કૌટુંબિક વહેંચણનું મેમોરેન્ડમ પોતે સ્થાવર મિલકતોમાં : કોઈ અધિકારો ઊભાં કરતું નથી કે નાબૂદ કરતું નથી.
કૌટુંબિક મિલકતની વહેંચણી એટલે કુટુંબના વડીલ પોતાની હયાતીમાં કુટુંબની વડીલોપાર્જિત વારસાગત જમીનોની વહેંચણી પોતાના કુટુંબના સભ્યો વચ્ચે કરી આપે અથવા કુટુંબના વડીલ વ્યક્તિના અવસાન થવાને કારણે મરનાર વ્યક્તિની વારસાઈ અંગેની કાર્યવાહી દરમિયાન વારસદારો વચ્ચે સમજૂતી અગર વારસદારો પૈકી પોતાનો છોડી દે વગેરે જેવી તબદીલીઓ કે જ્યાં નાણાકીય લેવડ દેવડ કુટુંબના સભ્યો વચ્ચે થયેલી ન હોય આવી કુટુંબની મિલકતની વહેંચણીને કૌટુંબિક મિલકતની વહેંચણી તરીકે ઓળખાવી શકાય. અને કાયદા મુજબ આવી કૌટુંબિક મિલકતની વહેંચણી માટે રજિસ્ટર્ડ દસ્તાવેજ હોવો જરૂરી નથી.
કૌટુંબિક વહેંચણીના તકરારના કિસ્સામાં એક વખત હક્ક, ટાઇટલ અથવા દરજ્જાની વહેંચણીના અર્થમાં વિભાજન સાબિત થાય અથવા તેને સ્વીકારવામાં આવે તો તેનો અર્થ એવો થાય છે કે તમામ સંયુક્ત મિલકતોનું વિભાજન થઈ ગયું ગણાય અથવા વહેંચણી થઈ હતી એવું ગણાય. આમ, કૌટુંબિક વહેંચણ પહેલાંથી જ કરાયા બાદ કયાં તો રેકર્ડના હેતુ માટે અથવા તો જરૂરી ફેરફાર નોંધ પાડવા કોર્ટની માહિતી માટે માત્ર મેમોરેન્ડમ તૈયાર કરવામાં આવેલ હોય તો તેને નોંધણીની જરૂર પડશે નહીં, તેથી મેમોરેન્ડમ પોતે સ્થાવર મિલકતોમાં કોઈ અધિકારો ઊભાં કરતું નથી કે નાબૂદ કરતું નથી.
તેમજ હાલના ચુકાદા થકી નામદાર હાઇકોર્ટે ઠરાવેલ છે કે, ‘કૌટુંબિક વહેંચણનું મેમોરેન્ડમ પોતે સ્થાવર મિલકતોમાં કોઈ અધિકારો ઊભાં કરતું નથી કે નાબૂદ કરતું નથી' તેવો સિદ્ધાંત નામદાર છત્તીસગઢ હાઈકોર્ટ(ખંડપીઠ) દ્વારા સુભાષચંદ્ર અગ્રવાલ (મૃતક), બીનાદેવી અગ્રવાલ વિગેરે વિરુદ્ધ રાકેશકુમાર અગ્રવાલ તે સુભાષચંદ્ર અગ્રવાલના દીકરા વિગેરે, ફર્સ્ટ અપીલ નં.૧૦/૨૦૧૯ ના કામે તા.૦૯/૦૮/૨૦૨૩ ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે (લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧, ઇશ્યૂ-૭, જુલાઈ-૨૦૨૪, પાના નં.૭૧૩) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.
મૂળ વાદીઓ(દીકરા અને વહુ) તથા મૂળ પ્રતિવાદી નં. ૧ અને ૨ (પિતા અને માતા) નાઓ અને પ્રતિવાદી નં.૩ નાઓએ સાથે મળીને સંયુક્ત હિન્દુ કુટુંબની રચના કરી હતી અને તેઓએ મિલકત વિભાજિત કરી હતી અને તેઓ પ્રશ્નવાળી મિલકતોના કબજામાં હતા, પરંતુ ત્યારબાદ વિભાજનનું મેમોરેન્ડમ તા.૨૦/૦૯/૨૦૦૪ ના રોજ કરવામાં આવ્યું હતું અને વિભાજનના મેમોરેન્ડમના અનુસંધાનમાં પ્રતિવાદી નં. ૧ અને ૨ નાએ અગાઉના વિભાજનની હકીકતોને સુરક્ષિત કરવા માટે સોગંદનામું કર્યું હતું. પરંતુ વાદીઓની તરફેણની મિલકતો પ્રતિવાદી નં.૧ અને ૨ નાઓએ પ્રતિવાદી નં.૩ ની તરફેણમાં તબદીલ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા તેમજ વાદીઓ દ્વારા મેળવવામાં આવેલ નટરાજ હોટેલ ખાતેની (ઓફિસ) મિલકતમાં પ્રતિવાદી નં.૨ નાએ તાળું માર્યુ હતું, પરંતુ વાદીઓ અને પ્રતિવાદીઓ વચ્ચે સમાધાન થયું હતું કે મજકુર ઓફિસવાળી મિલકતની લોન પ્રતિવાદી નં.૧ ચૂકવશે અને ઓફિસવાળી જગ્યાનું વેચાણ કરવા માગતા હોય તો વાદીઓ તે ખાલી કરી દેશે તે વિરુદ્ધ તાળું મારવામાં આવ્યું. જેથી વાદીઓએ નામદાર ટ્રાયલ કોર્ટ સમક્ષ દાવો દાખલ કરેલો. ત્યારબાદ દાવો પડતર હતો તે દરમિયાન ઓફિસવાળી મિલક્ત પ્રતિવાદી નં.૪ અને ૫ ને વેચાણ કરેલ. વધુમાં પ્રતિવાદી નં.૧ થી ૩ ના જણાવ્યા મુજબ વાદીઓ સાથે સંબંધો રહ્યા નથી અને તે હકીકત સમાચારપત્રમાં પ્રકાશિત કરવામાં આવી હતી અને પ્રતિવાદી નં.૧ અને ૨ નાએ વાદી નં. ૧ ને દત્તક દીકરા તરીકે સ્વીકાર્યો હતો, તેમ છતાં કોઈ પ્રક્રિયાનું અનુસરણ કરવામાં આવ્યું નહોતું. મજકુર દાવાના કામે ટ્રાયલ કોર્ટે વાદીઓની તરફેણમાં આંશિક હુકમનામું કરવામાં આવ્યું હતું. જેથી પ્રતિવાદી નં.૧ થી ૩ નાઓ દ્વારા હાલની આ અપીલ નામદાર હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવેલ.
નામદાર હાઇકોર્ટ દ્વારા વરિષ્ઠ કોર્ટ યાને સુપ્રીમ કોર્ટે કાલે વિ. ડેપ્યુટી કલેક્ટર ઓફ કોન્સોલિડેશન, ૧૯૭૬(૩) સુ.કો.કે. ૧૧૯ માં એવો સિદ્ધાંત પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો કે, 'કોર્ટે કૌટુંબિક વહેંચણના જરૂરી તત્ત્વો વર્ણવેલ છે યાને બંધનકર્તા અસર આપવા માટે અને કૌટુંબિક વહેંચણના જરૂરી તત્ત્વોને મજબૂત સ્વરૂપ આપવા માટે તે અંગેનું લખાણ નીચેના સિદ્ધાંતોના સ્વરૂપમાં ઉતારી શકાય : (૧) કૌટુંબિક વહેંચણ ફરજિયાતપણે શુદ્ધબુદ્ધિની હોવી જોઈએ, (૨) મિલકત વ્યવસ્થા સ્વૈચ્છિક જ હોવી જોઈશે અને કપટ, દાબદબાણ અથવા અનુચિત પ્રભાવ વડે મેળવાયેલ હોવી જોઈશે નહીં, (૩) કૌટુંબિક વહેંચણ મૌખિક પણ હોઈ શકે કે જે કિસ્સામાં કોઈ નોંધણી જરૂરી નથી, (૪) નોંધણી માત્ર ત્યારે જ જરૂરી બનશે, કે જ્યારે કૌટુંબિક વહેંચણની શરતો લખાણમાં ઉતારવામાં આવી હોય, (૫) સભ્યો, you કે જેઓ કૌટુંબિક વ્યવસ્થાના પક્ષકારો હોઈ શકે તેઓ મિલકતમાં પહેલાંથી ટાઇટલ, હક્કદાવો અથવા હિત કે પછી સંભવિત દાવો પણ ધરાવતા હોવા જ જોઈશે, કે જેને વ્યવસ્થાના પક્ષકારો દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી હોય. જો મિલકત વ્યવસ્થાના પક્ષકારો પૈકીના એકની પાસે ટાઈટલ નહીં હોય, પરંતુ વ્યવસ્થા હેઠળ અન્ય પક્ષકાર આવી વ્યક્તિની તરફેણમાં પોતાના તમામ હક્કદાવાઓ અથવા ટાઇટલ જતાં કરે અને તેવી વ્યક્તિને એકમાત્ર માલિક તરીકે સ્વીકારે, તો પછી પહેલાંના ટાઈટલનું અનુમાન કરી લેવું જ જોઈશે અને કૌટુંબિક વ્યવસ્થાને સમર્થન આપવામાં આવશે અને કોર્ટોને તે અંગે સંમતિ આપવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં., (૬) વળી જો શુદ્ધબુદ્ધિના વિવાદો, હાલના અથવા ભવિષ્યના કે જે કાનૂની દાવાઓ સમાવતા ન હોય તેનો શુદ્ધબુદ્ધિની કૌટુંબિક વ્યવસ્થા વડે ઉકેલ લાવવામાં આવે છે, કે જે ઉચિત અને સમન્યાયી હોય તો તેવી કૌટુંબિક વ્યવસ્થા તેના પક્ષકારો ઉપર આખરી અને બંધનકર્તા છે."
નામદાર હાઇકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે, જો કૌટુંબિક વહેંચણની બોલીઓ લખાણમાં ઉતારવામાં આવી હોય માત્ર તો જ આવા દસ્તાવેજની નોંધણી જરૂરી બનશે અને કૌટુંબિક વહેંચણ પહેલાંથી જ કરાયા બાદ કયાં તો રેકર્ડના હેતુ માટે અથવા તો જરૂરી ફેરફાર નોંધ પાડવા કોર્ટની માહિતી માટે માત્ર મેમોરેન્ડમ તૈયાર કરવામાં આવેલ હોય તો તેને નોંધણીની જરૂર પડશે નહીં, તેથી મેમોરેન્ડમ પોતે સ્થાવર મિલકતોમાં કોઈ અધિકારો ઊભાં કરતું નથી કે નાબૂદ કરતું નથી અને તે ભારતીય નોંધણી અધિનિયમ, ૧૯૦૮ ની કલમ ૧૭(૧)(બી)ની અટકળમાં પડશે નહીં.
વધુમાં સભ્યો કે જેઓ કૌટુંબિક વહેંચણના પક્ષકારો હોઈ શકે છે તેઓ ફરજિયાતપણે અમુક અગાઉથી અસ્તિત્વમાન ટાઇટલ, હક્કદાવો અથવા હિત કે વળી મિલકતમાં સંભવિત દાવો પણ ધરાવતાં હોવા જોઈશે કે જેને સમાધાન/વહેંચણના પક્ષકારો દ્વારા સ્વીકારવામાં આવેલ હોય. વળી જો સમાધાન/ વહેંચણના પક્ષકારો પૈકીના કોઈની પાસે ટાઈટલ ન હોય તો પણ જો મિલકત વ્યવસ્થા હેઠળ અન્ય પક્ષકાર તેવી વ્યક્તિની તરફેણમાં તેમના તમામ હક્કદાવાઓ અથવા ટાઈટલો જતાં કરે છે અને તેઓ (જેની તરફેણમાં હક્ક જતા કરવામાં આવેલ હોય તે) એકમાત્ર માલિક હોવાની હકીકત સ્વીકારે છે, તો પછી અગાઉથી અસ્તિત્વમાન ટાઇટલનું ફરજિયાતપણે અનુમાન કરવું પડશે અને કૌટુંબિક વહેંચણને બહાલી આપવી જોઈશે.
હાલના કેસની હકીકતોમાં દસ્તાવેજ (આંક પી-૧) અને સોગંદનામું (આંક પી-૨) તે વિભાજનના મેમોરેન્ડમ તેમજ સોગંદનામાની તપાસ દર્શાવશે કે પ્રતિવાદી દ્વારા વાદીની તરફેણમાં અગાઉ અસ્તિત્વમાન ટાઇટલ ઊભું કરવામાં આવ્યું હતું કે જે બાબત વધુમાં આંક ડી-૨ વાળા મેમોરેન્ડમથી સુરક્ષિત બને છે, કે જે એવી હકીકતની પુષ્ટિ કરે છે કે પહેલાંથી જ કરવામાં આવેલ વિભાજના અનુસંધાનમાં પક્ષકારોને મિલકતના તેમના સંબંધિત કબજામાં મૂકવામાં આવ્યા હતા અને ફેરફાર નોંધોથી નામ ચઢાવવાની કામગીરી કરવામાં આવી હતી.
ઉપરોક્ત નામદાર હાઇકોર્ટના ચુકાદા ઉપરથી કહી શકાય કે, કૌટુંબિક વહેંચણ પહેલાંથી જ કરાયા બાદ કયાં તો રેકર્ડના હેતુ માટે અથવા તો જરૂરી ફેરફાર નોંધ પાડવા કોર્ટની માહિતી માટે માત્ર મેમોરેન્ડમ તૈયાર કરવામાં આવેલ હોય તો તેને નોંધણીની જરૂર પડશે નહીં, તેથી મેમોરેન્ડમ પોતે સ્થાવર મિલકતોમાં કોઈ અધિકારો ઊભાં કરતું નથી કે નાબૂદ કરતું નથી.
(લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧,ઇશ્યૂ-૭, જુલાઈ- ૨૦૨૪, પાના નં.૭૧૩)
No comments:
Post a Comment