કાનૂની જરૂરિયાતના અભાવમાં અને સગીરના કેસમાં કોર્ટની પરવાનગી વિના કર્તા અન્ય સમાંશિતોના હિસ્સાનું વેચાણ કરી શકે નહીં.
જ્યારે કોઈ સ્થાવર મિલકત સમાંશિત મિલકતો હોય તેમજ તેમાં સગીરનું હિત-હિસ્સો સમાયેલો હોય તો તેવા સંજોગોમાં સગીરના હિતની તબદીલીના લખાણો કરતા અગાઉ સક્ષમ કોર્ટની પૂર્વપરવાનગી મેળવવી જરૂરી છે તેમ છતાં જો કોઈ સ્થાવર મિલકતમાં કોઈ સગીરનો વણવહેંચાયેલો હિસ્સો સમાયેલો હોય અને તેવી મિલકતનું સગીરના કુદરતી વાલી અથવા અન્ય કોઈ દ્વારા તેવા સગીરનું હિત સમાવિષ્ટ હોય તેવી સ્થાવર મિલકતનું વેચાણ કોઈપણ જાતની વાજબી જરૂરિયાત વિના કે સગીરનું હિત જોખમમાં મુકાય તે રીતે અને તેવા વેચાણ વ્યવહાર અંગે સક્ષમ કોર્ટ કનેથી સગીર વતી પરવાનગી મેળવ્યા વિના કરી દેવામાં આવે તો તેવું વેચાણ મૂળથી જ નલ એન્ડ વોઈડ રહે છે અને તેવું વેચાણ સગીરને બંધનકર્તા રહેતું નથી. તેમજ સમાંશિત મિલકતના વેચાણ અંગે કાનૂની જરૂરિયાત જેમ કે દેવા કે સમાંશિતો અને તેમના કુટુંબોના સભ્યોના ભરણપોષણ વિગેરે હોવાથી વેચાણ વ્યવહાર કરેલ હોવો જોઈશે.
આમ, ઉપર વર્ણવ્યા મુજબ ‘કાનૂની જરૂરિયાતના અભાવમાં અને સગીરના કેસમાં કોર્ટની પરવાનગી વિના કર્તા અન્ય સમાંશિતોના હિસ્સાનું વેચાણ કરી શકે નહીં’ તેવો સિદ્ધાંત નામદાર છત્તીસગઢ હાઇકોર્ટ(ખંડપીઠ) દ્વારા સતીષકુમાર સિંગરૌલ તે બલદાઉ પ્રસાદ સિંગરૌલના દીકરા અને બીજાઓ વિરુદ્ધ સંગીતા કશ્યપ તે અશ્વની કશ્યપની પત્ની અને બીજાઓ, ફર્સ્ટ અપીલ નં. ૧૩૦/૨૦૨૧ ના કામે તા.૨૯/૦૮/૨૦૨૩ ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે (લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧, ઇશ્યૂ-૭, જુલાઈ-૨૦૨૪, પાના નં.૭૦૦) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.
પ્રશ્નવાળી મિલકતના ધારણકર્તા પ્રતિવાદી નં.૪ ચાલી આવેલ અને તેઓ કનેથી પ્રશ્નવાળી મિલકત પ્રતિવાદી નં.૧ નાએ રજિ.વેચાણ દસ્તાવેજ થકી ખરીદ કરેલી અને ત્યારબાદ પ્રતિવાદી નં. ૧ પાસેથી પ્રશ્નવાળી મિલકત પ્રતિવાદી નં.૨ તથા ૩ નાએ રજિ.વેચાણ દસ્તાવેજ થકી ખરીદ કરેલી અને પ્રતિવાદી નં.૨ તથા ૩ નું નામ મહેસૂલી રેકર્ડમાં દાખલ કરવામાં આવેલ. ત્યારબાદ વાદીઓના પિતા યાને પ્રતિવાદી નં.૪ તથા અન્યોની વિરુદ્ધ પ્રશ્નવાળી મિલકત સમાંશિત મિલકત હોઈ તેઓ તેનું વેચાણ કરી શક્યા ન હોત અને વાદીઓ સમાંશિતો હોઈ તેમાં તેઓનું નિહિત હિત રહેલ હોવાની રજૂઆતો થકી ટ્રાયલ કોર્ટ સમક્ષ દાવો દાખલ કરેલો. જે દાવો ટ્રાયલ કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલ. જે હુકમ વિરુદ્ધ વાદીએ નામદાર હાઇકોર્ટ સમક્ષ હાલની આ અપીલ દાખલ કરેલ.
નામદાર વરિષ્ઠ કોર્ટે હરદેવ રાય વિ. શકુંતલા દેવી, ૨૦૦૮(૭) સુ.કો.કે. ૪૬ ના ફકરામાં એસ.બી.આઈ વિ. ઘમંડી રામ, ૧૯૬૯(૨) સુ.કો.કે. ૩૩ ના નિર્ણયના ફકરા નં.પ માં પ્રસ્થાપિત સિદ્ધાંતો નામદાર હાઇકોર્ટે ધ્યાને લીધેલ કે, "પ. હિન્દુ કાયદાની મિતાક્ષર શાળા મુજબ હિન્દુ સંયુક્ત કુટુંબની તમામ મિલકતો અર્ધ-નિગમિત હેસયતમાં તમામ સમાંશિતો દ્વારા સામૂહિક માલિકીહક્કે ધરાવવામાં આવે છે. મિતાક્ષર પદ્ધતિના અધિકૃત લખાણો તેની સ્પષ્ટ બોલીઓમાં પ્રસ્થાપિત કરે છે કે સંયુક્ત કુટુંબની મિલકતો તે સમયે હયાત હોય તેવા તેમજ ત્યારબાદ જન્મનારા સંયુક્ત કુટુંબના સભ્યો માટે ટ્રસ્ટમાં ધરાવવામાં આવે છે (જુઓ મિતાક્ષરા પ્રકરણ-૧, પીપી. ૧-૨૭) મિતાક્ષર કાયદા હેઠળ સમાંશિતપણાના પ્રસંગો આ પ્રમાણે છે : સૌપ્રથમ ત્રીજી પેઢી સુધી વ્યકિતના સીધીલીટીના પુરુષ વંશજો તેવી વ્યક્તિની વડીલોપાર્જિત મિલકતોમાં જન્મથી માલિકીહક્ક સંપાદિત કરે છે. બીજું એ કે આવા વંશજો કોઈપણ સમયે વિભાજનની માગણી કરીને તેમના અધિકારો (હિસ્સાઓ) નિશ્ચિત કરી શકે છે,
ત્રીજું એ કે જ્યાં સુધી વિભાજન ન થાય ત્યાં સુધી, પ્રત્યેક સભ્યને બાકીના તમામની સાથે સંયુક્ત રીતે આખેઆખી મિલકત ઉપર વિસ્તરેલ એવો માલિકીહક્ક મળેલ હોય છે, ચોથું એ કે આવી સહમાલિકીના પરિણામે મિલકતોનો કબજો અને ભોગવટો સહિયારો હોય છે, પાંચમું એ કે સમાંશિતોની સંમતિ વિના મિલકતનું કોઈ સ્વત્વાર્પણ શક્ય નથી, સિવાય કે તે જરૂરિયાત બદલ કરવામાં આવે અને છઠ્ઠું એ કે મૃતક સભ્યનું હિત તેના અવસાન ઉપર હયાત સભ્યોને જાય છે. મિતાક્ષર શાળા હેઠળની સમાંશિત મિલકત વ્યવસ્થા એ કાયદાનું સર્જન છે અને તે પક્ષકારોના કાર્ય વડે ઉદ્દભવી
શકે નહીં, સિવાય કે જ્યાં સુધી દત્તક વિધાન ઉપર દત્તક લેનાર પિતાની વડીલોપાર્જિત મિલકતોના સંબંધમાં તેવા પિતાની સાથે સમાંશિત બને છે તેવા કિસ્સામાં હોય.’ પ્રશ્નવાળી મિલકત સમાંશિત મિલકત હતી, એવી હકીકત અંગેના સામા વાંધા પરત્વે કોઈ પડકાર નથી તેથી આખેઆખી સમાંશિત મિલકતના સંબંધમાં સમાંશિતો પૈકીના કોઈ એક દ્વારા વેચાણ કરવામાં આવેલ હોય ત્યારે શું તેવા વેચાણને ચલાવી શકાય કે કેમ, એવા અન્ય પાસા ઉપર આગળ વધેલ.
નામદાર હાઇકોર્ટે વામન શર્મા વિ. શ્રીમતી નમિતા બૈધમુથા, ૨૦૨૩(૩) સી.જી.એલ.જે. ૧૧૪ ના કેસમાં કાનૂની જરૂરિયાત અંગે પ્રસ્થાપિત કરાયેલ સિદ્ધાંતોને અનુસર્યા હતા. "૨૧. કાનૂની જરૂરિયાત શું છે, ક) સરકારી મહેસૂલની ચુકવણી અને દેવા કે જે કૌટુંબિક મિલકતમાંથી ચૂકવવાપાત્ર બનતા હોય, ખ) સમાંશિતો અને તેમના કુટુંબોના સભ્યોના ભરણપોષણ, ગ) પુરુષ સમાંશિતો અને સમાંશિતોની દીકરીઓના લગ્નોના ખર્ચાઓ, ઘ) અંત્યેષ્ટિ અથવા કૌટુંબિક વિધિઓના જરૂરી પાલન, ચ) અસ્કયામતને પરત મેળવવા અથવા સુરક્ષિત કરવા માટે જરૂરી કાનૂની કાર્યવાહીના ખર્ચ, છ) સંયુક્ત કુટુંબના મુખિયા અથવા અન્ય કોઈ સભ્યને ગંભીર ફોજદારી તહોમતની વિરુદ્ધ બચાવવા ખર્ચ, જ) કૌટુંબિક ધંધા અથવા અન્ય જરૂરી હેતુ માટે કરવામાં આવેલ દેવાની ચુકવણી. પિતા સિવાયના અન્ય કોઈ મેનેજરના કેસમાં માત્ર એવું દર્શાવવું પૂરતું નથી કે દેવું અગાઉથી અસ્તિત્વમાન દેવું હતું.
૨૬. એકવખત કાનૂની જરૂરિયાતના અસ્તિત્વની હકીકત સાબિત થવા પામી હોય, તો પછી કોઈપણ સમાંશિત (દીકરા)ને તેમના કુટુંબના કર્તા દ્વારા કરવામાં આવેલ વેચાણને પડકારવાનો અધિકાર નથી. વાદી દીકરા હોઈ તેમના પિતા પ્રિતમ સિંઘની સાથે સહસમાંશિતો પૈકીના એક હતા, તેઓને તેમની વિરુદ્ધ નોંધવામાં આવેલ કાનૂની જરૂરિયાત ઉપરના તારણોના પ્રકાશમાં આવા વેચાણ પડકારવાનો કોઈ અધિકાર નહોતો, તેવું એટલા માટે ખાસ હતું કે જ્યારે વાદી કોઈ પુરાવા થકી એ સાબિત કરવામાં નિષ્ફળ ગયાં હતાં કે, દાવાવાળી જમીનનું વેચાણ કરવા માટે કોઈ કાનૂની જરૂરિયાત નહોતી અથવા એ કે કાનૂની જરૂરિયાતના અસ્તિત્વની હકીકત સાબિત કરવા માટે પ્રતિવાદીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવા કયાં તો અપૂરતાં હતા અથવા અસંગત હતાં અથવા બિલકુલ કોઈ રીતે પુરાવા જ નહોતા.’
નામદાર હાઈકોર્ટે હિન્દુ વારસા અધિનિયમ, ૧૯૫૬ ની કલમ-૮ કુદરતી/સ્વભાવિક વાલીની સત્તાઓ નિર્દિષ્ટ કરેલ છે તે ધ્યાને જણાવેલ કે, કોર્ટની પૂર્વપરવાનગી મેળવ્યા વિના કુદરતી વાલી સગીરની સ્થાવર મિલકતના કોઈપણ ભાગનું વેચાણ કરી શકશે નહીં. તેથી હિન્દુ વારસા અધિનિયમ, ૧૯૫૬ ની કલમ-૮ની પેટાકલમ-(૨) એ બાબતને જરૂરી બનાવે છે કે વાલી દ્વારા કરવામાં આવેલ સ્વત્વાર્પણ વ્યર્થ હોઈ શકે નહીં, પરંતુ સગીરની પહેલ ઉપર વ્યર્થ ઠરાવવાપાત્ર બની શકે.
ઉપરોક્ત નામદાર હાઇકોર્ટના ચુકાદા ઉપરથી તેમજ વરિષ્ઠ કોર્ટના ચુકાદો ધ્યાને લેતા કહી શકાય કે, કાનૂની જરૂરિયાતના અભાવમાં અને સગીરના કેસમાં કોર્ટની પરવાનગી વિના કર્તા અન્ય સમાંશિતોના હિસ્સાનું વેચાણ કરી શકે નહીં.
(લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧, ઇશ્યૂ-૭, જુલાઈ-૨૦૨૪, પાના નં.૭૦૦)
No comments:
Post a Comment