સરકારમાં દાખલ જમીન શરતી રિ-ગ્રાન્ટ થશે.?
મહેસૂલ વિભાગનો મહત્ત્વનો ઠરાવ, ખેડૂતની જમીન જંત્રીની કિંમત વસૂલીને પરત કરાશે.
સંદર્ભ :- નવગુજરાત સમય
Jun 21, 2019 07:26 PM | UPDATED: Jun 21, 2019 06:29 PM
મહેસૂલ વિભાગનો મહત્ત્વનો ઠરાવ, ખેડૂતની જમીન જંત્રીની કિંમત વસૂલીને પરત કરાશે.
નવગુજરાત સમય > ગાંધીનગર
રાજ્યના ખેડૂતો દ્વારા સરકાર કે જમીન વિકાસ બેંક જેવી નાણાકીય સંસ્થાઓ પાસેથી પોતાની જમીન તારણમાં મૂકીને તગાવી કે લોન લેવાઈ હોય અને તેઓ સંજોગવશાત્ નિયત સમયમાં તે રકમ પરત ચૂકવી શકતા નથી ત્યારે તેમની આવી તારણમાં મૂકાયેલી ખેતીની જમીન હરાજી પ્રક્રિયાથી સરકારમાં દાખલ કરી દેવાય છે પરંતુ આવી જમીનોનો મૂળ કબજો તો તેના મૂળ માલિક કે તેના વારસદારો પાસે જ રહે છે. વર્ષો બાદ મૂળ જમીન માલિક કે તેના વારસદારો દ્વારા સરકાર પાસેથી પોતાની જમીન પરત મેળવવાની માગણી કરાય છે ત્યારે આવી જમીનો કેટલીક શરતોને આધિન તેના મૂળ માલિક કે તેના વારસદારોને પરત આપવાનો (રિ-ગ્રાન્ટ કરવાનો) રાજ્ય સરકારે અત્યંત મહત્ત્વનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, રાજ્ય સરકારમાં આવી નીતિ સપ્ટેમ્બર-૨૦૧૪થી અમલમાં હતી પરંતુ આવી સરકારમાં દાખલ થયેલી ઘણી જમીનો શહેરી વિસ્તારો કે તેની નજીક આવી ગઈ હોવાથી તેવી જમીનોની કિંમત ઘણી વધી ગઈ છે એટલે આવી જમીનો રિ-ગ્રાન્ટ કરવા અંગેની શરતોમાં સરકારે હવે મહત્ત્વના ફેરફાર જાહેર કર્યા છે.
મહેસૂલ વિભાગ દ્વારા આ બાબતે કરાયેલા ઠરાવ પ્રમાણે સરકારમાં દાખલ થયેલી જમીનનો કબજો તેના મૂળ માલિક કે તેના વારસદારો પાસે રહે છે અથવા તેઓ એકસાલી ધોરણ તેમાં ખેડાણ પણ કરતાં હોય છે. કુદરતી અથવા અન્ય આફતો, ખાતેદાર ખેડૂતનું મૃત્યુ, તેની કફોડી આર્થિક સ્થિતિ, રોજી-રોટી માટે તેનું અન્યત્ર સ્થળાંતર થયું હોય કે પછી ખેડૂત કે તેના વારસદારને તેની સરકારમાં દાખલ થયેલી ખેતીની જમીન સરકાર પાસેથી પરત લેવા અંગે કોઈ કાયદાકીય જ્ઞાન ન હોય તેવા સંજોગોમાં તેઓ તેમની જમીન સરકાર પાસેથી પરત લેવામાં વર્ષોનો સમય વ્યતિત કરી દે છે. કેટલીક વાર એવું થાય છે કે, તેમની જમીન જે ગામમાં હોય તે ગામ કાંતો શહેરમાં સામેલ થઈ ગયું હોય કે શહેરની નજીકમાં આવી ગયું હોય છે. આવી પરિસ્થિતિમાં રિ-ગ્રાન્ટ કરવા અંગેની સરકારે તેની નીતિમાં ફેરફાર કર્યો છે.
કેવી જમીનો રિ-ગ્રાન્ટ નહીં કરી શકાય?
શહેર કે નગરપાલિકા વિસ્તારમાં આવેલી આવી રિ-ગ્રાન્ટપાત્ર જમીન કે તેની ત્રિજ્યામાં આવેલી જમીનનો કબજો ભલે તેના મૂળ માલિક પાસે હશે તો પણ સરકાર તેનો કબજો મેળવીને તેના અન્ય જાહેર હેતુ માટે અનામત રાખશે પણ તે જમીન તેના મૂળ માલિકને પરત નહીં કરે.
મહત્વના ફેરફાર
- જમીન રિ-ગ્રાન્ટ કરવા પ્રવર્તમાન જંત્રીની કિંમત વસૂલાશે.
- જમીન રિ-ગ્રાન્ટ થયાના પાંચ વર્ષ માટે વેચાણ કે તબદીલ કે બિનખેતી કરી શકાશે નહીં. પાંચ વર્ષ બાદ નવી શરતની જમીનનો પ્રવર્તમાન ધોરણો મુજબ પ્રીમિયમ ભરીને તેને જૂની શરતમાં રૂપાંતરિત કરી શકાશે.
- મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ માટે ફાળવાયેલી જમીનમાં આવા પ્રકારની કોઈ જમીન સામેલ થતી હોય તો ખાસ જોગવાઈ તરીકે આ પ્રકારની પોકેટ જમીન પાંચ વર્ષના લોક ઈન પિરિયડ પૂરો ન થયો હોય તો તે પહેલાં ઉદ્યોગના હેતુ માટે જમીનના સત્તા પ્રકારને ધ્યાનમાં લીધા સિવાય પ્રીમિયમ ભરીને તબદીલ કરી શકાશે.
No comments:
Post a Comment