નાઘેડીમાં આવેલી સરકારી ખરાબાની જમીન અંગે અદાલતનો મહત્ત્વનો ચૂકાદો.
જામનગર તા. ૧૭ઃ જામનગરના નાઘેડી ગામમાં આવેલી સરકારી જમીન પાસે અન્ય એક આસામીની ખેતીની જમીન આવેલી છે. તેઓએ પોતાની જમીન ઉપરાંત સરકારી ખરાબાની જમીનમાં પણ ચાળીસેક વર્ષથી જમીનને સમથળ કરી વાવેતર કરતાં હોવાનું જણાવી તે જગ્યામાં સરકાર હરકત-અડચણ ન કરે તે માટે અદાલતમાં દાવો નોંધાવ્યો હતો. તે દાવામાં અદાલતે સરકારી માલિકીની જમીનમાં ગેરકાયદેસર માલિકીહક્ક પ્રસ્થાપિત કરવાના કૃત્યને રક્ષણ આપી ન શકાય તેમ ઠરાવી વાદીનો દાવો રદ કર્યો છે.
જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલા નાઘેડી ગામ પાસે ગુજરનાર કરશનભાઈ પરબતભાઈ કારાવદરાના વારસોની સર્વે નંબર ૧૫૩, ૧૫૪, ૧૫૫માં ૧૨.૩૭ ગુંઠા ખેતીની જમીન આવેલી છે. તે જમીનને લગત દક્ષિણ દિશાએ રે.સ.નં. ૧૮૭ વાળી ખેતીની જમીન લગત હોય સરકારી ખરાબાની ૨૫ વીઘા જમીનનો કબ્જો વાદીએ પોતાની માલિકીની જમીન ખરીદ કરી તે અગાઉ એટલે કે ચાળીસ વર્ષ ઉપરાંતથી સતત વાદી પાસે હતો અને તે જમીન વાદી સમથળ કરી વાવતા હતા. આથી તે જમીનનો કબ્જો અને વપરાશ હોવાથી તેમજ વરસોથી વાદી તેનો સેટલ પજેશન ધરાવતાં હોય તે જમીનમાં સરકાર વાદીના કબ્જા અને વપરાશમાં હરકત ન કરે કે ગેરબંધારણીય પગલું ન ભરે તેમ ઠરાવી આપવા વાદીએ જામનગરની અદાલતમાં દાવો કર્યો હતો.
તે દાવા અંતર્ગત સરકાર તરફથી બચાવ લેવામાં આવ્યો હતો કે, વાદીના દાવામાં ખોટી હકીકતો હોય, તેને રદ કરવો જોઈએ. વાદીએ કાયદેસરના કબ્જેદાર કે માલિક હોવાનો ઈન્કાર કર્યો છે અને ખોટી રીતે માલિકી હક્ક અને કબ્જો પ્રસ્થાપિત કરવા કૃત્ય કર્યું છે. તે જમીન સરકારે ૧૯૯૭માં કરેલા હુકમથી પ્રાણલાલ નવલચંદને નાળિયેરીના ઉછેર માટે લીઝથી ફાળવી છે. તે લીઝની શરતનો ભંગ કરાતાં જમીન ખાલસા કરી તેનો કબ્જો સરકારે મેળવ્યો છે. આથી વાદીની ચાળીસ વર્ષ ઉપરાંતથી કબ્જો હોવાની તકરારનો ઈન્કાર કરવામાં આવે છે.
અદાલતે વાદી તથા પ્રતિવાદીના દાવા તેમજ દલીલો અને કાયદાકીય જોગવાઈઓ ધ્યાને લઈ સર્વે નંબર ૧૮૭ વાળી ૨૫ વીઘા જમીનમાં વાદીનો કબ્જો હોવાનો કે તે જગ્યામાં એડવર્સ પજેશનથી માલિક થતા હોવાનો દાવો નાસાબિત માન્યો છે. તે ઉપરાંત દાવાનો ખર્ચ પણ પ્રતિવાદીને ચૂકવી આપવા અદાલતે વાદીને હુકમ કર્યો છે. સરકાર તરફથી મદદનીશ જિલ્લા સરકારી વકીલ પીયૂષભાઈ પરમાર રોકાયા હતાં.
No comments:
Post a Comment