ છે . આથી વર્ષ ૧૯૬૮ માં ગામવાર નિભાવેલ અને મામલતદારે અધિકૃત કરેલ વાડા રજીસ્ટરમાં નોંધાયેલ વાડાની જમીન નિયમબદ્ધ કરી શકાશે . વાડા સંહિતાના નિયમો મુજબ ગામતળના વાડાઓ માટે કોઈ નવી જમીન આપવાની નથી .
૨. કયા પ્રકારના વાડાના કેસો નિયમબદ્ધ થઈ શકશે નહીં ?
( ૧ ) જે વાડાઓ બાબતમાં કોર્ટ કેસ કે કોઈ તકરાર ચાલતી હોય અથવા કોર્ટનો કોઈ મનાઈ હુકમ હોય અથવા માલિકીનો વિવાદ હોય તેવા વાડાઓ.
( ૨ ) શહેરી વિસ્તારમાં આવેલ વાડાઓ
( ૩ ) વર્ષ ૧૯૬૮ પછી અસ્તિત્વમાં આવેલ હોય તેવા વાડાઓ.
૩. વાડાના ક્ષેત્રફળ બાબતની સ્પષ્ટતા :
( ૧ ) વર્ષ ૧૯૬૮ માં ગામવાર નિભાવેલ અને મામલતદારે અધિકૃત કરેલ વાડા રજીસ્ટરમાં નોંધાયેલ વાડાનું ક્ષેત્રફળ જ ધ્યાને લેવાનું રહેશે અને મહત્તમ ૨૦૦ ચો.મી. ની મર્યાદામાં વાડા નિયમબદ્ધ થઈ શકશે .
( ૨ ) જો વાડાનો ૨૦૦ ચો.મી.ની મર્યાદા ઉપરાંતનો કબજો હશે તો પ્રવર્તમાન મહેસૂલી નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
( ૩ ) વાડા રજીસ્ટરમાં નોંધાયેલ ક્ષેત્રફળ મુજબની જમીનનો ઉપયોગ માન્ય ગણવાથી પણ જો જાહેર માર્ગ , અવરજવરનો રસ્તો કે કેડી / તાલ ઉપરના લોકોના અવરજવરના હક્કને બાધારૂપ અવરોધરૂપ જણાતું હોય તો કબજાહક્ક મેળવવા રજૂ કરેલ દાવાની જમીનનું ક્ષેત્રફળ તનુસાર ઘટાડીને કબજાહક્ક આપતો હુકમ કરવાનો રહેશે અને આ હુકમમાં આ બધી બાબતોનો સમાવેશ કરવાનો રહેશે.
૪. કબજાહક્ક આપવા માટેની કબજા કિંમત : ગ્રામ્ય વિસ્તારના ગામતળના વાડાની ખુલ્લી જમીનો અંગે સંપૂર્ણ કબજા - ભોગવટા હક્ક માટે કબજા કિંમત રૂ . ૫૦ ( રૂપિયા પચાસ પુરા ) પ્રતિ ચો.મી. વસૂલ કરી કબજા હક્કો આપવાનો રહેશે.
૫. કબજાહક્ક મેળવવાની પાત્રતા તથા કરવાની કાર્યવાહીઃ
( ૧ ) જો દાવેદારનું નામ વાડા રજીસ્ટરમાં હશે તો તે વાડો સીધો જ તેના નામે કરવામાં આવશે.
( ૨ ) જો વાડા રજીસ્ટરમાં નોંધાયેલ વ્યક્તિ સિવાયનો દાવેદાર હોય પરંતુ દાવેદાર વારસદાર / ખરીદનાર અન્ય કાયદેસરનો વારસદાર હશે તો તે દાવા અંગે મામલતદાર જરૂરી ચકાસણી કરીને યોગ્ય નિર્ણય લેશે .
૬. વાડાનો બિનખેતી ઉપયોગ થતો હોય તેવા કિસ્સામાં ધ્યાને રાખવાની બાબતો :
( ૧ ) જો વાડાનો બિનખેતી તરીકે ઉપયોગ કરવાનું ધ્યાને આવશે તો બિનખેતી આકાર અને યોગ્ય વેરા લેવામાં આવશે અને બિનખેતી તરીકેની તબદીલી નિયમિત કરવામાં આવશે .
( ૨ ) જ્યાં આવા વાડા હોય તેવા દરેક ગામમાં પૂરક ગામ નમૂનો નંબર ૨ નિભાવવાનો રહેશે, જેમાં આવા વાડાની જમીનો ગામતળની જમીનો ગણવાની રહેશે અને બિનખેતીના ઉપયોગ માટે આકારણી કરવાની રહેશે અને મિલકતના રેકર્ડનો ભાગ ગણવાનો રહેશે .
૭. વાડા નિયમબદ્ધ કરવા માટેની કાર્યપદ્ધતિ :
( ૧ ) વાડાની જમીન નિયમબદ્ધ કરવા માટે નિયત નમૂના મુજબની અરજદારની અરજી મેળવવાની રહેશે.
( ૨ ) ઉપર્યુક્ત રીતે વાડાની જમીન ધારણ કરનાર જે અરજી કરે , તેની પ્રાથમિક તપાસ તલાટી મંત્રી દ્વારા કરાવવાની રહે છે અને સર્કલ ઓફીસર દ્વારા સ્થળ ખરાઈ , પંચ રોજકામ તેમજ આધાર પુરાવા અને મહેસૂલી રેકર્ડથી ખરાઈ કરી સાધનિક કાગળો અભિપ્રાય સહિત મામલતદારશ્રીને રજૂ કરવાના રહેશે .
( ૩ ) અરજી મળ્યાની તારીખથી બે માસની અંદર બજાહક્કની કિંમત મામલતદારે નક્કી કરી અરજદારને જણાવવાની રહેશે . અરજદારે આ કબજા કિંમત ભરવાની ખબર મળ્યાની તારીખથી ૧૫ દિવસમાં ભરવાની રહેશે . આ સમયમર્યાદામાં અરજદાર કબજાહક્કની કિંમત નહી ભરે તો કબજાહક્ક મેળવવાનો નથી , તેવી માન્યતા સહ અરજી દફતરે કરવાની રહેશે. કબજાહક્કની રકમ ઉક્ત સમયમર્યાદા પૂરી થયા પછી અરજદાર ભરે તો નવેસરથી અરજી કરવાની રહેશે અને તે આધારે નવેસરથી કાર્યવાહી કરવાની રહેશે.
( ૪ ) મામલતદારે સાધનિક કાગળો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી મંજૂરી હુકમ કરતા પહેલાં કબજાહક્કની કિંમત ભર્યાની ખાતરી કરી વાડાના કબજાહક્ક આપતો વિધિસરનો હુકમ કરવાનો રહેશે . સાથોસાથ માપણી કરાવીને જમીનનો કબજો સુપરત કરવાનો રહેશે અને ચર્તુસીમા દર્શાવતી સનદ / દાખલો પણ આપવાનો રહેશે.
( ૫ ) ઉક્ત કબજા હક્કની કિંમત ભરી તેનો નિર્દેશિત હુકમ મેળવ્યે , તેવી વાડાની જમીન જુની શરતે તથા પ્રતિબંધ વિના ધારણ કરી શકાય છે.
( ૬ ) જ્યારે વાડા રજીસ્ટર મળી આવતા ન હોય અને ત્યારે તે વાડા નિયમબદ્ધ કરવામાં જો મુશ્કેલી જણાય તો કલેકટરે યોગ્ય હુકમો અર્થે ચોક્કસ દરખાસ્ત સરકારમાં કરવાની રહેશે .
નોંધ : સરકારશ્રીના મહેસુલ વિભાગના ઠરાવ ક્રમાંક : વડાલ ૧૦૨૦૧૫ ૧૪૨૦૧૪૬ તા.૧૦-૪-૨૦૧૭થી ગ્રામ્ય વિસ્તારના ગામતળના વાડા નિયમબદ્ધ કરવાની કાર્યપદ્ધતિ અમલમાં મૂકેલ છે .
No comments:
Post a Comment