સંયુક્ત મિલકતનું વિભાજન થયું હોય કે ન થયું હોય,
અન્ય સહહિસ્સેદારનો હિસ્સો ખરીદવાનો અગ્રહક્ક હંમેશા ચાલુ રહે છે.
ઘણાં કિસ્સાઓમાં સંયુક્ત માલિકીની અન્ય ધસમાંશિતના હિસ્સા સહિતની મિલકત અંગે પક્ષકારો વચ્ચે હદ અને માપણી થકી કાયદેસર રીતે વિભાજન કરવામાં આવેલ ન હોવા છતાં સહમાલિકો/ કુટુંબના સભ્યો વચ્ચે કૌટુંબિક તકરારો યા અન્ય કોઈક કારણોસર સભ્યો પોતાનો વણવહેંચાયેલ હિસ્સો ત્રાહિત ઈસમને વેચાણ કરી દેતા હોય છે.
પરંતુ કોઈ જમીન/મિલકત હિન્દુ સંયુક્ત કુટુંબની મિલકતો તરીકે ચાલી આવેલી હોય અને તેના ધારણકર્તાઓમાં યાને સહમાલિકો/કટુંબના સભ્યો દ્વારા પોતાને પ્રાપ્ત થયેલાં વણવહેંચાયેલો હિસ્સો વેચાણ કરવાની ઈચ્છા ધરાવતો હોય તો તેવા કિસ્સામાં હિન્દુ વારસા અધિનિયમ, ૧૯૫૬ની કલમ-૨૨ની જોગવાઈઓ હેઠળ તેવો હિસ્સો ખરીદવાનો અગ્રહક્ક સહમાલિકો/કુટુંબના સભ્યોને પ્રાપ્ત થાય છે. અને અન્ય સહમાલિકોએ જ્યારે ત્રાહિત ઈસમોની તરફેણમાં તબદીલી કરી હોય તો તેવી તબદીલીઓ રદ કરાવવા અને તેવી સંયુક્ત માલિકીની મિલકતમાં રહેલ અન્ય સહમાલિકોના હિસ્સા ખરીદવાના અગ્રહક્કનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
તેમજ જ્યારે બે અથવા વધુ વારસો ઉપર સંક્રમિત થાય છે અને આવા વારસો પૈકીનો કોઈ એક સ્થાવર મિલકત અથવા ધંધામાં રહેલ તેનું અથવા તેણીનું હિત તબદીલ કરવાનો પ્રસ્તાવ મૂકે છે ત્યારે અન્ય વારસોને તેવા તબદીલ થનાર પ્રસ્થાવિત હિતને સંપાદિત કરવાનો અગ્રહક્ક રહેશે.
ઉપર વર્ણવ્યા મુજબ સંયુક્ત મિલકતનું વિભાજન થયું હોય કે ન હોય, અન્ય સહહિસ્સેદારનો હિસ્સો ખરીદવાનો અગ્રહક્ક હંમેશા ચાલુ રહે છે, તેવો સિદ્ધાંત નામદાર કર્ણાટક હાઈકોર્ટ (ધારવાડ બેન્ચ) દ્વારા જનાર્ધન પુંડલિક પાટિલ વિરુદ્ધ અનુસુયા, પાન્ડુરંગા અંતુ માને, માલુતાઈ, પાર્વતી અને બીજા, રેગ્યુલર સેકન્ડ અપીલ નં.૫૭૧૬/૨૦૧૦ના કામે તા.૦૪/૦૧/૨૦૧૬ ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે (લેન્ડ લોઝ જજમેન્ટસ (LLJ), વોલ્યુમ-૧, ઈશ્યૂ-૪, એપ્રિલ-૨૦૧૬, પાના નં.૨૬૭) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.
હાલના કેસમાં પ્રશ્નવાળી જમીનના મૂળ માલિકનું અવસાન થતાં વાદીઓ અને પ્રતિવાદી નં.૨ અને ૩ નાઓએ પ્રશ્નવાળી જમીન સંયુક્ત રીતે વારસાઈમાં મેળવી હતી અને તેઓને પ્રશ્નવાળી જમીનમાં એકસરખા અધિકાર, ટાઇટલ અને હિત પ્રાપ્ત થયેલા. પ્રશ્નવાળી જમીન પૈકી ૧ એકર જમીન પ્રતિવાદી નં.૨ દ્વારા પ્રતિવાદી નં.૧ ની તરફેણમાં તબદીલ કરવામાં આવેલ અને તેવી તબદીલી વિરુદ્ધ વાદીને હિન્દુ વારસા અધિનિયમ, ૧૯૫૬ની કલમ-૨૨ની જોગવાઈઓ હેઠળ ખરીદવાનો અગ્રહક્ક ચાલી આવેલ હોવા અંગે તેનું પાલન કરાવવા દાવો વાદીએ પ્રતિવાદીઓ વિરુદ્ધ દાખલ કરેલ. જે દાવો ટ્રાયલ કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવેલ. જેથી ટ્રાયલ કોર્ટના હુકમ વિરુદ્ધ પ્રતિવાદીએ પહેલી એપેલેટ કોર્ટમાં અપીલ દાખલ કરેલ. જે અપીલના કામે પણ વાદીની તરફેણમાં હુકમ થયેલ. જે પહેલી એપેલેટ કોર્ટના હુકમ વિરુદ્ધ પ્રતિવાદીએ હાલની આ રેગ્યુલર સેકન્ડ અપીલ હાઇકોર્ટ સમક્ષ દાખલ કરેલ.
નામદાર હાઇકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે, હિન્દુ વારસા અધિનિયમ, ૧૯૫૬ની કલમ-૨૨ની જોગવાઈ એક બિનવસિયતી અવસાન પામનારની કોઈ સ્થાવર મિલકતમાં અથવા તેની/તેણીની દ્વારા ચલાવવામાં આવતા કોઈ ધંધામાં, ભલે પછી તેવો ધંધો એકલા હાથે અથવા અન્યોના સહકારથી ચલાવવામાં આવતો હોય, તેમાં રહેલ હિતના સંબંધમાં હિન્દુ સંયુક્ત કુટુંબના વર્ગ-૧ના વારસો ઉપર અગ્રહક્ક નિહિત કરે છે. જ્યારે તે બે અથવા વધુ વારસો ઉપર સંક્રમિત થાય છે અને આવા વારસો પૈકીનો કોઈ એક સ્થાવર મિલકત અથવા ધંધામાં રહેલ તેનું અથવા તેણીનું હિત તબદીલ કરવાનો પ્રસ્તાવ મૂકે છે ત્યારે અન્ય વારસોને તેવા તબદીલ થનાર પ્રસ્થાવિત હિતને સંપાદિત કરવાનો અગ્રહક્ક રહેશે. વારસો પૈકીના કોઈ એક દ્વારા તબદીલી કરવામાં આવે તે પહેલા જો કાયદાની સક્ષમ અદાલત સમક્ષ અન્ય વારસો દ્વારા અરજી દાખલ કરવામાં આવે તો, તેવી અદાલત તબદીલી માટેનો અવેજ નક્કી કરી શકે છે અને તેવું હિત સંપાદિત કરવાનો પ્રસ્તાવ આપનાર કોઈ વ્યક્તિ તે પ્રમાણે નક્કી થયેલ અવેજ પેટે તેવું હિત સંપાદિત કરવા ઈચ્છુક ન હોય તો, તેવી વ્યકિત અરજીને સંબંધિત તમામ ખર્ચા અથવા તેને આનુષંગિક ખર્ચાઓ ચૂકવવા જવાબદાર છે. વળી, જો પરિશિષ્ટના વર્ગ-૧ માં નિર્દિષ્ટ બે અથવા તેથી, વધુ વારસો કોઈ હિત સંપાદિત કરવાનો પ્રસ્તાવ આપતા હોય, તો તબદીલી માટે જે વારસ સૌથી વધારે અવેજનો પ્રસ્તાવ મૂકે છે તેને પ્રાથમિકતા આપવી જોઈશે.
વધુમાં નામદાર હાઇકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે, ટ્રાયલ કોર્ટે તેમજ પહેલી એપેલેટ કોર્ટે સાચી રીતે ઠરાવેલ છે કે, વાદીને હિન્દુ વારસા અધિનિયમની કલમ-૨૨ હેઠળ આવો અધિકાર હતો અને તે મુજબ વાદીઓને દાદ મંજૂર કરેલ છે. તેથી, આ અપીલમાં કાયદાનો કોઈ મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તે મુજબ અપીલ રદ થાય છે. જો કે, એ બાબતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે, વાદીઓ અથવા પ્રતિવાદી નં.૩ અથવા તેમના પૈકીનું કોઈપણ, વેચાણ અવેજ નક્કી કરવાના હેતુ માટે હવે હિન્દુ વારસા અધિનિયમની કલમ-૨૨ હેઠળ અરજી દાખલ કરવા અને તે અંગે કાયદાની સક્ષમ અદાલત સમક્ષ આગળ વધુ પગલાં લેવા સ્વતંત્ર છે.
સંદર્ભ :-
ઉપરોક્ત ચુકાદાને ધ્યાને લેતા સ્પષ્ટ થાય છે કે, સંયુક્તૉ મિલકતનું વિભાજન થયું હોય કે ન હોય, અન્ય સહહિસ્સેદારનો હિસ્સો ખરીદવાનો અગ્રહક્ક હંમેશા ચાલુ રહે છે. (લેન્ડ લોઝ જજમેન્ટસ (LLJ), વોલ્યુમ-૧, ઈશ્યૂ-૪, એપ્રિલ-૨૦૧૬, પાના નં.૨૬૭)
No comments:
Post a Comment