ખેતીની જમીનોમા વડિલોપાર્જિત, સ્વ-પાર્જિત મિલકતમાંથી હક્ક ઉઠાવવો, વહેંચણી કરવી પુન:વહેંચણી કરવી તથા હયાતીમાં હક્ક દાખલ કરવા અંગેની કાર્ય પધ્ધતિ બાબત.
પરિપત્ર ક્રમાંક: હકપ/૧૦૨૦૧૬/૧૦૧૭/જ સચિવાલય, ગાંધીનગર. તા:૧૭-૧૦-૨૦૧૭.
પ્રસ્તાવના :-
રાજ્યમાં વડિલોપાર્જિત, સ્વ-પાર્જિત ખેતીની જમીનોમાંથી હક્ક ઉઠાવવો, વહેંચણી કરવી, પુન:વહેંચણી કરવી, હયાતીમાં હક્ક દાખલ કરવા બાબતેની કાર્યપધ્ધતિ અંગે મહેસૂલ વિભાગના ઉપર વંચાણે લીધેલ ક્રમ-(૬)માં દર્શાવેલ પરિપત્રથી સૂચનાઓ આપવામાં આવેલ. તે અગાઉ પણ ઉપર વંચાણે લીધેલ ક્રમ (૧) થી (૫) ના ઠરાવ/પરિપત્રથી ખેતીની જમીનમાં કૌટુંબિક વહેંચણી અંગે સૂચનાઓ આપવામાં આવેલ. વધુમાં ક્રમ-(૬) ઉપરના પરિપત્રના ફકરા-(૭)માં સ્પષ્ટપણે જણાવેલ છે કે આ બાબતે કોઈપણ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અગાઉ કોઈ સૂચના/પરિપત્ર/હૂકમો કરવામાં આવ્યા હોય તે રદ કરવામાં આવે છે. તેમજ મહેસૂલ વિભાગના પરામર્શ સિવાય કોઈ સૂચના/માર્ગદર્શન જાહેર નહીં કરવા પણ જણાવેલ છે. આમ છતાં ઉપર વંચાણે લીધેલ ક્રમ-(૬) ઉપરના પરિપત્રની સૂચનાઓ બાદ પણ ખેડૂત ખાતેદારો તથા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા સરકાર સમક્ષ આ બાબતે રજૂઆતો કરવામાં આવેલ છે. જેમાં કેટલીક બાબતોમાં વધુ સ્પષ્ટતા કરવા પણ સૂચનાઓ થયેલ છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીઓ દ્વારા પણ ખેતીની જમીનમાં બિનખેતીની પરવાનગી આપવાના સમયે અગાઉના સમયમાં થયેલ હક્ક કમી/હક્ક દાખલ/ કૌટુંબિક વહેંચણી થયેલ હોય અને તેની નોંધો જે તે સમયે પ્રમાણિત થયેલ હોવા છતાં તેવા કિસ્સાઓમાં સ્ટેમ્પ ડયૂટી વસુલવા સંબંધે ગુંચવણો પ્રવર્તે છે.
આ બાબત ધ્યાને લઈને મહેસૂલ વિભાગના ક્રમ-(૬) ઉપરના પરિપત્રમાં વધારે સ્પષ્ટતા કરવાનું સરકારને જરૂરી જણાયેલ છે. તેથી કાળજીપૂર્વકની વિચારણાને અંતે નીચે મુજબની સૂચનાઓ આથી પરિપત્રિત કરવામાં આવે છે.
પરિપત્ર :-
(૧) ખેતીની જમીન ધારણકર્તા પોતાની હયાતીમાં તેમના કાયદેસરના વારસદારોને પોતાની ખેતીની જમીનની પ્રથમ વખતની વહેંચણી કરી આપેલ હોય, હયાતીમાં હક્ક દાખલ કરેલ હોય,ખેડૂત ખાતેદારના મૃત્યુબાદ ખેતીની જમીનની વારસાઈ થયેલ હોઇ વારસદારે પોતાનો હક્ક જતો કરેલ હોય તેવાં પ્રકારમાં, પૈસાની લેવડ-દેવડ થયેલ ન હોય તેવી બિન અવેજ કૌટુંબિક વહેંચણીની અને અગાઉ આ પ્રકારની નોંધ પ્રમાણિત થયેલ હોય ત્યારે બિનખેતીની પરવાનગી આપવાના સમયે રજિસ્ટર્ડ દસ્તાવેજ રજૂ કરવાનું જણાવવાનું રહેશે નહિ.
બધા મહેસૂલ અધિકારીશ્રીઓ અને સુપ્રિ. ઓફ સ્ટેમ્પસ આ સૂચનાનો અમલ થાય તે અંગે તેઓના હસ્તકના કર્મચારીઓ/અધિકારીઓ સમક્ષ આ સૂચના ખાસ ધ્યાન ઉપર લાવવાની રહેશે.
(૨) તા.૧૪/૩/૧૬ના પરિપત્રમાં સમયમર્યાદા પાંચ વર્ષની દર્શાવેલ છે. તે રદ કરવાની રહેશે.
(3) ઉપર દર્શાવ્યા સિવાયની મહેસૂલ વિભાગના ઉપર વંચાણે લીધેલ ક્રમ-(૬) સામેના તા.૧૪/૩/૨૦૧૬ના સમાન ક્રમાંકના પરિપત્રની અન્ય સૂચનાઓ યથાવત રહેશે.
(૪) આ પરિપત્ર આ વિભાગની સરખા ક્રમાકની ફાઈલ ઉપર નાણા વિભાગની તા.૧૩/૧૦/૧૭ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે.
No comments:
Post a Comment