કલેકટર કચેરીનો ટાઈટલ ક્લિયરનો પાયલોટ પ્રોજેક્ટ
હવે ખેતીની જમીનોનું રેકર્ડ ચેક કરી ‘ટાઇટલ ક્લિયર’ની ૭/૧૨માં નોંધ
દરેક તાલુકામાં પાંચ ગામો પસંદ કરાયા, ટાઇટલ ક્લિયરની કાર્યવાહી
અમદાવાદ કલેકટર કચેરીમાં ખેતીની જમીન બિનખેતી (NA) કરાવવા માટે કરાવવા માટે અરજી કરાય તો ટાઇટલ ચેક કરવામાં જ લાંબો વિલંબ થાય છે જેથી અમદાવાદ કલેકટર કચેરી તંત્રએ નવતર પ્રયોગના નામે પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે જેમાં દરેક તાલુકાના પાંચ ગામોની પસંદગી કરાઇ છે. આ ગામોમાં ખેતીની જમીનોના દરેક સરવે નંબરનું ટાઇટલ ચેક કરવામાં આવશે જે ખેતીની જમીનમાં ટાઇટલ ક્લિયર હશે તેમાં ટાઇટલ ક્લિયર એવી ૭/૧૨ના ઉતારામાં નોંધ પાડવામાં આવશે. જ્યારે ટાઈટલ ક્લિયર નહીં હોય તો તેમાં નોંધ નહીં પડે. હાલ તો દરેક તાલુકાદીઠ એક ગામ પંસદ કરી તેમાં આ કાર્યવાહી શરૂ કરાઇ છે પણ દરેક તાલુકાના પાંચ ગામના તમામ સરવે નંબરમાં ટાઇટલ ક્લિયરની નોંધ પાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
ટાઈટલ ક્લિયર પ્રોજેક્ટ નો અમલ થાય તે પહેલા તમામ ઉતારા અને નોંધો કાઢી અને રાખજો જેથી જૂનું રેકોર્ડ તમારા પાસે રહે !
આ પાયલોટ પ્રોજેક્ટનો પાછળનો હેતુ એવો છે કે, ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ ૬૫ હેઠળ ખેતીની જમીન બિનખેતી કરાવવા માટે ઓનલાઈન એનએની વ્યવસ્થા શરૂ કરાઇ છે પણ ઓનલાઇન એન.એ. માટે અરજદાર અરજી કરે પછી ટાઇટલ ચેક કરવામાં આવે છે જેમાં વિવિધ ખાતાના અભિપ્રાય માગવામાં આવે છે જેમાં નિયત સમય મર્યાદામાં એનએની ફાઇલો ક્લિયર થતી નથી. હવે આ પાયલોટ પ્રોજેક્ટનો હેતુ એવો છે કે, અમદાવાદ શહેર અને જિલ્લાના વિવિધ તાલુકામાં તાલુકાદીઠ પાંચ ગામોની પસંદગી કરવામાં આવી છે જેમાં પ્રથમ પસંદગી પામેલા ગામના ખેતીની જમીનના દરેક સરવે નંબરના ટાઈટલ ચેક કરવામાં આવે છે પછી ખેતીની જમીનના ટાઈટલ ચેક થઈ જાય પછી તેમાં ટાઇટલ ક્લિયર એવી નોંધ પાડવામાં આવશે જેથી જે સરવે નંબરમાં ટાઇટલ ક્લિયર એવી નોંધ પડશે પછી આ સરવે નંબરમાં જો એનએની માગણી કરવામાં આવે તો ગણતરીના કલાકમાં જ એનએ કરી દેવાશે.
હાલમાં દશકોઈ તાલુકાના સીંગરવા ગામમાં આ કસરત શરૂ કરવામાં આવી છે જેમાં ટીમો બનાવીને ખેતીના સરવે નંબરની વહેંચણી કરવામાં આવી છે જેમાં તલાટી, નાયબ મામલતદારથી માંડી મામલતદાર સુધી ખેતીની જમીનના સરવે નંબરના ટાઇટલ ચેક કરી રહ્યાં છે. ટાઇટલ ચેક કર્યા બાદ ટાઇટલ ક્લિયરની નોંધ પડાશે. તંત્ર દ્વારા ગુપ્તપણે ચાલતાં આ પ્રોજેક્ટની હજુસુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
એક વાર ટાઇટલ ક્લિયર થયા બાદ પણ વિવાદ થઇ શકે ??
અમદાવાદ શહેરના છ તાલુકા સહિત જિલ્લાના ૧૪ તાલુકા છે. જેમાં ૫૫૬ ગામોનો સમાવેશ થાય છે. હવે સરેરાશ દરેક ગામમાં ૧ હજાર જેટલા સરવે નંબરો હોય છે. એટલે ૫૫૬ ગામોમાં સરેરાશ ૧૦૦૦ સરવે નંબરો ગણીએ તો ૫.૫૬ લાખ જેટલા સરવે નંબરો થાય. સામાન્ય રીતે વકીલો પણ એક સરવે નંબરમાં ટાઇટલ ક્લીયર કરતાં ૧૫ થી ૨૦ દિવસનો સમય લે છે તેવા સંજોગોમાં તમામ ગામોના ખેતીના સરવે નંબરોના ટાઇટલ ચેક કરી ટાઇટલ ક્લીયરની નોંધ કરવી અઘરો ટાસ્ક છે આ કર્યા બાદ પણ તુરંત જ ખેતીની જમીનમાં બિનખેતી લેવાય તે જરૂરી નથી. એકવાર ટાઇટલ ક્લીયરની નોંધ પડયા બાદ પણ જમીનની તબદીલી ચાલુ રહેશે તે દરમિયાન વિવાદ થયા તો ફરી ટાઇટલ ક્લિયરની નોંધનું શું ? તે મોટો પ્રશ્ન છે. સાથે તમામ ગામોના ખેતીના સરવે નંબરોનું ટાઇટલ ક્લીયર કરવું તે અઘરો ટાસ્ક છે તેવું સૂત્રો કહે છે.
ટાઇટલ ચેક કરવામાં ભૂલ નીકળી તો જવાબદારી કોની ? ?
અમદાવાદ કલેકટર કચેરી તંત્રના નાયબ મામલતદારથી માંડી મામલતદાર સુધીના અધિકારીઓ ખેતીની જમીનનું ટાઇટલ ચેક કર્યા બાદ ટાઇટલ ક્લીયરની નોંધ પાડશે પણ ટાઇટલ ક્લીયર કરતી વેળાએ કોઇ ભૂલ રહી ગઈ કે પછી ક્ષતિ રહી ગઇ તો જવાબદારી કોની તે પણ મોટો પ્રશ્ન છે. સાથે માત્ર રેવન્યુ રેકર્ડના આધારે ટાઇટલ ક્લીયર કર્યા બાદ જુના બાનાખત નીકળે તેવા સંજોગોમાં શું ? તે મોટો પ્રશ્ન છે. આ પાયલોટ પ્રોજેક્ટની સફળતા સામે પણ કેટલાંક જાણકારો શંકા વ્યક્ત કરી રહ્યાં છે પણ હાલ તો કલેકટર કચેરી, પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીઓનો સ્ટાફ ટાઇટલ ક્લિયરની ચકાસણીમાં કરવામાં એટલો મશગુલ છે કે અન્ય કામોમાં તેની અસર પડી રહી છે
No comments:
Post a Comment