નાના અને મધ્યમ વર્ગના નાગરિકો માટે CMનો નિર્ણય
સોસાયટીમાં એલોટમેન્ટ લેટરથી થતા શેર ટ્રાન્સફરમાં ૨૦ ટકા સ્ટેમ્પ ડ્યૂટી
એસોસિયેશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશનની તબદીલીને પણ ૮૦ ટકાનો ફાયદો
ગુજરાતમાં સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોર્શન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી થતા માલિકી હકની તબદીલી ટ્રાન્સફર માટે વસૂલાતી સ્ટેમ્પ ડ્યુટીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૮૦ ટકાનો ઘટાડો કર્યો છે. હવેથી આવા તમામ પ્રકારના ટ્રાન્સફરમાં માત્ર ૨૦ ટકા જ સ્ટેમ્પ ડયુટી વસૂલાશે.
રાજ્યના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ- ૧૯૫૮ની કલમ ૯ (ક) અવન્યે ભરવા પાત્ર આવી રકમમાં છુટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોર્શન દ્વારા એલોટમેન્ટ લેટર- શેર સર્ટિફિકેટથી થતી તબદીલી ટ્રાન્સફર્સ માટે ભરવા પાત્ર ૧૦૦ ટકા ડ્યુટીની રકમ પૈકી ૮૦ ટકા સુધી ડયુટીની રકમ માફ કરીને માત્ર ૨૦ ટકા જેટલી ડયુટી જ વસૂલ કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી નાના- મધ્યમવર્ગ પરીવારો, નાગરીકોને મોટી રાહત થશે. મહેસૂલ વિભાગના કહેવા મુજબ એલોટમેન્ટ લેટર કે શેર સર્ટિફિકેટથી થતી તબદીલીમાં સ્ટેમ્પ ડયુટી ઘટાવવા મુખ્યમંત્રી સમક્ષ અનેક નાગરીકોથી લઈને જનપ્રતિનિધીઓએ રજૂઆતો કરી હતી.
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં હાઉસિંગ કો-ઓપરેટિવ સોસાયટીઓ આવેલી છે. જ્યાં મકાનોના ટ્રાન્સફર માટે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. આવા આવાસોથી લઈને અન્ય મિલકતોમાં શેર સર્ટિફિકેટ કે એલોટમેન્ટ લેટરથી થતી તબદિલીમાં ભરવાપાત્ર સ્ટેમ્પ ડયુટી રકમમાં મોટાપાયે છુટછાટ આપવામાં આવી છે. ૮૦ ટકા રકમ બચશે. આ નિર્ણયથી મૂળ ડયુટીના ૨૦ ટકા તથા દંડની રકમ મળીને માત્ર લેવાપાત્ર ડયુટી જેટલી જ રકમ વસૂલાશે. ઉપરોક્ત નિર્ણયથી મૂળતઃ ભરવાપાત્ર સ્ટેમ્પ ડયુટીની રકમમાં ઘટાડો થશે. જેની અસર ડયુટી સિવાયના દંડની ગણતરીમાં પણ થશે.
No comments:
Post a Comment