સરકારી જાહેર જગ્યા ઉપરના દબાણો દૂર કરવાની જોગવાઈઓ અને સુપ્રિમકોર્ટ સહિતના ચુકાદાઓ
- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
પરંતુ ભારત સરકારે ૨૦૧૪માં Street Vendors અધિનિયમ ઘડવાને કારણે જાહેર રસ્તા ઉપરના રાહદારીઓના અવર જવરના હક્કને વિપરિત અસરો પેદા થઈ છે જોકે આ કાયદામાં નિયમન કરવાની બાબત છે અને અગાઉ સુપ્રિમકોર્ટે કરાવ્યા મુજબ Hawking and Non Hawking Zone બનાવવાના છે અને તે અનુસાર નિયમન કરવાનું છે. પરંતુ સ્થાપિત હિતો (Vested Interest) દ્વારા લારી-ગલ્લાઓ ઉભા કરવામાં આવે છે અને આવા તત્વોને સ્થાનિક રાજકારણી અને વહિવટી તંત્રની ઉદાસીનતાને કારણે ફુટપાથ અને રસ્તાઓ ઉપરના દબાણો થાય છે. મહાનગરપાલીકા કે નગરપાલીકા તેમજ રાજ્ય સરકારના બોર્ડ / કોર્પોરેશન / કંપનીમાં Public Premises Eviction Act-૧૯૭૩ હેઠળ નિયત અધિકારીને અનઅધિકૃત કબજો ધરાવતા વ્યક્તિને દુર કરાવવાની સતાઓ છે. એ સિવાય અન્ય સરકારી વિભાગો માટે સબંધિત વિસ્તારના નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટને અનઅધિકૃત કબજો ધરાવતા વ્યક્તિઓને દુર કરાવવાની સતાઓ છે. સરકારની આવી સબંધિત કાયદાકીય જોગવાઈઓ હોવા છતાં ઘણીવાર સરકારી / ગૌચરી કે જાહેર જગ્યાઓમાં માથાભારે વ્યક્તિઓ દ્વારા દબાણ કરવામાં આવે તો Dangerous Person તરીકે PASA - Prevention of Anti-Social Activity Act હેઠળ પણ કાર્યવાહી કરી શકાય છે. અમો સુરત પ્રાન્ત અધિકારી હતા ત્યારે નગીનભાઈ સુરતીને જમીનો / સરકારી જમીન સહિતના વ્યવહારો કરવા બદલ રાજકીય પીઠબળ ધરાવતા હોવા છતાં 'પાસા' હેઠળ અટાયતમાં લીધેલ હતા. આમ વહીવટી તંત્ર તરફથી કાયદાકીય જોગવાઈઓ હેઠળ કોઈપણની શેહશરમ રાખ્યા વગર કાર્યવાહી કરવામાં આવે તો માથાભારે વ્યક્તિઓમાં દાખલો બેસાડી શકાય.
ગુજરાત સરકારે જમીન મહેસુલ અધિનિયમ, પંચાયત અધિનિયમ, નગરપાલીકા અધિનિયમ હેઠળ સરકારી / ગૌચર જમીનો ઉપરના દબાણો હટાવવાની જોગવાઈઓ હોવા છતાં અસરકારક કામગીરી થતી ન હોવાનું ધ્યાન ઉપર આવતાં અને આ કાયદાઓ હેઠળ ફોજદારી કાર્યવાહીની દંડનીય કાર્યવાહી ન હોવાને કારણે Specific Act હેઠળ “Land Grabbing Act” જમીન પચાવી પાડવા માટેનો કાયદો છેલ્લા પાંચ વર્ષથી ઘડવામાં આવ્યો છે અને આ કાયદા હેઠળ મહેસુલી અધિકારીઓને સરકારી / ગૌચરની જમીનો હેઠળ થતા દબાણો અંગે સીધે સીધી કાર્યવાહી હાથ ધરવાની જોગવાઈઓ છે. અને આ કાયદામાં સરકારી / ગૌચર જમીનો ઉપરાંત ખાનગી વ્યક્તિઓની મિલ્કત અંગે પણ કોઈપણ વ્યક્તિ ખોટા દસ્તાવેજ / બાનાખત / છેતરામણી કરી આચરણ કરે તો જીલ્લા કલેક્ટર અને અરજી કરવાની છે અને કલેક્ટર કક્ષાએ આવી અરજીઓની નિયત સમય મર્યાદામાં તપાસ કરાવડાવીને કલેક્ટર કક્ષાએ, જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પોલીસ અધિક્ષક અને અધિક નિવાસી કલેક્ટર, સભ્ય સચિવ સાથેની કમિટિ રાજ્ય સરકારે રચિત કરી છે અને લેન્ડ ગ્રેબીંગ એક્ટમાં આ કાયદા હેઠળ દાખલ કરવામાં આવતી ફરીયાદ અંગે સ્પેશીફ કોર્ટને છ માસમાં નિર્ણય કરવાની કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી છે. આ કાયદાના અમલીકરણની સમિક્ષા કરવામાં આવે તો આ કાયદાની જોગવાઈઓ સરકારી / ગૌચરની જમીનો / મિલ્કતો પુરતી સિમિત નથી. આ કાયદાની જોગવાઈઓ મહાનગરપાલીકા / નગરપાલીકા / અને પંચાયતી રાજ્યની તમામ સંસ્થાઓ / જાહેર ટ્રસ્ટની મિલ્કતો / સરકારી કંપની / બોર્ડ તમામને લાગુ પડે છે. પરંતું અનુભવે જણાવ્યું છે કે આજ સુધી સરકારી / ગૌચર હેઠળની જમીનોમાં જે સમગ્ર રાજ્યોમાં દબાણો છે તેમાં અસરકારક કામગીરી થઈ હોય તેવા કિસ્સાઓ નથી. જેથી જ્યારે જમીન પચાવી પાડવાની પ્રવૃતિ રોકવા માટેનો ખાસ કાયદો ઘડવામાં આવ્યો છે ત્યારે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જે કમિટિ બનાવવામાં આવી છે તે આ કાયદાની જોગવાઈઓનો કડક સ્વરૂપે અમલ થાય તો સરકારના જાહેર હેતુ માટે અને પ્રજાહિતમાં આંતર માળખાકીય સુવિધાઓ માટે જમીન ઉપલબ્ધ થાય અને ખોટી રીતે સરકારી / ગૌચરની જમીનો પચાવી પાડવામાં આવે તેવા તત્વો સામે કડક કાર્યવાહીથી દાખલો બેસાડવામાં આવે તો કાયદાનો ડર પેદા થાય. આ કાયદાની જોગવાઈઓ ખાનગી મિલ્કતો / ભાડુઆતને અખાલી / જમીનો / મિલ્કતો માટે પણ જે ખોટું આચરણ કરી દસ્તાવેજો કરવામાં આવે છે તેવું આચરણ કરતાં તત્વો સામે પણ કાર્યવાહી કરવાની જોગવાઈ છે. જો અસરકારક અમલીકરણ થાય તો જે હેતુથી કાયદો ઘડવામાં આવ્યો છે તે સાર્થક થાય.
No comments:
Post a Comment