ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા તથા તેનું એકત્રીકરણ કરવા બાબતનો અધિનિયમ, 1940
આર્થિક રીતે નુકસાન ન થાય તેમજ તેમનું કોઈ શોષણ કરી શકે નહીં અને તેમણે ધારણ કરેલા ટુકડાની જમીનની તબદીલીમાં કોઈ મુશ્કેલી પડે નહીં તે માટે ટુકડા ધારાની જોગવાઈઓ આવા ખેડૂતોએ જાણવી જરૂરી છે.
સ્થાનિક અને પ્રમાણ ક્ષેત્રફળ નક્કી કરવા બાબત અને ટુકડાની વ્યવસ્થા કરવા બાબત
૧. સ્થાનિક વિસ્તાર નક્કી કરવા બાબત ઃ
રાજ્ય સરકાર પોતાને યોગ્ય લાગે તેવી તપાસ કર્યા પછી, રાજપત્રમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને, કોઈ ગામ અથવા તાલુકાને અથવા તેના કોઈ ભાગને આ અધિનિયમના હેતુઓ સારૂ સ્થાનિક વિસ્તાર તરીકે નિર્દિષ્ટ કરી શકશે.
૨. પ્રમાણ - ક્ષેત્રફળ નક્કી કરવા બાબત :
રાજ્ય સરકાર પોતાને યોગ્ય લાગે તેવી તપાસ કર્યા પછી કોઈ સ્થાનિક વિસ્તારમાંની કોઈ વર્ગની જમીન માટે અલગ પ્લોટ તરીકે જેમાં લાભકારક ખેતી થઈ શકે તેવો ન્યુનતમ વિસ્તાર કામચલાઉ નક્કી કરી શકશે. આવો કામચલાઉ વિસ્તાર નક્કી કર્યો હોય તેવા ન્યૂનતમ વિસ્તારો રાજપત્રમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને તથા ઠરાવવામાં આવે તેવી બીજી રીતે પ્રસિદ્ધ કરી તેને લગતાં વાંધાઓ મંગાવશે.
૩. પ્રમાણ- ક્ષેત્રફળ નક્કી કરવા તથા તેમાં સુધારો કરવા બાબત:
( ૧ ) રાજ્ય સરકાર સંબંધિત ગામમાં જાહેરનામું પ્રસિદ્ધ ર્કાની તારીખથી ત્રણ મહિનાની અંદર, કોઈ વાંધા મળ્યા હોય તો તે ઉપર વિચારણા કર્યા પછી પોતાને યોગ્ય લાગે તેવી વધુ તપાસ કર્યા પછી , રાજ્ય સરકાર , તેવા સ્થાનિક વિસ્તારમાંથી દરેક વર્ગની જમીન માટે પ્રમાણ ક્ષેત્રફળ નક્કી કરશે. ( ૨ ) નક્કી કરેલા પ્રમાણ - ક્ષેત્રફળમાં સુધારો કરવાનું રાજ્ય સરકારને જરૂરી લાગે, તો રાજ્ય સરકાર કોઈપણ સમયે તેમ કરી શકશે. ( ૩ ) રાજ્ય સરકારે રાજપત્રમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને, અથવા ઠરાવવામાં આવે તેવી બીજી રીતે નક્કી કરેલા અથવા ફેરફાર કરેલા કોઈ પ્રમાણ - ક્ષેત્રફળની જાહેર નોટીસ આપવી જોઇશે.
૪. હક્કપત્રમાં નોંધ :
( ૧ ) કોઈ સ્થાનિક વિસ્તાર માટે પ્રમાણ ક્ષેત્રફળની જાહેરાત થાય એટલે. તે વિસ્તારમાંના બધા ટુકડાઓ હક્કપત્રમાં અને હક્કપત્ર ન હોય ત્યારે રાજ્ય સરકાર ઠરાવે તેવા ગ્રામ્ય રેકર્ડમાં ટુકડાઓ તરીકે નોંધવામાં આવશે.
( ૨ ) હક્કપત્રમાં કરેલી નોંધની નોટીસ આ અધિનિયમની જોગવાઈ હેઠળ ફેરફાર રજીસ્ટરમાં કરેલી નોંધ અંગે જે રીતે નોટીસ આપવાનું ઠરાવવામાં આવ્યું હોય તે રીતે આપવાની રહેશે.
પ. ટુકડાઓ તબદીલ કરવા તથા પટે આપવા બાબત ઃ
ગુજરાત સરકારે સને ૨૦૧૨ ના ગુજરાત અધિનિયમ ક્રમાંક : ૧૪ થી ટુકડા પ્રતિબંધક ( ગુજરાત સુધારા ) અધિનિયમ , ૨૦૧૧ માં સુધારો કરેલ છે અને તેને રાજપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે . તેમાં ખેતીની જમીનોને એકત્રિત કરવા સંબંધી તથા ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા બાબતની કેટલીક જોગવાઈઓમાં ખેડૂતોના હીતમાં સુધારો કરતો અધિનિયમ બહાર પાડવામાં આવેલ છે. આ અધિનિયમને ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા તથા તેનું એકત્રિકરણ કરવા બાબતનો ( ગુજરાત સુધારા ) અધિનિયમ, ૨૦૧૧ તરીકે ઓળખવામાં આવે છે.
કાયદાની કલમ ૭ માં ટુકડાઓ તબદીલ કરવા તથા પટે આપવા બાબતે જોગવાઈ કરવામાં આવેલ છે જેમાં પેટા - કલમ ( ૧ ) માં કોઈ વ્યક્તિ જેના સંબંધમાં અધિનિયમની કલમ ૬ ની પેટા કલમ ( ૨ ) હેઠળ નોટીસ આપવામાં આવી હોય તેવો કોઈ ટુકડો તેની લગોલગ આવેલા સર્વે નંબરના અથવા સર્વેનંબરના માન્ય રાખેલા પેટા - વિભાગના માલિક સિવાય બીજા કોઈ વ્યક્તિને તબદીલ કરી શકાશે નહીં તેવી જોગવાઈ હતી . પરંતુ હવે સુધારા કાયદા અનુસાર ‘ જે ટુકડાના સંબંધમાં કલમ ૬ ની પેટા કલમ ( ૨ ) હેઠળ નોટીસ આપવામાં આવી હોય તેવો કોઈ ટુકડો સંબંધિત ગણોત વહીવટ અને ખેતીની જમીનનો કાયદો, ૧૯૪૮ ના કાયદાની વ્યાખ્યામાં જણાવ્યા પ્રમાણે કોઈ ખેડૂતને તબદીલ કરી શકશે . વધુમાં તેવો ટુકડો તેની લગોલગ આવેલા સર્વે નંબર અથવા સર્વે નંબરના માન્ય રાખેલા પેટા - વિભાગના માલિકને તબદીલ કરવામાં આવે, તો તેવા ટુકડાનું એકત્રીકરણ કરવું જોઈશે. આમ હવે આવી ટુકડાવાળી જમીન કોઈપણ ખેડૂતને વેચાણ કે તબદીલ કરી શકાશે. તેમજ ટુકડાવાળી જમીનના લગોલગ આવેલા સર્વે નંબરના અથવા સર્વે નંબરના માન્ય પેટા વિભાગના માલિકને ટુકડાવાળી જમીન તબદીલ કરવામાં આવે તો , બંને જમીનોનું ગુજરાત જમીન મહેસુલ નિયમો , ૧૯૭૨ ના નિયમ ૧૧ હેઠળ એકત્રિકરણ સરળતાથી થઈ શકશે.
૬ . આ કાયદાની કલમ ૯ ની જોગવાઈઓ વિરુદ્ધ ટુકડાધારાની જમીનની તબદીલી અથવા બ્લોકનું વિભાજન કરવા બદલ શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલ છે તે મુજબ આવી જમીનની તબદીલી અથવા વિભાજન રદબાતલ ગણાશે . તેમજ આવી તબદીલી અથવા વિભાજન બદલ શિક્ષાત્મક જોગવાઈ કરવામાં આવેલ છે. હવે ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા તથા તેનું એકત્રીકરણ કરવા બાબતનો ( ગુજરાત સુધારા ) અધિનિયમ ૨૦૧૧ અમલમાં આવતાં સુધારા અધિનિયમની કલમ ૯ ની પેટા કલમ ( ૨ ) માં સુધારો કરવામાં આવેલ છે. જે સુધારા મુજબ ‘‘ આવી રીતે તબદીલ અથવા વિભાજીત કરેલી કોઈ જમીનના માલિક કલેકટર ફરમાવે તે પ્રમાણે જો જમીન શહેરી વિસ્તારમાં આવેલી હોય તો શહેરી વિસ્તાર માટે રૂ ૫,૦૦૦ નો અથવા જમીનની બજાર કિંમતના ૧૦ ટકા આ બે માંથી જે રકમ વધુ હોય તેટલો દંડ વસુલ કરવામાં આવશે. શહેરી વિસ્તાર સિવાયના વિસ્તાર માટે રૂ.૨,૦૦૦ અથવા જમીનની બજાર કિંમતના ૧૦ ટકા આ બેમાંથી જે રકમ વધુ હોય તેટલો દંડ ભરવાને પાત્ર થશે. જો આવો દંડ સમયસર ભરવામાં ન આવે તો દંડની રકમ જમીન મહેસુલની બાકી તરીકે વસુલ કરવામાં આવશે. ’ ’ તેવી જોગવાઈ કરવામાં આવેલ છે.
૭. ટુકડા પ્રતિબંધક ધારો, ૧૯૪૭ ની કલમ ૧૪ માં કોર્ટ દ્વારા થતાં વેચાણ વખતે ટુકડો વેચવો નહી અથવા તેવા વેચાણથી ટુકડો પડવા દેવો નહીં તેવી જોગવાઈ કરવામાં આવેલ છે . હવે ગુજરાત સરકારે ટુકડા પ્રતિબંધક ( ગુજરાત સુધારા ) અધિનિયમ , ૨૦૧૧ માં જે સુધારો કરેલ છે તે મુજબ કલમ ૧૪ માં નીચે મુજબની જોગવાઈ કરવામાં આવેલ છે.
'' તે સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદામાં ગમે તે મજકુર હોય તે છતાં જેના સંબંધમાં અધિનિયમની કલમ ૬ ની પેટા કલમ ( ૨ ) હેઠળ ટુકડા અંગેની નોટીસ આપવામાં આવી હોય તેવો કોઈ ટુકડો, કોઈ કોર્ટના હુકમ મુજબ રાખેલા વેચાણ વખતે સંબંધિત ગણોત વહીવટ અને ખેતીની જમીનનો કાયદો, ૧૯૪૮ માં કાયદામાં વ્યાખ્યા કર્યા પ્રમાણેના કોઈપણ ખેડૂત સિવાય કોઈને વેચી શકાશે નહી અને તેવા વેચાણ વખતે કોઈ જમીન તેનો ટુકડો બાકી રહે તે રીતે વેચી શકાશે નહીં.’’
૮. ટુકડા પ્રતિબંધક ધારો , ૧૯૪૭ ની કલમ ૧૦ માં સરકારને ટુકડાની તબદીલી બાબતે જોગવાઈ કરવામાં આવેલ છે . ગુજરાત સરકારે કરેલા સુધારા મુજબ ટુકડા પ્રતિબંધક ( ગુજરાત સુધારા ) અધિનિયમ, ૨૦૧૧ માં કાયદાની કલમ ૧૦ ની પેટા કલમ ( ૧ ) માં નીચે મુજબનો મહત્ત્વનો સુધારો કરવામાં આવેલ છે તે મુજબ ''જમીનના ટુકડામાં હિત ધરાવતી વ્યક્તિઓને કલેકટર નક્કી કરે તેટલું વળતર રાજ્ય સરકાર ચુકવે એટલે તે ટુકડાનો માલિક તે ટુકડો રાજ્ય સરકારને સ્વત્વાર્પિત પ્રાપ્ત થશે.’’
૯. ટુકડા પ્રતિબંધક ધારો , ૧૯૪૭ ની કલમ ૩૧ માં એકત્રિત જમીનોના વિભાજન બાબતે નિયંત્રણ કરતી જોગવાઈ દાખલ કરેલ છે. ગુજરાત સરકારે ટુકડા પ્રતિબંધક ( ગુજરાત સુધારા અધિનિયમ, ૨૦૧૧ માં કલમ ૩૧ માં નીચે મુજબનો મહત્ત્વનો સુધારો કરેલ છે. તત્સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદામાં ગમે તે મજકુર હોય તેમ છતાં , આ અધિનિયમ હેઠળ ફાળવેલી કોઈ જમીન આ અધિનિયમની કલમ ૮ ની જોગવાઈઓની વિરુદ્ધ તબદીલ કરી શકાશે નહીં.
' ટુકડા પ્રતિબંધક ધારો, ૧૯૪૭ ની કેટલીક મહત્ત્વની જોગવાઈઓ અને ગુજરાત સરકારે તેમાં કરેલા મહત્ત્વના સુધારા જે ખેડૂતોને ઉપયોગી બનશે તેવી અપેક્ષા છે .
No comments:
Post a Comment