બિનખેતીની અરજીના કામે કલેક્ટર એવો પ્રશ્ન નિર્ણીત કરી શકે નહીં કે, અરજદાર ખેડૂત છે કે નહીં - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, February 5, 2024

બિનખેતીની અરજીના કામે કલેક્ટર એવો પ્રશ્ન નિર્ણીત કરી શકે નહીં કે, અરજદાર ખેડૂત છે કે નહીં

બિનખેતીની અરજીના કામે કલેક્ટર એવો પ્રશ્ન નિર્ણીત કરી શકે નહીં કે, અરજદાર ખેડૂત છે કે નહીં ?

બિનખેતીની અરજીના કામે કલેક્ટર એવો પ્રશ્ન નિર્ણીત કરી શકે નહીં કે, અરજદાર ખેડૂત છે કે નહીં


રાજ્યમાં જેમ જેમ વિકાસ-ડેવલપમેન્ટ વધે છે તેમ-તેમ ખેતી ની જમીનો બિન ખેતીના હેતુ માટે વપરાશ કરવાનું અને ખેતીની જમીનો બિનખેતીમાં તબદીલ કરવાનું પ્રમાણ પણ ખૂબ વધવા પામેલ છે. તેવી જ રીતે જમીનોની કિંમતો વધવા પામેલ હોવાથી આ રીતે ખેતીની જમીનો બિનખેતીમાં તબદીલ કરવાના કામે મહેસૂલી કચેરીઓ સમક્ષ ત્રાહિત પક્ષકારો દ્વારા તેઓના હક્ક, હિત, હિસ્સો હોવા બાબતના યા તે અંગે સિવિલ કોર્ટ સમક્ષ દાવાદુવીના પ્રકરણો ચાલતા હોવાના કારણો જણાવી બિનખેતીમાં રૂપાંતર કરવાની માલિકોની અરજીઓ દફતરે કરવાની અને બિનખેતીની પરવાનગી નહીં આપવા બાબત ત્રાહિત પક્ષકારો દ્વારા મહેસૂલી કચેરીઓ સમલ વાંધા અરજીઓ આપવામાં આવતી હોવાના પણ કિસ્સાઓ વધવા પામેલ છે. એવા કોઈપણ પક્ષકાર, કે જેઓએ હજી પ્રશ્નવાળી જમીન ઉપર પોતાની તરફેણમાં પોતાના અધિકારો પ્રસ્થાપિત કરવાના બાકી છે, તેમના દ્વારા વાંધા ઉપસ્થિત કરવાના કોઈપણ પ્રકારના અવકાશ અંગે જોગવાઈ કરતી નથી. જેથી બિનખેતીની અરજીના કામે કલેક્ટરે ધ્યાને લેવાની જરૂર હોય છે કે, બિનખેતીની પરવાનગી માગનાર જમીન, કે જેની આકારણી ખેતીના હેતુ માટે થાય છે અથવા જે ખેતીના હેતુ માટે ધારણ કરવામાં આવેલ છે, તેવી જમીનના કબજેદાર છે કે કેમ. મજકૂર કબજેદારના ટાઈટલની તપાસ હાથ ધરવા યા ખેડૂત તરીકેના દરજ્જા નક્કી કરવા અંગે મહેસૂલ સંહિતાના કાયદાની કલમ-૬૫માં ઉલ્લેખ કરવામાં આવેલ નથી. આમ, જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫ હેઠળની અરજી નિર્ણીત કરતી વખતે પક્ષકાર બિનખેતીની અરજીના કામે કલેક્ટર એવો પ્રશ્ન નિર્ણીત કરી શકે નહીં કે, અરજદાર ખેડૂત છે કે નહીં. ઉપર વર્ણવ્યા મુજબનો સિદ્ધાંત નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઓમપ્રકાશ સુદર્શન દુબેદી વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત, સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં.૧૧૧૮૬/૨૦૨૧ ના કામે તા.૧૬/૦૧/૨૦૨૩ ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે (લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧, ઈશ્યૂ-૧, જાન્યુઆરી-૨૦૨૪, પાના નં.૬૩) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.

અરજદાર પ્રશ્નવાળી જમીનના વિસયતની રાહે કાયદેસરના માલિક થયેલા અને વર્ષોથી ચાલી આવેલા. અરજદારે પ્રશ્નવાળી ખેતીની જમીનને બિનખેતીમાં રૂપાંતરિત કરવા કલેક્ટરશ્રી સમક્ષ અરજી કરેલી. જે બિનખેતીની અરજી કલેક્ટરશ્રી દ્વારા અરજદાર ખેડૂત ન હોવાનું અને ફોરેસ્ટ ઓફિસરના બિનખેતીના કામે અભિપ્રાયના અભાવના કારણે તથા નગરપાલિકાના પત્રથી પ્રશ્નવાળી જમીન ઉપર વિકસિત કરવાની થતી કોઈ યોજના નથી તેવો પત્ર હોવા છતાં નામંજૂર કરવામાં આવેલ. જે બાદ અરજદારે ફોરેસ્ટ ઓફિસરના અભિપ્રાય સાથે બિનખેતીની અરજી પુન:વિચારણા માટે અરજી કરી હતી તેમ છતાં કલેક્ટરશ્રી દ્વારા તેવી અરજી નામંજૂર કરવામાં આવેલ. ત્યારબાદ અરજદારે કલેક્ટરશ્રીના હુકમ વિરુદ્ધ સચિવશ્રી મહેસૂલ વિભાગ સમક્ષ ફેરતપાસ અરજી દાખલ કરેલ, પરંતુ ફેરતપાસ અરજીના કામે કલેક્ટરશ્રીના હુકમને બહાલી આપવામાં આવેલી. જે સચિવશ્રી મહેસૂલ વિભાગના ફેરતપાસ અરજીના કામે કરેલ હુકમ તથા કલેક્ટરશ્રીના હુકમને અરજદારે નામદાર હાઇકોર્ટ સમક્ષ પડકારેલ. 

આ કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તુષારભાઈ હરજીભાઈ ઘેલાણી વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાતના કેસમાં આપવામાં આવેલ નિરીક્ષણોનો સંદર્ભ લીધેલ કે જે વડે સહાયક બેન્ચે હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ તેમજ સાથે સાથે સંહિતાની કલમ-૬૫ ની જોગવાઈ અને સાથે સાથે અધિનિયમની કલમ-૩(૧૨) અને કલમ-૩(૧૬) હેઠળ કબજેદાર (ઓક્યૂપન્ટ) અને ખાતું (હોલ્ડિંગ)ના સંબંધમાં તેમાં અપાયેલ વ્યાખ્યાઓને તપાસી અને ઠરાવેલ કે, ‘૩૮. આમ, કલમ ૬૫નું સાદુ વાંચન એ બાબત સ્પષ્ટ કરે છે કે, બિનખેતીની પરવાનગી મંજૂર કરવાના હેતુ માટે સૌપ્રથમ બાબત કે જે કલેક્ટરે ધ્યાને લેવાની રહે છે, તે એ છે કે શું બિનખેતીની પરવાનગી માંગી રહેલ અરજદાર તે જમીનનો કબજેદાર છે કે કેમ, કે જે ખેતીના હેતુ માટે આકારવામાં અથવા ધરાવવામાં આવી રહી હોય. આ બાબત નિશ્ચિત કરવાના હેતુ માટે કલેક્ટર મહેસૂલી રેકર્ડને ધ્યાને લે તે અપેક્ષિત છે. મહેસૂલી રેકર્ડમાં અરજદારનું નામ પ્રથમ દર્શનીય રીતે દર્શાવશે અથવા ઊલટાનું સૂચવશે કે, તેઓ જમીનના કબજેદાર છે. તે પ્રક્રિયાનું બીજું પગલું એ બાબત નિશ્ચિત કરવાનું રહેશે કે શું તેવી જમીન ખેતીના હેતુ માટે આકારવામાં અથવા ધરાવવામાં આવી રહી છે કે કેમ.

બિનખેતીની અરજીના કામે કલેક્ટર એવો પ્રશ્ન નિર્ણીત કરી શકે નહીં કે, અરજદાર ખેડૂત છે કે નહીં


૩૯. સંહિતાની કલમ-૬૫ તે વપરાશો અંગે જોગવાઈ કરે છે કે જેના માટે ખેતીના હેતુથી જમીન ધરાવનાર કબજેદાર પોતાની જમીનને ઉપયોગમાં લઈ શકે. જો જમીનનો કબજેદાર ખેતી અથવા ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ સિવાયના અન્ય કોઈ હેતુઓ માટે જમીનનો વપરાશ કરવા ઈચ્છુક હોય તો તેણે તેમ કરવાની પરવાનગી આપવા માટે કલેક્ટરને અરજી કરવી જરૂરી છે. એ નોંધી શકાશે કે કલમ-૬૫ માં આવતો મુખ્ય શબ્દ "જમીનનો કબજેદાર" છે. કલમ-૬૫ ના હેતુ માટે એટલું પૂરતું છે કે, બિનખેતીની પરવાનગીની અરજી કરી રહેલ વ્યકિત જમીનનો કબજેદાર હોય. કથિત જોગવાઈમાં કયાંય પણ એવું જણાવવામાં આવેલ નથી કે, અરજદાર તે જમીન ઉપર ટાઈટલ અથવા માલિકીહક્ક ધરાવતો હોવો જોઈશએ, કે જેના માટે બિનખેતીની પરવાનગી માંગવામાં આવેલ છે. વિધાનસભાએ પોતાના ડહાપણમાં એવું ઉચિત માન્યું હતું કે એટલું પૂરતું થઈ રહેશે, જો જમીનનો કબજેદાર બિનખેતીની પરવાનગી માટે અરજી કરે. એવું જરૂરી નથી કે આવી વ્યક્તિ અરજી કરે તે પહેલાં જમીન પરત્વેનું પોતાનું ટાઈટલ સાબિત કરે. હાલનો કેસ વધુ સારા આધાર ઉપર છે. અરજદારો જમીનના કબજેદારો છે, એટલું જ નહીં તેઓ કાયદેસરના તેમજ માન્ય નોંધાયેલ વેચાણ દસ્તાવેજ થકી તેના માલિકો પણ છે. કથિત વેચાણ દસ્તાવેજ દીવાની કોર્ટ સમક્ષ પડકારની વિષયવસ્તુ હોઈ શકે છે, પરંતુ હકીકત એ રહેવા પામે છે કે, દીવાની કોર્ટે હજી સુધી તેને રદ કરતું અથવા તેને ગેરકાયદેસર હોવાનું અથવા કપટથી મેળવાયેલ જાહેર કરતું હુકમનામું પસાર કરેલ નથી. 

વધુમાં સહાયક બેન્ચે સ્પષ્ટપણે ઠરાવેલ છે કે ડિસ્ટ્રિકટ કલેક્ટર માત્ર એ જ પાસાને ધ્યાને લઈ શકે કે શું અરજદાર તે જમીનના કબજેદાર છે કે નથી કે જે જમીન ખેતીલાયક હેતુઓ માટે આકારવામાં અથવા ધરાવવામાં આવી રહી હોય. 

જેથી સંદર્ભે લેવાયેલ હુકમમાં આવો જ સરખો દૃષ્ટિકોણ લેવામાં આવેલ છે કે, "૧૪. અન્યથા પણ સંહિતા હેઠળની અરજીને ધ્યાને લેતી વખતે બચાવકર્તા કલેક્ટર માટે એ બાબતને ધ્યાને લેવાનું ખુલ્લું નહોતું કે, શું અરજદાર ખેડૂત હતા કે નહીં અને ખાસ કરીને જ્યારે મુંબઈ ગણોત વહીવટ અને ખેતીવિષયક જમીનો અધિનિયમ હેઠળ સક્ષમ સત્તાધિકારીએ આજદિન સુધી અરજદારની વિરુદ્ધ અરજદાર ખેડૂત નથી એવું ઠરાવતો કોઈ વિરુદ્ધનો હુકમ પસાર કરેલ નથી ત્યાર' 

આમ, નામદાર હાઈકોર્ટના ઉપરોક્ત ચુકાદાને ધ્યાને લેતા એવો સિદ્ધાંત પ્રસ્થાપિત થાય છે કે, બિનખેતીની અરજીના કામે કલેક્ટર એવો પ્રશ્ન નિર્ણીત કરી શકે નહીં કે, અરજદાર ખેડૂત છે કે નહીં. (લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧, ઈશ્યૂ-૧, જાન્યુઆરી-૨૦૨૪, પાના નં.૬૩)

No comments: