જો તમે ‘વિલ’ ન બનાવ્યું હોય તો તમે જે સંપત્તિનું સર્જન તમારા પ્રિયજનો માટે તમારી હયાતી દરમ્યાન કર્યું છે, તેને મેળવવાની પ્રક્રિયા તમારા પરિવારજનો માટે ખૂબ થકવી નાખે તેવી બની શકે છે; કેમ કે આપણે સહુ અવગત છીએ જ કે કોર્ટની પ્રક્રિયાઓ સમય માંગી લે છે અને ખર્ચાળ પણ હોય છે. લાંબા સમય સુધી ચાલતી કાનૂની કાર્યવાહીને લીધે તમારું કુટુંબ આર્થિક રીતે ખુવાર થઈ શકે છે અને એથી ખોટા નાણાકીય નિર્ણયો લઈ શકે છે. આવી પરિસ્થિતિને ટાળવા માટે તમારે ‘વિલ' બનાવવું જ જોઇએ.
‘વિલ’ એટલે શું?
તમારું મૃત્યુ થાય પછી તમારી સંપત્તિની માલિકી કોને મળશે એ બાબતે લાભાર્થીઓને સ્પષ્ટ માર્ગદર્શન આપતો કાનૂની દસ્તાવેજ એ ‘વિલ’ છે. એમાં તમારી સંપત્તિની વહેંચણી કેવી રીતે કરવી એની સ્પષ્ટતા કરવામાં આવે છે. ‘વિલ’ શા માટે બનાવવું જોઈએ? ચાલો એના કારણો સમજીએ.
ભવિષ્યમાં વિવાદો ટાળી શકાય.
તમારું અચાનક મૃત્યુ તમારા લાભાર્થીઓને આઘાત અને આર્થિક મૂંઝવણમાં મૂકી શકે છે. તમારી સંપત્તિની દરેક વિગતોનો વ્યવસ્થિત ઉલ્લેખ કરવાથી તમારા લાભાર્થીઓનો સમય બચી શકે તેમ જ કાનુની કાર્યવાહીઓ ટાળી શકાશે. તેમને સંપત્તિની માલિકીની તેમ જવાબદારીની જ સ્પષ્ટ સમજ મેળવવામાં મદદ મળશે. આમ કરવાથી કોઈ લાભકર્તાને અયોગ્ય રીતે સંપત્તિ ન મળે એની ખાતરી રહેશે.
તમારા સગીર બાળકોની સંભાળ રાખવા માટેની સ્પષ્ટતા કરી શકાય છે
તમારા અચાનક મૃત્યુના સંજોગોમાં તમારા સગીર બાળકો માટેની જવાબદારી કોણ અને કેવી રીતે નિભાવશે એની પણ સ્પષ્ટતા તમે ‘વિલ’માં કરી શકો છો. આ માટે તમે એક ગાર્ડીયન (વાલી) ને નામાંકિત કરી શકો છો. તમારા બાળકોની જરૂરીયાતો જેવી કે કપડાં, શિક્ષણ, ખોરાક, રહેઠાણ અને આરોગ્ય વિષયક જરૂરીયાતો પૂરી કરવા માટે આ ગાર્ડીયન જવાબદાર રહેશે. જો તમે પોતે આવું ‘વિલ’ ન બનાવો અને કોઈ ગાર્ડીયન તમારા બાળકો માટે નામાંકિત ન કરો તો; આ જ કામ કોર્ટ કરશે. આ માટે ઘણો બધો સમય લાગશે. આ દરમ્યાન જો તમારા બાળકોને યોગ્ય કાળજી આપવામાં ન આવે તો તમારા બાળકો માનસિક તથા ભાવનાત્મક રીતે બહુ જ નાસીપાસ થઈ જશે.
સંપત્તિના સંચાલકની નિમણૂક કરી શકાય.
તમારા અવસાન પછી તમારા બેન્ક ખાતાઓને કોઈકે સાંભળવા પડશે, જરૂર પડે કોઈ સંપત્તિને વેચવી પડશે, જો તમારો બિઝનેસ હોય તો એને સંબંધિત કાર્યવાહીઓ તથા રિયલ એસ્ટેટ હોય તો આ બધાને સાંભળવા માટે તમારે કોઈક વ્યક્તિની પસંદગી કરવી પડશે જે આ બધી નાણાકીય કાર્યવાહીઓ કરી શકવા માટે સમર્થ હોય જેથી તમારા પ્રિયજનો તેમાંથી શ્રેષ્ઠ મેળવી શકે. તમારે એવી વ્યક્તિની જરૂર પડશે કે જેના પર તમે વિશ્વાસ કરી શકો. તમારી વિશ્વાસપાત્ર વ્યક્તિની નિમણૂક તમે ‘વિલ’ મારફતે નહીં કરો તો તમારા વતી કોર્ટે આ કામ કરવું પડશે. તમને જે વ્યક્તિ પર વિશ્વાસ હોય અથવા તમારા પ્રિયજનોના હિતમાં હોય એવી વ્યક્તિ કોર્ટ દ્વારા ન પણ નિમાય, એવું બની શકે.
કોર્ટની લાંબી તેમ જ ખર્ચાળ પ્રક્રિયા ટાળી શકાય.
જો તમે ‘વિલ’ ન બનાવ્યું હોય તો તમે જે સંપત્તિનું સર્જન તમારા પ્રિયજનો માટે તમારી હયાતી દરમ્યાન કર્યું છે, તેને મેળવવાની પ્રક્રિયા તમારા પરિવારજનો માટે ખૂબ થકવી નાખે તેવી બની શકે છે; કેમ કે આપણે સહુ અવગત છીએ જ કે કોર્ટની પ્રક્રિયાઓ સમય માંગી લે છે અને ખર્ચાળ પણ હોય છે. લાંબા સમય સુધી ચાલતી કાનૂની કાર્યવાહીને લીધે તમારું કુટુંબ આર્થિક રીતે ખુવાર થઈ શકે છે અને એથી ખોટા નાણાકીય નિર્ણયો લઈ શકે છે. આવી પરિસ્થિતિને ટાળવા માટે તમારે ‘વિલ’ બનાવવું જ જોઇએ.
તમારી ડિજિટલ સંપત્તિને સુરક્ષિત કરી શકાય
આજના ડિજિટલ યુગમાં, તમારે તમારી ડિજિટલ સંપત્તિની સંભાળ લેવાની પણ એટલી જ જરૂર છે જેથી તેમાં સમાવિષ્ટ વ્યક્તિગત માહિતીનો કોઈ પણ દુરુપયોગ ન કરી શકે. ‘વિલ’ ની ગેરહાજરીમાં કોર્ટ દ્વારા નિમાયેલી વ્યક્તિને તમારી ડિજિટલ સંપત્તિનો વ્યવહાર કરવાની પણ છૂટ મળે છે. આવી વ્યક્તિ પોતાના વ્યક્તિગત લાભ માટે તમારા ડેટાનો દુરૂપયોગ કરી શકે છે. ‘વિલ' મારફતે તમારી વિશ્વાસુ વ્યક્તિને તમે તમારી વ્યક્તિગત અને વ્યવસાય સંબંધિત માહિતીને સુરક્ષિત રાખવા માટે તથા અમુક ખાસ રીતે તમારી ડિજિટલ સંપત્તિનો ઉપયોગ કરવા માટે દિશા નિર્દેશ પણ આપી શકો છો.
સારા હેતુ માટે માર્ગદર્શન આપી શકો છો તમારામાંનાં કેટલાંકને પોતાની સંપત્તિનો અમુક હિસ્સો સમાજનાં કોઈ સકારાત્મક હેતુ માટે અથવા દાન આપવા માટેની પણ ઈચ્છા હોઈ શકે છે. જો તમને ખરેખર સમાજ માટે કઈંક દાન કરવાની ઈચ્છા હોય તો ‘વિલ’ બનાવવું ખૂબ જરૂરી છે. જો તમે ‘વિલ’ ન બનાવો તો તમારી સંપત્તિ સાથે શું કરવાની તમારી ઈચ્છા છે એની કોઈને જાણ થશે નહીં. જો કોઈને એની જાણ હોય તો પણ તે વ્યક્તિ કોર્ટને શા માટે એવી જાણ કરશે ? ‘વિલ’ બનાવવું એ ફાઈનાન્શિયલ પ્લાનિંગનો મહત્વનો ભાગ છે. જો તમને એમ લાગતું હોય કે એ કેવળ ધનિક લોકો માટે જરૂરી છે તો તમે ખોટા હોઈ શકો છો. થોડીક સંપત્તિ માટે પણ પરિવારના સભ્યો વચ્ચે લાંબા સમય સુધી તકરારો થઈ શકે છે. આથી ‘વિલ’ બનાવવું એ તમારી હયાતી બાદ પણ તમારા પ્રિયજનોની સુરક્ષા માટે લેવા જેવુ મહત્વનું પગલું છે. હેપ્પી ઈન્વેસ્ટીંગ..! (લેખક એમ્ફિ રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર છે.)– રાજેન્દ્ર ભાટિયા
No comments:
Post a Comment