મુંબઈ જમીન મહેસૂલ કાયદો તથા અન્ય કાયદામાં વપરાયેલ અગત્યના શબ્દોની વ્યાખ્યાઓ.
(૧) ચાવડી :- (ચોરો, ગ્રામ પંચાયત કચેરી) :- ચાવડી એટલે સક્ષમ અધિકારીએ ગામના વહીવટ માટે જે જગ્યા ઉપર બેસીને કામ કરવાની જે જગ્યા નકકી કરી હોય તેને ચાવડી કહેવાય છે.
(૨) ઘરભેણી :- (ઘરથાળ) :- ઘરભેણી એટલે ઈમારત અથવા ઈમારત કામ કરવા માટે રાખેલી જમીન જેના ઉપર ખરેખર ઈમારત ચણાઈ હોય કે ન હોય અથવા ચણાવેલ મકાનની લગોલગની ખુલ્લી જમીન આવેલી હોય તેને પણ ઘરભેણી કહે છે.
(૩) સર્વે નંબરઃ- સર્વે નંબર એટલે જમીનના જે ભાગને જમીન સબંધના દફતરના જુદા જુદા દાર્શનિક નંબર આપી તેનું ક્ષેત્રફળ તથા આકાર જુદો દર્શાવવામાં આવ્યો હોય તે ભાગને સર્વે નંબર કહેવામાં આવે છે.
(૪) જુડી :- (આકાર) :- જુડી એટલે સરકારની જમીન ઉપરના માલીકીના હકક સ્વીકાર બદલ સરકારને વાર્ષિક જે રકમ આપવામાં આવે છે તેને જૂડી કહેવામાં આવે છે.
(૫) પ્રમાણિત નકલ :- પ્રમાણિત ઉતારો એટલે જેને હિન્દુસ્તાનના પુરાવાના કાયદાની જોગવાઈ અન્વયે અસલ ઉપરથી નકલ કે ઉતારો કરવામાં આવે તેને પ્રમાણિત નકલ કહેવામાં આવે છે.
(૬) ખાતેદાર :- ખાતેદાર એટલે ગણોતીયો ન હોય તેવી ખાલસા જમીનનો ખરેખર કબજો ધારણ કરનાર ઇસમ તેને ખાતેદાર કહે છે.
(૭) બુટ્ટાહકક :- બુટ્ટા હકક એટલે કબ્જા હકક બદલ લેવામાં આવતી કિંમત.
(८) દુમાલા :- કોઈપણ મિલ્કત કે જમીન ઉપર બે વ્યકિતઓનો હકક હોય તેને દુમાલા કહેવામાં આવે છે. આ શબ્દ મરાઠી છે.
(૯) બકાત :- બકાત એટલે જે મહેસૂલ માગણામાં ચડાવાય પરંતુ તે વસુલ ન થાય તેને બકાત કહેવામાં આવે છે.
(૧૦) ઉડાફા :- એ એવો સર્વે નંબર છે કે જે ગામના નકશામાં તેના અનુક્રમમાં મળતો નથી આવા નંબરને ઉડાફા કહે છે.
(૧૧) હદ નિશાન :- હદ નિશાન એટલે માટીનું, પથ્થરનું કે બીજી કોઈ વસ્તુનું બાંધેલું અથવા વાડ, સેઢો, કુદરતી કે કૃત્રિમ રીતે બાંધેલું કોઈ નિશાન કે જેને સર્વે અમલદાર કે બીજા મુલ્કી અમલદાર કોઈ જમીનના વિભાગ, પાડવા અર્થે હદ તરીકે ગણવાનું માન્ય કર્યું હોય તેને હદ નિશાન કહે છે.
(૧૨) જમીન ધારણ કરનાર :- જમીન ધારણ કરનાર એટલે કાયદેસર રીતે જમીનનો કબ્જો રાખવો તેવો અર્થ થાય છે.
(૧૩) ધારણ કરેલી જમીન :- ઘારણ કરેલી જમીન એટલે ધારણ કરનાર ધારણ કરતો હોય તે જમીનનો ભાગ.
(૧૪) સર્વે નંબરના પેટા વિભાગ :- સર્વે નંબરના પેટા વિભાગ એટલે કોઈ ભાગ કે જેનો ક્ષેત્રફળ તથા આકાર, જમીન અંગેના રેકર્ડમાં જુદું બતાવવામાં આવે છે અને તે કોઈ સર્વે નંબરનો કોઈ ભાગ છે તેમ દર્શાવવામાં આવે છે.
(૧૫) ખાતું :- (જ.મ. કાયદા કલમ-૩(૧૭) મુજબ) :- ખાતું એટલે ખાતેદારે ધારણ કરેલી જમીનનો ભાગ કે ૮-અ માં જેનું નામ હોય તેને ખાતું કહેવામાં આવે છે.
(૧૬) મકતાખાતું :- મક્તાખાતું એટલે ઈજારા ખાતું ગામના જ લોકો ખેતીની જમીન નહીં ધરાવાના કારણે ગામના નમુના નંબર ૮-અ માં જેનું ખાતું ન હોય તેમની પાસેથી જે રકમ લેવાની થતી હોય તે આ મકતા ખાતામાં દર્શાવવામાં આવે છે.
(૧૭) ગણોતિયો :– ગણોતિયો એટલે જમીન પટ્ટેથી ધારણ કરનાર, કોઈ પટ્ટાથી કે મોઢાના કરારથી જે જમીન ધારણ કરતો હોય તેમાં ગણોતિયાનો કબ્જા હકક્ક ગિરો રાખવામાં આવેલો હોય છે તો આવી જમીન ધારણ કરનારને ગણોતિયો કહે છે.
(૧૮) વરિષ્ટ ધારણ કરનાર :- વરિષ્ટ ધારણ કરનાર એટલે જમીન ધારણ કરનાર કે જે ભાગ અગર જમીન મહેસૂલ બીજા ધારણ કરનાર પાસેથી મેળવવા હકકદાર છે આવા જમીન ધારણ કરનારને વરિષ્ટ ધારણ કરનાર કહે છે.
(૧૯) સહધારણ કરનાર (સહખાતેદાર) :- સહધારણ કરનાર એટલે ધારણ કરનાર કબ્જેદારો કે જે જમીન સહ ભાગીદાર તરીકે ધારણ કરતા હોય તેને સહ ખાતેદારો કહેવામાં આવે છે.
(૨૦) જમીન :- આ શબ્દમાં જમીનમાં પ્રાપ્ત થતા ફાયદાનું અને જમીનને સંયુક્ત વસ્તુનું અથવા જમીનને સંયુક્ત કોઈપણ વસ્તુ જોડે કાયમી જોડાયેલી વસ્તુઓનો, ગામના કે પ્રદેશના નકકી કરેલા બીજા ભાગોની મહેસૂલના અથવા ગણોતના હિસ્સાનો અથવા તેની ઉપર નાખેલા બોજાનો સમાવેશ થાય છે.
(૨૧) મહેસૂલી અધિકારી:- મહેસૂલી અધિકારી એટલે જમીન મહેસૂલના કાયદા મુજબ જમીન મહેસૂલના અથવા તેની લગતી સર્વે આકારણીના હિસાબો અથવા રેકર્ડના કામમાં અથવા તે માટે રાખેલા ગમે તે અધિકારીને મહેસૂલી અધિકારી કહે છે.
(૨૨) સર્વે અધિકારી :- જમીન માપણી માટે કે સર્વેને લગતું કોઈપણ કામ માટે જે અધિકારીની નિમણૂંક કરવામાં આવી હોય તેને સર્વે અધિકારી કહે છે.
(૨૩) એસ્ટેટ(હિત સંબંધ):- જમીન મહેસૂલ કાયદાની કલમ-૩ ના ખંડ(૫) માં આની વ્યાખ્યા આપી છે. એસ્ટેટ શબ્દનો અર્થ જમીનમાં કોઈ હિત સંબંધ તથા હિત સબંધનો સમુદાય એમ થાય છે.
(૨૪) ગામતળ :- ગામતળની વ્યાખ્યા જ.મ. કાયદા કે નિયમોમાં આપેલી નથી પરંતુ સામાન્ય રીતે ગામની હદમાં સર્વે નંબર નહીં ધરાવતી તેવી તેમજ પડતર, ગૌચર, ખરવાળ વગેરે સિવાયની ગામના લોકોના રહેઠાણ હેતુ માટે અનામત રાખેલી જમીનો તેવો અર્થ થાય.
(૨૫) મહેસૂલી વર્ષ : ૧-ઓગષ્ટ થી ૩૧ જુલાઈ
ગણોત વર્ષ : ૧-એપ્રિલ થી ૩૧ માર્ચ
નાણાંકીય વર્ષ : ૧-એપ્રિલ થી ૩૧ માર્ચ
તગાવી વર્ષ : ૧- જુલાઈ થી ૩૦ જૂન
કેલેન્ડર વર્ષ : ૧-જાન્યુઆરી થી ૩૧મી ડીસેમ્બર
(૨૬) કમી જાસ્તી પત્રક (કે.જે.પી.) :- ગામના ન.નં.૧ ને આકાર બંધ કહે છે. તેમાં વખતો વખત ફેરફાર થયા કરે એટલે જે સુધારા-વધારા થાય અને જે કરવામાં આવે છે તેને કમી જાસ્તી પત્રક કહેવામાં આવે છે. આવી દુરસ્તી સામાન્ય રીતે ખેતીની જમીનનું બીનખેતીમાં રૂપાંતર જાહેર હેતુ માટે જમીનની પ્રાપ્તિ, સરકારી પડતર જમીનમાંથી સાંથણી, ખાતાની જમીન તણાઈ જવાથી સરકારી જમીન જાહેર હેતુ માટે નીમ કરવાથી અગર નોંધ કરવાથી કે જમીનનો સત્તા પ્રકાર બદલવાથી જે પ્રકરણો મહેસુલ કે પંચાયત ખાતા તરફથી સર્વે ખાતાને મોકલાય છે કમી જાસ્તી પત્રક સર્વે ખાતું તૈયાર કરી તેની નકલ ગામે મોકલે છે
(૨૭) મોક્ષદર :- ગામના નમુના નં.૧ ના મથાળે લખાય છે તે દર જે તે ગામનું સૌથી વધુ દર એ અર્થમાં નહીં પરંતુ એ ગામની જુદા જુદા વર્ગની જમીન માટેનો સ્ટાન્ડર્ડ દર છે. તેના આધારે ખેતરનો દર નકકી થાય છે.
No comments:
Post a Comment