મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ / નિયમો તથા સરકારશ્રીના પરિપત્રો/ઠરાવોથી ઠરાવેલ અગત્યની જોગવાઈઓ.
(૧) કલમ-૩૭(૨) હકક ચોકસી :-
હકકચોકસીની કાર્યવાહી એટલે કે જમીનના હક વિશે વિવાદ ઉભો થાય તો જમીન મહેસૂલ કાયદા અન્વયે અનુસરવાની કાર્યરીતિ
(૧) જયારે કોઈ વ્યકિત, સંસ્થા કે સરકાર વચ્ચે મિલ્કત માટે કે મિલકતના હિત સબંધ માટે માલીકી બાબતની તકરાર હોય ત્યારે જ.મ.કાયદાની કલમ-૩૭(૨) મુજબ કાર્યવાહી હાથ ધરી નિર્ણય કરવાનો હોય છે.
(૨) ઉપરની જોગવાઈ મુજબ આવી તપાસ માટે તપાસ કરવાની નોટીસ ઠરાવેલ તારીખ પહેલાં ઓછામાં ઓછા દસ દિવસ પહેલાં આપવી જોઈએ અને આ નોટીસમાં તપાસનો સમય, તારીખ, સ્થળ, તથા જે મિલકત બાબત તપાસ કરવાની હોય તેની વિગત આપવી જોઈએ આવી નોટીસ જે ગામની હોય તે ગામની ચાવડી તથા જાહેર સ્થળે તથા જે મિલ્કત માટે તપાસ કરવાની હોય તે મિલ્કત ઉપર ચોટાડવી જોઈએ અને જે વ્યકિતને બજાવવાની હોય તેને હાથો હાથ બજાવવી પરંતુ જો તે હાજર ન હોય તો તેના રોજીંદા કે સામાન્ય રહેઠાણના સ્થળ ઉપર ધ્યાન ખેંચે તેવી જગ્યાએ ચોટાડવી જોઈએ. જે વ્યકિતને નોટીસ બજવવાની હોય તેનું કાયમી રહેઠાણ બીજા જિલ્લામાં હોય તો નોટીસ બીજા જિલ્લાના કલેકટરને મોકલીને બજાવી શકાય.
(૩) કલમ-૩૭(૨) મુજબ જે નિર્ણય કલેકટર કે સક્ષમ અધિકારી આપે તે નિર્ણયની જાણ પણ ઉપર મુજબની કાર્યવાહી પ્રમાણે કરવાની હોય છે.
(૪) કલમ-૩૭(૨) ની તપાસના નિર્ણય ઉપર દિવાની કોર્ટમાં એક માસ (૩૦ દિવસમાં) સુધીમાં દાવો કરી શકાય છે. દાવા વખતે નીચેના પુરાવા રજૂ કરવાના હોય છે.
(૧) જમીન કે મિલ્કત તેની પાસે કેવી રીતે આવી તેનો સંતોષકારક પુરાવો.
(२) સતત ૬૦ વર્ષનો ભોગવટો.
(3) ૬૦ વર્ષ પૂરા ન થતા હોય તો કબજાના કારણો રજૂ થતા પુરાવા.
(૪) આ પુરાવાને દિવાની કોર્ટ ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે તે નિર્ણય આખરી નિર્ણય ગણવામાં આવે છે.
२) જાહેર રસ્તો, ગલી કે માર્ગ નાબુદ કરવા બાબત. (કલમ-૩૭(એ)) :
કયા પ્રસંગે જ.મ. કાયદાની કલમ-૩૭(એ) પ્રમાણે તજવીજ કરવાની આવશ્યકતા ઉભી થાય છે ? જયારે સરકારને એમ જણાય કે જાહેર રસ્તો, ગલી કે માર્ગ જાહેર ઉપયોગ માટે જરૂર નથી ત્યારે સરકારી ગેઝેટમાં તે મતલબની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવે છે. આ જાહેરાતમાં એવું જણાવવામાં આવે છે કે અમો રસ્તો ગલી કે માર્ગ જાહેર જનતા તથા અન્ય લોકોના ઉપયોગ માટે ચાલુ રાખવો જરૂરી યોગ્ય નથી.
(૨ ) ગેઝેટમાં જાહેરનામું પ્રસિધ્ધ થયા પછી તેની બહાલી પ્રસિધ્ધ કરવામાં આવે છે અને જાહેરનામામાં જણાવ્યા મુજબ રસ્તાના હકકો નાબૂદ કરવા અંગેની દરખાસ્ત ઉપર વાંધા મંગાવવામાં આવે છે. આવી જાહેરાત થયા પછી ૯૦ દિવસની અંદર વાંધો હોય તો કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવે છે. કલેકટર વાંધાઓને ધ્યાનમાં રાખીને જે તે નિર્ણય લે છે. આવો નિર્ણય વંચાણે લીધા પછી સરકારને સંતોષ થાય કે રસ્તો કે ગલી, માર્ગની જાહેર ઉપયોગ માટે જરૂર નથી તો છેવટનું જાહેરનામું બહાર પાડીને તે રસ્તા નાબુદ કરે છે.
(૩) ગૌચર જમીનના ઉપયોગનું નિયમન (કલમ-૩૯)
(૧) ગામ માટે નીમ થયેલ ગૌચરમાં ઢોર ચરાવવા ના હક તે ગામના ઢોર પુરતાજ મર્યાદીત હોય છે. કલેકટર જમીન નીમ કરતી વખતે બીજા કોઈ ગામના ઢોર માટે આ જમીન નીમ કરી હોય તો તેવા ઢોર તેમાં ચરી શકે છે. સરકારે મંજૂર કરેલ નિયમો ધ્વારા ગૌચરમાં ચરાવવાના હકોનું વ્યકિતગત કિસ્સામાં કે સામાન્ય બધા ગૌચરો માટે નિયંત્રણ કલેકટર કરી શકે છે. ૧૦૦ ઢોર માટે ૪૦ એકર અને જંગલ વિસ્તાર નજીક હોય તો ૧૦૦ ઢોર માટે ૨૦ એકર જમીન નીમ કરવાનું સ્થાપિત ધોરણ છે.
(૨) ગૌચરમાં ચરાવવાના હક સબંધે કોઈ તકરાર હોય તો તે અંગે કલેકટર જે નિર્ણય લે તે આખરી ગણાય છે.
(૪) ઝાડ ઉપરના સરકારના હકકો બાબત. (કલમ-૪૦ થી ૪૪)
કલમ-૪૦ :-
સરકારે અનામત રાખેલા ઝાડ સિવાય ખાતેદારની જમીનમાં આવેલા ઝાડનો હક ખાતેદારને આપવા સબંધની જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે. અને નિયમ ૫૮ થી ૬૩ આ કલમને લાગુ પડે છે.
કલમ-૪૧ :-
કલમ-૪૧ અનુસાર ઝાડ અને જંગલો સરકારને પ્રાપ્ત થાય છે. આ કલમ મુજબ ઝાડ કે કુદરતી પેદાશ વગેરે જે કોઈ વ્યકિતની માલીકીની ન હોય તે રાજયની માલીકીના છે.
કલમ-૪૨ :-
રસ્તાની બાજુ ઉપરના ઝાડ સરકારે અથવા સરકારના હુકમ મુજબ અથવા સરકારના ખર્ચે વાવ્યા હોય તેવા તમામ ઝાડો સરકારને પ્રાપ્ત થશે જે તે પંચાયતના રસ્તા ઉપરના ઝાડની માલીકી પંચાયતની હોય છે.
કલમ-૪૩ :-
આ કલમ મુજબ જો કોઈ વ્યકિત સરકારી ઝાડ કાપી તે પોતાનાં કામમાં વાપરે ત્યારે ઝાડની કિંમત કલેકટર નકકી કરે તે વસુલ કરવામાં આવે છે. પણ કોઈપણ વ્યકિત પરવાનગી વગર ઝાડનો ઉપયોગ કરે તો કલેકટર ઝાડની કિંમત તેમજ યોગ્ય દંડ વસુલ કરશે. આ રકમ જમીન મહેસૂલની બાકી તરીકે પણ વસુલ કરવામાં આવે છે.
કલમ-૪૪ :-
પોતાના ઘરના ઉપયોગ માટે, બાળવાનાં હેતુ માટે તેમજ કોલસા પાડવા માટે ઝાડનો ઉપયોગ કરવા બાબત કોઈ તકરાર ઉભી થાય ત્યારે કલેકટરશ્રીનો નિર્ણય આખરી ગણાશે.
(૫) જમીન મહેસૂલની આકારણી બાબત (કલમ-૪૫ થી ૪૮ તથા નિયમ - ૮૧)
કલમ-૪૫ :-
વિશેષ માફી આપેલી હોય તે સિવાયની તમામ જમીન મહેસૂલ આપવાને પાત્ર છે. તેવી જમીનોની આ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે
કલમ-૪૬ :-
દુમાલા જમીન નજીકની ભાઠાની જમીન બાબતની જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે હવે તમામ ઈનામો તરીકે જમીનો રદ કરવામાં આવી છે.
કલમ-૪૭ :-
પાણીથી જમીન તણાઈ ગઈ હોય તો જમીન મહેસૂલની આકારણીમાં ઘટાડો કરવા આ કલમમાં જોગવાઈ કરવામાં આવેલી છે. જયાં અડધા એકર કરતાં ઓછી ન હોય તેટલી જમીનનું મહેસૂલ કમી કરવાનું ખાતેદારને હક છે. તો ખાતેદાર સક્ષમ અધિકારીને જાણ કરીને જમીન મહેસૂલ કમી કરાવી શકે છે.
કલમ-૪૮ :- આકારણી લેવાની રીત અને આકારણીમાં ફેરફાર કરવા બાબત :-
જુદા જુદા હેતુઓ માટે ઉપયોગમાં લેવાતી જમીનની આકારણીનું ધોરણ જુદુ જુદુ ઠરાવવામાં આવેલ છે અને સક્ષમ અધિકારીશ્રીની પુર્વ મંજૂરી મેળવ્યા સિવાય હેતુ ફેર કરવાની મનાઈ ફરમાવેલ છે.
પોત ખરાબો : (કલમ-૪૮(૪)) :-
પોત ખરાબો એટલે સર્વે વખતે અધિકારીએ જે સર્વે નંબરમાં ખરાબા તરીકે જમીન નકકી કરી હોય તેને પોત ખરાબો
કહેવામાં આવે છે. પોત ખરાબાના બે પ્રકાર છે.
(૧) ખેડી શકાય તેવો. (૨) ખેડી ન શકાય તેવો.
ખેડી શકાય તેવો :-
આવો ખરાબો કે જેમાં ખેતર પૈકીની અમુક જમીન ખેડવા લાયક હોવા છતાં સાર્વજનિક ઉપયોગ અર્થે લેવાતી હોય ત્યારે તેટલી વધારાની જમીન ખેડી શકાય તેવા પોત ખરાબામાં ગણાય છે. આવા સાર્વજનિક ઉપયોગમાં રસ્તો પાણીનો માર્ગ વગેરે હોય છે. આવી જમીન ખેડી શકાય તેવી હોવા છતાં ખાતેદાર ખેડી શકતો નથી. તે ખેડવા ઉપર પ્રતિબંધ છે. કોઈક ખાતેદારે આવી જમીન ખેડવી હોય તો સક્ષમ અધિકારીની પરવાનગી લેવી પડે છે. આવા પોત ખરાબાનો ખેડવાના પ્રતિબંધનો ભંગ બદલ કશુરવાર સાબિત થયેથી કસુરદારનો રૂા. ૫૦૦/- દંડ કરવામાં આવે છે.
ખેડી ન શકાય તેવો :-
આવો પોત ખરાબો કે જે ખેતીની જમીનમાં ખાડો, પથ્થર વગેરે હોવાના કારણે તેટલો ભાગ વાવેતરના ઉપયોગમાં લઈ શકાય તેવો ના હોય તેવા ખરાબાને ખેડી ન શકાય તેવો પોત ખરાબો કહેવામાં આવે છે. આવી જમીનનો આકાર લેવામાં આવતો નથી. આવો ખરાબો ખેડૂત સુધારી- વાવી શકે છે તેના માટે કોઈ પરવાનગી લેવાની જરૂર નથી. આવા બંને પોત ખરાબાનો ૭/૧૨ ની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે તેનું ક્ષેત્રફળ પણ દર્શાવવામાં આવેલું હોય છે. ગામના નમુના નં.૧ માં આવી જમીનોનું કુલ જમીનમાંથી બાદ કરેલું ક્ષેત્રફળ હોય છે.
No comments:
Post a Comment