પૂર્વ પરવાનગી સિવાય ગૌચર જમીન નહીં ફાળવવા બાબત.
મહેસૂલ વિભાગના તા.૦૧/૦૪/૨૦૧૫ની ગૌચર નીતિ મુજબ સામાન્ય રીતે ગૌચર જમીન ઓછી ન થાય તે રીતે ગૌચરની જમીન ફાળવણી ઉપર નિયંત્રણ રાખવામાં આવેલ છે. આમ છતાં, અનિવાર્ય સંજોગોમાં ગૌચર જમીનની ફાળવણી જાહેર ઉપયોગીતાના કામો, રાજય સરકારની કચેરીઓ, મકાનો, રસ્તાઓ, પુલો, ગામતળ, કબ્રસ્તાન, સ્મશાન, તળાવ વિગેરે જેવા જાહેર હિતના કામો, સરકારી અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના શૈક્ષણિક, અ રોગ્ય, અને બીજા સામાજીક ક્ષેત્રના કામો માટે પણ ગૌચર ફાળવણી કરવાની જોગવાઇ વખતોવખતના ઠરાવથી સરકારે નક્કી કરેલ છે. ગૌચર નીતિમાં ખાનગી સંસ્થાઓને શૈક્ષણિક અને આરોગ્ય હેતુ માટે જયારે ગૌચર જમીન ફાળવવામાં આવે ત્યારે અરજદાર પાસેથી અન્ય ખાનગી/સરકારી જમીન લઈ ગૌચર તરીકે નીમ કરાવવામાં આવે છે. તથા ગૌચરના વિકાસ માટે ૩૦% જંત્રી આધારીત ફંડ વસુલવામાં આવે છે.
સામાન્ય રીતે ઔદ્યોગિક હેતુ માટે ગૌચરની જમીનની ફાળવણી ન કરવાની સરકારશ્રીની નીતિ રહેલ છે. પરંતુ અત્યંત અનિવાર્ય હોય ત્યારે સાથોસાથ સ્થાનિક પ્રજાનું હિત અને રોજગારી સર્જનનો હેતુ ધ્યાને લઇ તેમજ ગૌચર જમીન સિવાય ઉદ્યોગ સ્થાપવાનું શકય ન હોય ત્યારે ગૌચરની જમીન ફાળવવામાં આવે છે. અને તે વખતે ફાળવેલ જમીન જેટલી જ અન્ય ખાનગી જમીન જે તે ઉદ્યોગકાર પાસેથી લઇ ગૌચર તરીકે નીમ કરાવવામાં આવે છે. તથા ગૌચરના વિકાસ માટે ૪૦% જંત્રી આઘારીત ફંડ પણ વસુલવામાં આવે છે. આમ, ગૌચરની જમીન અનિવાર્ય સંજોગોમાં જ ફાળવવામાં આવે તે હેતુસર તા.૦૧/૦૪/૨૦૧૫ની ગૌચર નીતિના ભાગ-૨ ની જોગવાઈ મુજબ ગૌચર ફાળવણીના અધિકાર સરકાર/મહેસૂલ વિભાગ હસ્તક છે.
આમ છતાં, ગૌચરની જમીન સરકારશ્રીની પૂર્વ પરવાનગી વિના ફાળવણી કરતા હોવાનું સરકારશ્રીના ધ્યાને આવેલ છે. આથી, મહેસૂલ વિભાગના તા.૦૧/૦૪/૨૦૧૫ના ઠરાવના ભાગ ૨ના ફકરા-૪ તરફ પુન: ધ્યાન દોરતા જણાવવાનું કે, ગૌચરની જમીન ફાળવવાની તમામ દરખાસ્તો મહેસૂલ વિભાગમાં રજૂ થાય તે સુનિશ્ચિત કરવા અને સરકારની પૂર્વ પરવાનગી સિવાય ગૌચરની જમીનની ફાળવણી/તબદીલી ન કરવા સૂચના આપવામાં આવે છે. વધુમાં, આ સૂચનાઓ તાબા હેઠળના મહેસૂલી અધિકારીઓના ધ્યાને લાવી ચુસ્ત અમલ કરાવવા જણાવવામાં આવે છે.
ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ,પરિપત્ર ક્રમાંક: જમન/૩૯૨૨/૭૦૯/ગ, સચિવાલય, ગાંધીનગર. તા:૨૬/૦૯/૨૦૨૨.
No comments:
Post a Comment