મકાન ખરીદનારે શરતોનું પાલન ન કર્યું, ગુમાવવા પડ્યા રૂ.20 લાખ ! જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું.
Supreme Court Property Case : સુપ્રીમ કોર્ટે બેંગલુરની એક પ્રોપર્ટી ડીલ સંબંધીત કેસની સુનાવણી કરતી વખતે મહત્ત્વની ટિપ્પણી કરી છે. આ કેસમાં કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપી કહ્યું કે, ‘કાયદો અધિકાર પ્રત્યે સતર્ક રહેનારા વ્યક્તિને મદદ કરે છે, સુતા રહેતા લોકોને નહીં.’ વાસ્તવમાં વર્ષ 2007માં એક વ્યક્તિએ એક પ્રોપર્ટી ખરીદવા માટે રૂપિયા 55.50 લાખમાં કરાર કર્યો હતો અને તેણે પ્રથમ હપ્તાાન ભાગરૂપે રૂપિયા 20 લાખ અગાઉથી ચુકવ્યા હતા. કરાર મુજબ બાકીની રકમ તેણે ચાર મહિનામાં ચૂકવવાની હતી, પરંતુ ખરીદનાર વ્યક્તિ સમયસર ચુકવણી કરવામાં નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ તેણે હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા કોર્ટે ઉપરોક્ત ટિપ્પણી કરી છે.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો
સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવી કહ્યું કે, ‘ખરીદનારે સમયસર ચૂકવણી કરી નથી અને તેણે ક્યારેય એડવાન્સ ચુકવેલી રકમ પરત માટે વૈકલ્પિક માંગ કરી નથી, તેથી, 20 લાખ રૂપિયાની રકમ જપ્ત કરવાની કાર્યવાહી સંપૂર્ણપણે કાયદેસર છે.
ખરીદનારે શરતોનું પાલન ન કર્યું
ન્યાયાધીશ જે.બી.પારડીવાલા અને આર.મહાદેવનની બેન્ચે એમ પણ કહ્યું કે, ‘આ રકમ અર્નેસ્ટ મની એટલે કે ડીલ પાક્કી કરવા માટે આપવામાં આવી હતી અને જો ખરીદનાર કરારની શરતોનું પાલન ન કરે તો તે જપ્ત કરી શકાય છે. કરારમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે, જો નિર્ધારિત સમયમાં ચુકવણી ન કરવામાં આવે તો એડવાન્સ રકમ જપ્ત કરી શકાય છે. આ અંગે કોર્ટે કહ્યું કે, કરારની જપ્તી કલમ એકતરફી નહોતી. જો વેચનાર કરાર તોડે છે, તો તેણે ખરીદનારને બમણી રકમ પરત કરવી પડશે. તેથી આ કલમ વાજબી હતી.
હાઈકોર્ટમાં ન કરાઈ એડવાન્સ રિફંડની માંગણી
ઉલ્લેખનીય છે કે, ખરીદનારએ સુપ્રીમ કોર્ટ પહેલા ટ્રાયલ કોર્ટમાં અને પછી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો કે, વેચનાર મિલકતની નોંધણી કરે અને તેને સોંપી દે, પરંતુ બંને કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ખરીદનારએ ક્યારેય વૈકલ્પિક માંગણી કરી નથી કે, જો નોંધણી ન થઈ શકે તો ઓછામાં ઓછા તેના 20 લાખ રૂપિયા પરત કરવામાં આવે.
No comments:
Post a Comment