સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના પર થતું અનધિકૃત દબાણ અટકાવવા બાબત.
સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના પર થતું દબાણ અટકાવવા તથા જો દબાણ થયેલ હોય તો તેને દૂર કરવા માટે યોગ્ય વ્યવસ્થાતંત્ર ગોઠવી કાઢવા અને ચુસ્તપણે અમલ કરવા અંગે આ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક ( ૧ ) થી ( ૬ ) માં દર્શાવેલ પરિપત્રોથી વારંવાર સૂચનાઓ આપવામા આવી છે . ઉપરાંત, ઉપર વંચાણે લીધેલ ક્રમાંક ( ૭ ) ના ઠરાવથી શહેરી વિસ્તારમાં દબાણ અને અનધિકૃત બાંધકામની પ્રવૃત્તિઓને રોકવા તથા તેના નિયમન માટે મ્યુનિ. કમિશનરશ્રી / કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સ્પેશ્યલ ટાસ્ક ફોર્સીસની રચના કરવામાં આવેલ છે. વંચાણે લીધેલ ક્રમાંક ( ૮ ) ના પત્રથી સર્વે કલેક્ટરશ્રીઓને ધાર્મિક પ્રવૃત્તિઓ માટેનું ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટે સૂચનાઓ આપવામાં આવેલ છે.
૨. સરકારી જમીનો કિંમતી અને સીમિત છે જેથી તેની જાળવણી કરવી હાલની પરિસ્થિતિમાં ખૂબ જ જરૂરી છે . સરકારના ધ્યાન ઉપર આવેલ છે કે સરકારી ખુલ્લી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણોનું પ્રમાણ વધી રહેલ છે. સરકારી જમીનનું જતન કરવાની અને તેના ઉપર દબાણ ન થાય તે જોવાની રાજ્ય સરકારની તેમજ સર્વે મહેસૂલી અધિકારીશ્રીઓની અગત્યની ફરજ છે.
૩. ઉપરોક્ત સંજોગોમાં સર્વે કલેક્ટરશ્રીઓ / મહેસૂલી અધિકારીશ્રીઓનું ધ્યાન ઉક્ત સઘળી સૂચનાઓ તરફ પુન : દોરી તેમાં જણાવ્યા મુજબની કાર્યવાહી અચૂકપણે હાથ ધરવા પુન : જણાવવામાં આવે છે તેમજ નીચે મુજબની કાર્યવાહી પણ હાથ ધરવા આથી જણાવવામાં આવે છે.
( ૧ ) આ વિભાગના તા.૨૬/૦૨/૨૦૦૪ ના પરિપત્રનાં ફકરા -૧ માં જણાવ્યા મુજબનું દબાણ રજીસ્ટર નિભાવવામાં આવે છે તેની સમીક્ષા તથા ચકાસણી કલેક્ટરશ્રીઓએ દર માસે કરવી.
( ૨ ) સરકારી ખુલ્લી જમીનોની જાળવણી કરવાની જવાબદારી દરેક મહેસૂલી અધિકારીશ્રીઓને સર્વે નંબર સહિત નામજોગ સોંપવી અને આ જમીનોની આવી કામગીરી નિભાવવામાં નિષ્ફળ રહેલ મહેસૂલ કર્મચારી / અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરવા માટે શિસ્ત વિષયક પગલાં ભરવા . આ બાબતે સમીક્ષા કરી લીધેલ પગલાંની વિગતોની જાણ દર માસે સરકારશ્રીને કરવી.
( ૩ ) જે તે અધિકારીના વિસ્તારમાં આવતી ખુલ્લી જમીનોની વિડિયોગ્રાફી કરવી તથા ત્યારબાદ આવી જમીનોમાં કોઇ પણ જાતનાં દબાણ ન થાય તે માટે જમીન ફરતે તાર ફેંસીંગથી સુરક્ષિત કરવી.
( ૪ ) આ ખુલ્લી જમીનો અંગે થયેલ વિડિયોગ્રાફીની વિગતો ધ્યાનમાં રાખી સમયાંતરે કલેક્ટરશ્રી કક્ષાએથી ઈન્સ્પેક્શન કરવામાં આવે અને ઈન્સ્પેક્શન દરમ્યાન કોઈ નવું દબાણ ધ્યાનમાં આવે તો તે માટે સર્કલ ઈન્સ્પેક્ટર તથા મામલતદારશ્રી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા વિચારણા કરવી.
( ૫ ) આ ઉપરાંત આપના જિલ્લામાં સરકારી જમીનો પર દબાણ થયેલ હોય તેવા કેસો આઈડેંટીફાય કરી લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી ખુલ્લા કરાવવા.
( ૬ ) સરકારી જમીન ઉપર જે વ્યક્તિએ ઔદ્યોગિક / ધંધાકિય ( કોમર્શિયલ ) દબાણ કર્યુ હોય તો તેને લાઈટ, પીવાના પાણી તથા ગટરના જોડાણ ન મળે તેવી પાકી વ્યવસ્થા ગોઠવવા કલેક્ટરશ્રીઓએ સંબંધિત વિભાગોના તમામ અધિકારીઓની સાથે બેઠક કરી સૂચનાઓ આપવી એટલું જ નહીં તેનું પાલન થાય તે સુનિશ્ચિત કરવું.
( ૭ ) મહેસૂલ વિભાગ ઠરાવ ક્રમાંક : દબણ / ૧૦૧૮ / ૨૫૯૦ / લ તા.૦૯/૦૮/૨૦૧૯ થી ઠરાવવામાં આવેલ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ દ્વારા પણ નિયમિત રીતે દબાણ અને અનધિકૃત બાંધકામની પ્રવૃત્તિઓ રોકવા બાબતે દેખરેખ રાખવામાં આવે તે બાબત સુનિશ્ચિત કરવી.
આમ, ઉપરોક્ત સઘળી કામગીરી સાથે સરકારી ખુલ્લી જમીનોની જાળવણી કરવા, જે જમીનો પરનાં દબાણ ખુલ્લા કરવામાં આવેલ છે તેની યોગ્ય સુરક્ષા કરવા, અને જો દબાણ થયેલ હોય તો લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ પ્રસિધ્ધ થયેલ સૂચનાઓ મુજબ કાર્યવાહી કરી દબાણ હટાવી ખુલ્લા કરાવવા અને વ્યવસ્થિત જાળવણી થાય તે મુજબનું વ્યવસ્થાતંત્ર ગોઠવવા આથી સર્વે કલેક્ટરશ્રીઓને જણાવવામાં આવે છે . ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે ,
No comments:
Post a Comment