નવી શરત અને જૂની શરતની જમીન એટલે શું?
વ્યક્તિને વારસામાં મળી હોય અથવા ગણોત હક વગરની જમીન ખરીદીને માલિક બન્યા હોય, તો આવી જમીનને 'જૂની શરતની જમીન' કહેવામાં આવે છે. આ પ્રકારની જમીન ખરીદવા માટે વ્યક્તિ ખેડૂત હોવી જરૂરી છે.
જે વ્યક્તિને ગણોત હક દ્વારા જમીન મળી હોય, સરકાર દ્વારા જમીનનું ભાડું ચૂકવાતું હોય, સરકારના ચાકરિયાત તરીકે જમીન મળી હોય, ઉદ્યોગ માટે, મીઠું પકવવા માટે વગેરે યોજનામાં જમીન મળી હોય, અથવા વૃક્ષ ઉછેર મંડળી, સહકારી મંડળી વગેરેને કોતરોની જમીન સરકારે ફાળવી હોય એવી જમીનને 'નવી શરતની જમીન' કહેવામા આવે છે.
આ પ્રકારની જમીનમાં જે તે વ્યક્તિને ફક્ત વપરાશનો હક મળે છે. આ પ્રકારની જમીન વેચી શકાતી નથી. નવી શરતની જમીન વેચવા માટે તેને જૂની શરતમાં તબદીલ કરવી પડે છે.
નવી શરતની જમીનને જૂની શરતની જમીનમાં કેવી રીતે ફેરવવી?
1. જો ગ્રામ્ય વિસ્તારમાં 15 વર્ષથી વધારે સમય સુધી ગણોતિયાનો (જમીનને ગણોતે રાખનાર ખેડૂત કે સાંથીડો) કબજો હોય, તો તે જમીનની 60 ટકા કિંમત ચૂકવીને જૂની શરતમાં ફેરવી શકાય. આ રકમ ગામના તલાટીને ચૂકવવાની હોય છે. ૧૫ વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારનો શરતભંગ થયો છે કે નહીં તેની ચકાસણી થયા બાદ જ નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવી શકાય છે.
2. જો જમીન નગરપાલિકા વિસ્તારમાં આવતી હોય તો તેના માટે પ્રાંત અધિકારીની મંજૂરી આવશ્યક હોય છે. જો જમીનના માલિક એક કરતાં વધારે હોય તો મંજૂરી માટે બધાએ સહિયારી રજૂઆત કરવાની હોય છે.
અત્રે એ યાદ રાખવું ઘટે કે જમીન એક ખેડૂત બીજા ખેડૂતને જ વેચી શકે છે. જેના કારણે નવી શરતની જમીન પણ ખેડૂત ન હોય તેવી વ્યક્તિ વેચાતી લઈ શકે નહીં.
નવી શરતની જમીનને જૂની શરતની જમીનમાં ક્યારે ન ફેરવી શકાય?
ટોચ મર્યાદા' કાયદામાં આવતી હોય તેવી જમીનને જૂની શરતની જમીનમાં ફેરવી ન શકાય. શહેરી વિસ્તારની નવી શરતની જમીન ખેતી માટે જૂની શરતમાં ફેરવી શકાતી નથી અને આચાર્ય વિનોબા ભાવે દ્વારા ચલાવવામાં આવેલી 'ભૂદાન ચળવળ'માં મળેલી જમીનને પણ જૂની શરતની જમીનમાં ફેરવી શકાતી નથી.
ટોચમર્યાદા એટલે કોઈ પણ વ્યક્તિ મહત્તમ કેટલી જમીન ધારણ કરી શકે, તેની મર્યાદા. અલગ-અલગ રાજ્યમાં આ ટોચમર્યાદા અલગ-અલગ હોય છે.
No comments:
Post a Comment