યાને તેની સચ્ચાઈ જાહેર કરી શકે અથવા વીલ યાને વસિયતનામું યોગ્ય રીતે અને કાયદા મુજબ કરવામાં આવેલ નથી તેવું માત્ર જાહેર કરી શકે. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Tuesday, January 3, 2023

યાને તેની સચ્ચાઈ જાહેર કરી શકે અથવા વીલ યાને વસિયતનામું યોગ્ય રીતે અને કાયદા મુજબ કરવામાં આવેલ નથી તેવું માત્ર જાહેર કરી શકે.

 જયારે કોઈ વીલ યા વસિયતનામા અંગે પ્રોબેટ મેળવવાની માગણી કોર્ટ સમક્ષ કરવામાં આવેલ હોય ત્યારે તે વીલ યોગ્ય રીતે કરવામાં આવેલ છે કે કેમ? અને કાયદા મુજબ તે વીલનું સાક્ષીકરણ કરવામાં આવેલ છે કે કેમ? માત્ર આવા પ્રશ્ન અંગે પ્રોબેટ કોર્ટને સંબંધ છે, પરંતુ વીલવાળી મિલકતના માલિકી અંગેની તપાસ પ્રોબેટ કોર્ટ કરી શકે નહીં. પ્રોબેટ કોર્ટ માત્ર વીલ યાને વસિયતનામું પ્રામાણિક છે કે કેમ? યાને તેની સચ્ચાઈ જાહેર કરી શકે અથવા વીલ યાને વસિયતનામું યોગ્ય રીતે અને કાયદા મુજબ કરવામાં આવેલ નથી તેવું માત્ર જાહેર કરી શકે. પ્રોબેટ કોર્ટ પોતાની હકૂમતનું વિસ્તરણ મિલકતના માલિકીમાં તપાસ કરી ન શકે. ઉપર મુજબનો સિદ્ધાંત નામદાર ગુજરાત હાઈકોર્ટે બાપુભાઈ સોમાભાઈ પટેલ, ગુજરનારના વારસદારો અને કાયદેસર પ્રતિનિધિઓ વિરુદ્ધ વિઠ્ઠલભાઈ સોમાભાઈ પટેલ, સેકન્ડ અપીલ નં. ૬૦/૧૯૯૮ના કેસમાં પ્રસ્થાપિત કરેલ છે. આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.

સોમાભાઈ દ્વારકાદાસ પટેલ પોતાની મિલકત અંગે તા. ૦૨-૦૩-૧૯૭૪ના રોજ વસિયત યાને વીલ કર્યા બાદ તા. ૨૮-૦૪-૧૯૭૪ના રોજ અવસાન પામેલ. સોમાભાઈ પટેલના આ વીલ અંગે તેઓના પુત્ર વિઠ્ઠલભાઈ સોમાભાઈ પટેલે નડિયાદ કોર્ટમાં પ્રોબેટ મેળવવા અંગેની અરજી દાખલ કરેલી. જે કામે સોમાભાઈ પટેલના બીજા પુત્ર બાપુભાઈ સોમાભાઈ પટેલ હાજર થયેલા, પરંતુ ત્યાર બાદ તેઓનું અવસાન થતાં તેઓના કાયદેસરના વારસદારો બાપુભાઈ સોમાભાઈ પટેલ વગેરે જોડાયેલા. આ વીલથી માત્ર વિઠ્ઠલભાઈ સોમાભાઈ પટેલને એકલાને મિલકત આપવામાં આવેલી. આ વીલમાં બે સાક્ષીઓ દ્વારા કાયદેસર રીતે સાક્ષીકરણ કરવામાં આવેલું તેમ જ તે બોન્ડ રાઈટર દ્વારા લખવામાં આવેલું.

પ્રોબેટ અરજીના કામે હાજર થઈ સોમાભાઈ પટેલના અન્ય વારસદારોએ એવો વાંધો લીધેલ કે, સોમાભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ વીલ શંકાસ્પદ છે તેમ જ વીલ અગાઉના દિવસે લખાયેલું અને તેની ઉપર સહી તા. ૦૪-૦૩-૧૯૭૪ના રોજ કરવામાં આવેલી તેમ જ સોમાભાઈ પટેલ યાને વીલ કરનાર તંદુરસ્ત મનના ન હતા તેમ જ સોમાભાઈ પટેલ યાને વીલ કરનાર શિક્ષિત અને ભણેલી વ્યક્તિ હતા, જ્યારે વીલમાં સોમાભાઈનો અંગૂઠો કરવામાં આવેલ હતો તેમ જ સોમાભાઈ પટેલે પૂર્વજોની મિલકત અંગે વીલ કરેલ છે જે માટે વીલ કરવાનો તેઓને કોઈ હક, અધિકાર ન હતો તેમ જ વીલમાં સાક્ષી તરીકે સહી કરનારને તપાસતાં તે હિત ધરાવતો સાક્ષી હતો.

જે અંગે નડિયાદ કોર્ટે વિઠ્ઠલભાઈ સોમાભાઈ પટેલની પ્રોબેટ અરજી રદ કરવાનો હુકમ કરેલો. નડિયાદ કોર્ટ એવા તારણ ઉપર આવેલ કે,વસિયત કરવાનું શંકાસ્પદ હતું, કારણ કે વસિયતકર્તાએ વસિયત દ્વારા જે મિલકત આપેલી, તે માટે વસિયત કરવાની તેઓને સત્તા ન હતી તેમ જ વીલ લખ્યા પછી બીજા દિવસે તેમાં સહી કરવામાં આવેલી. આ હુકમથી નારાજ થઈ વિઠ્ઠલભાઈ સોમાભાઈ પટેલે નડિયાદના પ્રથમ એપેલેટ કોર્ટ સમક્ષ અપીલ દાખલ કરેલી. જેમાં પ્રથમ એપેલેટ કોર્ટ એવા તારણ ઉપર આવેલ કે, કેટલીક મિલકત પૂર્વજોની મિલકત હતી કે જે માટે વસિયતકર્તાને કોઈ અધિકાર ન હતો તેમ છતાં વીલના ખરાપણાં અંગે કોઈ શંકા થઈ શકે નહીં. વીલમાં અંગૂઠાની છાપ હતી, પરંતુ વીલ કરનાર ભણેલ વ્યક્તિ હતી અને સહી કરવા સક્ષમ હતા તેવો કોઈ પુરાવો નથી. વીલ તેમ જ વીલના સાક્ષી હિત ધરાવતા સાક્ષી ન હતા, કારણ કે તે સાક્ષી હિત ધરાવતા હોવા અંગે કોઈ પુરાવો પણ ન હતો. આમ પ્રથમ એપેલેટ કોર્ટે નડિયાદની મૂળ કોર્ટનો હુકમ રદ કરેલો અને અરજદાર વિઠ્ઠલભાઈ સોમાભાઈ પટેલને પ્રોબેટનું પ્રમાણપત્ર મંજૂર કરવામાં આવેલ હતું અને ઠરાવેલ કે વસિયત કરનારના બાળકોને કોઈપણ મિલકત ન આપવાથી વીલ ગેરકાયદેસર થઈ જતું નથી. હાલના કેસમાં વીલ થયાનું સ્પષ્ટ રીતે પુરવાર થાય છે.

ઉપરોક્ત પ્રથમ એપેલેટ કોર્ટના હુકમથી નારાજ થઈ બાપુભાઈ સોમાભાઈ પટેલ વગેરેનાઓએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સેકન્ડ અપીલ દાખલ કરેલી. જેમાં પણ તેઓએ એવી રજૂઆત કરેલ કે, વીલવાળી મિલકત પૂર્વજોની મિલકત હતી તેમ જ વીલ જે દિવસે લખાયેલું તેમાં બીજા દિવસે સહી થયેલી અને તે અંગેના કોઈ કારણો દર્શાવ્યા નથી તેમ જ વીલમાં સહી કરનાર સાક્ષી તેમાં હિત ધરાવતો સાક્ષી છે તેમ જ સ્વસ્થ મનની વ્યક્તિ પૂર્વજોની મિલકત વસિયતમાં આપે નહીં. જે અંગે વિઠ્ઠલભાઈ પટેલ તરફથી રજૂઆત થયેલ કે, પ્રોબેટ કોર્ટ સૌપ્રથમ વસિયત કરેલ મિલકતની માલિકીની તપાસ કરી શકે નહીં તેમ જ આ સેકન્ડ અપીલ નક્કી કરવા માટે કાયદાનો એક પણ મહત્ત્વનો મુદ્દો ઉપસ્થિત થયેલ નથી.

જેમાં નામદાર હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે, પ્રોબેટ કોર્ટ વીલની સચ્ચાઈ જાહેર કરી શકે અથવા વીલ યોગ્ય રીતે કરવામાં આવેલ નથી તેવું જાહેર કરી શકે. પ્રોબેટ કોર્ટ પોતાની હકૂમતનો વિસ્તરણ મિલકતની માલિકીમાં તપાસ કરી શકે નહીં. વીલ દ્વારા આપવામાં આવેલ મિલકત બાબતમાં કોઈપણ પક્ષકારો કાયદા મુજબ ઉપલબ્ધ કાર્યવાહીઓ કરવા અને પોતાનો દાવો સ્થાપિત કરવા કાર્યવાહી કરી શકે છે. આમ, નામદાર ગુજરાત હાઈકોર્ટે હાલની આ સેકન્ડ અપીલ એડમિશનના તબક્કે જ રદ કરવા હુકમ કરેલ.

આમ ઉપરોક્ત કેસ ઉપરથી સ્પષ્ટપણે ફલિત થાય છે કે, કોઈ વીલ યા વસિયતનામા અંગે પ્રોબેટ મેળવવાની માગણી કોર્ટ સમક્ષ કરવામાં આવેલ હોય ત્યારે તે વીલ યોગ્ય રીતે કરવામાં આવેલ છે કે કેમ ? અને કાયદા મુજબ તે વીલનું સાક્ષીકરણ કરવામાં આવેલ છે કે કેમ? માત્ર આવા પ્રશ્ન અંગે પ્રોબેટ કોર્ટને સંબંધ છે, પરંતુ વીલવાળી મિલકતના માલિકી અંગેની તપાસ પ્રોબેટ કોર્ટ કરી શકે નહીં. આમ છતાં મિલકતની માલિકી પ્રોબેટ કોર્ટ દ્વારા મુદ્દાના સુસંગત હકીકત તરીકે જોઈ શકે યાને જો વસિયતકર્તા અંગેનું જો વસિયત કર્યા અંગે શંકાસ્પદ સંજોગો વધુ હોય તો આવી સુસંગત હકીકત કે ગુજરનાર વસિયતકર્તાને વસિયતમાં જણાવેલ મિલકત આપવાનો કોઈ અધિકાર ન હતો તેને પ્રોબેટ કોર્ટ ધ્યાને લઈ શકે, પરંતુ મિલકતની માલિકી અને સત્તા અંગે તપાસ કરવા ક્ષેત્ર વધુ વિસ્તારતું નથી.

(સંદર્ભ : ૧૯૯૯-૨-જી.એલ.એચ. ૧૭૮)

No comments: