ગુજરાત હાઇકોર્ટનો અગત્યનો ચુકાદો મૃતક સરકારીકર્મીની વિધવાને રહેમરાહે નોકરી આપવા આદેશ.
સરકારના પંચાયત વિભાગમાં ફરજ બજાવતા એક સરકારી કર્મચારીની વિધવાને રહેમરાહે નોકરીનો લાભ આપવા ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નીલય વી.અંજારિયા અને જસ્ટિસ દેવન એમ.દેસાઇની ખંડપીઠે એક મહત્ત્વના ચુકાદા મારફતે ઠરાવ્યું છે. મૃતક સરકારી કર્મચારીની વિધવાને રહેમરાહે નોકરી આપવા અંગેના સીંગલ જૂજના હૂકમને બહાલ રાખતાં ખંડપીઠે ડીડીઓ, અમરેલીની અપીલ પણ ફગાવી દીધી હતી.
Author: Kishan Prajapati
Updated: Fri 29 Sep 2023 09:59 AM (IST)
કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે અગાઉ સરકારના સંબંધિત સત્તાવાળાઓને હાજર રાખ્યા હતા અને ખોટી રીતે મૃતક સરકારી કર્મચારીની વિધવાને રહેમરાહે નોકરીના લાભથી વંચિત રાખવાના વલણની ભારોભાર ટીકા કરી હતી. હાઇકોર્ટે સરકારના સત્તાવાળાની અપીલ ફગાવતાં સ્પષ્ટપણે ઠરાવ્યું હતું કે, રહેમરાહે નોકરીના કિસ્સામાં સરકારી કર્મચારીના મૃત્યુ વખતે જે નીતિ પ્રવર્તમાન હોય તે જ લાગુ પડે. સીંગલ જજના હુકમમાં કોઇ ભૂલ કે ક્ષતિ જણાતી નથી અને તેથી ખંડપીઠ આ અપીલમાં કોઇ દરમ્યાનગીરી કરવાનું ન્યાયોચિત માનતી નથી.
મૃતક સરકારી કર્મચારીની વિધવા તરફથી અપીલનો વિરોધ કરતાં જણાવાયું હતું કે, તેણીના પતિ પંચાયત વિભાગમાં ફરજ બજાવતા હતા. ચાલુ નોકરી દરમ્યાન ગત તારીખ 11-9-2005ના રોજ તેમના પતિનું નિધન થયું હતું. સરકારના સત્તાવાળાઓએ ખોટી રીતે તેણીના રહેમરાહે નોકરીના લાભને નકાર્યો હતો એમ કહીને કે, તેઓ રહેમરાહે નોકરી માટે પાત્રતા ધરાવતા નથી.
વળી, આવક વધુ હોવાનું કારણ આપીને પણ સત્તાવાળાઓએ નોકરીનો લાભ આપ્યો નથી. મૃતક સરકારી કર્મીની વિધવા તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, ખુદ સરકારના જ સંબંધિત પરિપત્રો અને હાઇકોર્ટના ચુકાદાઓ ધ્યાને લેતાં, સરકારી કર્મચારીનું મૃત્યુ થાય તે વખતે જે નીતિ હોય તે જ નીતિ રહેમરાહે નોકરીના કિસ્સામાં લાગુ પડે. ૨૦૦૫માં તેમના પતિનું મૃત્યુ થયું ત્યારે રહેમરાહે નોકરીની નીતિ અમલમાં હતી.
સરકારના જ 2000ના પરિપત્ર મુજબ, આવકમર્યાદાને ધ્યાનમાં લેવાની ના હોય તેમછતાં સત્તાવાળાઓએ ખોટી રીતે મૃતકની વિધવાને રહેમરાહે નોકરીના લાભથી આટલા વર્ષો સુધી વંચિત રાખી છે. જે બિલકુલ ગેરકાયદે, અયોગ્ય અને ગેરવાજબી નિર્ણય છે. મૃતક સરકારી કર્મચારીની વિધવાની દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે અપીલ ફગાવી દીધી હતી અને તેણીને રહેમરાહે નોકરીનો લાભ આપવાનો હુકમ કર્યો હતો.
No comments:
Post a Comment