ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં ક્રમ:-૭૨ પર સમાવિષ્ટ જાતિમાં પ્રયોજાયેલ "ઠાકરડા" શબ્દ પર પ્રતિબંધ મૂકવા બાબત.
ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ઠરાવ ક્રમાંક SJED-MKM-e-file-17-2023-2208-A Section સચિવાલય ગાંધીનગર તા.૨૬/૦૭/૨૦૨૪
આમુખ:-
ગુજરાત સરકાર દ્વારા ભૂતપૂર્વ મજૂર, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગના તા.૦૧/૦૪/૧૯૭૮ ના ઠરાવ ક્રમાંક: બીસીઆર-૧૦૭૮/૧૩૭૩૪/હ તથા ત્યારબાદ સરકારના વખતોવખતના ઠરાવોથી કુલ-૧૪૬ જાતિઓનો ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ યાદીમાં ક્રમાંક: ૭૨ પર "ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા બારીયા, પગી જાતિનો સમાવેશ કરવામાં આવેલ. આ સમાજના લોકો "ઠાકરડા શબ્દપ્રયોગથી અપમાન અને તિરસ્કારની લાગણી અનુભવતા હોવાની રજૂઆતો સરકારશ્રીને મળેલ છે. આથી, આ સમાજના લોકોનું માન જળવાય તે માટે "ઠાકરડા" શબ્દ પર પ્રતિબંધ મૂકી, તેને સ્થાને "ઠાકોર" શબ્દ પ્રયોજવામાં આવે તે અંગેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
"ઠાકરડા" ના સ્થાને "ઠાકોર" તરીકેનું સંબોધન કરવા
ઠરાવ:-
આમુખમાં નિર્દિષ્ટ પૂર્વભૂમિકા અન્વયે સક્ષમ કક્ષાએ થયેલ પુખ્ત વિચારણાના અંતે, ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં ક્રમાંક: ૭૨ પર સમાવિષ્ટ "ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી- પૈકી ઠાકરડા- શબ્દનો પ્રયોગ બંધ કરવાનું આથી ઠરાવવામાં આવે છે. આથી, જ્યાં જાતિ તરીકે ઠાકરડા- શબ્દનો ઉલ્લેખ થયો હોય ત્યાં બધે જ ઠાકોર" સમજવું તેવી સ્પષ્ટતા આથી કરવામાં આવે છે. આ જાતિના નાગરિકોએ તેમના બાળકોના શાળા પ્રવેશ વખતે જાતિ તરીકે ‘ઠાકરડા- લખાવ્યું હોય ત્યાં તથા મહેસૂલી રેકર્ડમાં પણ જ્યાં "ઠાકરડા" તરીકે ઉલ્લેખ થયેલ હોય તો તેના સ્થાને "ઠાકોર" સમજવાનું રહેશે. અર્થાત ઠાકરડા જાતિના નાગરિકોના શાળા છોડયાના પ્રમાણપત્ર (School Leaving Certificate)માં અથવા મહેસૂલી રેકર્ડમાં, પંચાયતી રેકર્ડમાં તથા અન્ય સરકારી રેકર્ડમાં ઠાકરડા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો પણ સંબંધિત ઈસમોને "ઠાકરડા" ના સ્થાને "ઠાકોર" તરીકેનું સંબોધન કરવા તથા આ સમુદાયના લોકોને મળવાપાત્ર જાતિના પ્રમાણપત્રમાં "ઠાકોર" શબ્દનો ઉલ્લેખ કરવાનું આથી ઠરાવવામાં આવે છે.
જાતિ પ્રમાણપત્ર આપવા માટે અધિકૃત કરવામાં આવેલ સક્ષમ અધિકારીઓ સહિત અન્ય તમામ સંબંધિત અધિકારીઓ સરકારશ્રીના આ નિર્ણયથી વાકેફ થાય અને તેનો ચુસ્તપણે અમલ થાય તે માટેની તજવીજ તમામ વહીવટી વિભાગો અને નિયામક, વિકસતિ જાતિ કલ્યાણએ કરવાની રહેશે.
આ ઠરાવ વિભાગની સરખા ક્રમાંકની ફાઈલ પર સરકારશ્રીની તા.૨૦/૦૭/૨૦૨૪ના રોજ મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે.
No comments:
Post a Comment