રાજ્યની મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને "દૂધઘર" ના હેતુ માટે વાર્ષિક રૂ.૧/- ના ટોકન દરે ૩૦૦ ચો.વાર (૨૫૦ ચો.મી) સરકારી પડતર જમીન ૧૫ વર્ષના ભાડાપટ્ટે ફાળવવા બાબત.
ઠરાવ:- ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ ઠરાવ ક્રમાંક : જમન-૩૯૧૪-૧૮૩૨-૨ સચિવાલય,ગાંધીનગર તા: ૧૯/૦૯/૨૦૧૪.
આમુખ:
રાજ્ય સરકારની મહિલા ઉત્કર્ષ તથા દૂધ વ્યવસાયને પ્રોત્સાહિત કરવાની નીતિ અંતર્ગત મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને તથા મહિલા પશુપાલકો માટે પશુપાલન અને ડેરી બાબતે સહાય પૂરી પાડવાની યોજના માટે વર્ષ ૨૦૧૪-૧૫ ના બજેટમાં જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ અંગે તા: ૦૧-૦૭-૨૦૧૪ની વિધાનસભા માં બજેટ પ્રવચનમાં માન.નાણા મંત્રીશ્રી દ્વારા મહિલા પશુપાલન પ્રોત્સાહન યોજનામાં દૂધ ઘર માટે ૩૦૦ ચો.વાર સરકારી પડતર જમીન ઉપલબ્ધ કરવાની બાબત વિચારાધિન છે.
ઠરાવ -
પુખ્ત વિચારણાના અંતે મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને અંદાજે ૩૦૦ ચો.વાર (૨૫૦ ચો.મી ) સરકારી પડતર જમીન નીચેની શરતોએ વાર્ષિક રૂ.૧/- (એક) ના ટોકન દરે ૧૫ વર્ષના ભાડાપટ્ટે આપવાનું આથી ઠરાવવામાં આવે છે.
શરતો :
(૧) સવાલવાળી જમીન પ્રતિ વર્ષ રૂ.૧/- ના ટોકનભાડેથી ૧૫ વર્ષના ભાડાપટ્ટે ફાળવવામાં આવે છે.
(૨) સવાલવાળી જમીન ભાડાપટ્ટેથી ફાળવવામાં આવતી હોય,અરજદાર મંડળી સવાલવાળી જમીન પરત્વે કોઇ માલિકી હક્ક ધરાવશે નહીં. સવાલવાળી જમીન અન્ય કોઇને તબદીલ કરી શકશે નહીં કે પેટાભાડે આપી શકશે નહીં.
(૩) સવાલવાળી જમીન જે હેતુ માટે આપવામાં આવે છે તે હેતુ માટે જ ઉપયોગ કરવાનો રહેશે.
(૪) પશુપાલનખાતા ઘ્વારા આવી મહિલા સંચાલિત દુધ ઉત્પાદક મંડળીઓની પાત્રતા ચકાસવાની રહેશે.
(૫) સબંધિક ક્લેકટરશ્રીએ આવી મહિલા સંચાલિત દુધ ઉત્પાદક મંડળીઓની સ્થાનિક કક્ષાએ જયાં વધુ સંખ્યામાં અરજી આવે ત્યાં જે મંડળીઓ પાસે પોતાનું દુધ ઘર/મકાન ઉપબ્ધ હોય ત્યાં તમામ પાસા ચકાસીને અગ્રતા નક્કી કરી અને ફાળવણી માટે વિચારણા કરવાની રહેશે, તથા જમીનની કિંમત અનુસાર સક્ષમ કક્ષાએ ફાળવણી કરવાની રહેશે,
(૬) સવાલવાળી જમીનનો "દૂધઘર" તેમજ તેને સંલગ્ન પ્રવૃત્તિઓ સિવાય અન્ય કોઇ વાણિજ્યક ઉપયોગ કરી શકાશે નહી.
(૭) સવાલવાળી જમીનની સરકારશ્રીને જરૂરિયાત ઉપસ્થિત થાય તો વિના વળતરે પરત લેવામાં આવશે.
(૮) ભાડાપટ્ટાની મુદત પૂરી થયે,ભાડાપટ્ટાની મુદત વધારી આપવા અંગેની દરખાસ્ત સમયસર સરકારશ્રીને કરવાની રહેશે તથા ભાડાપટ્ટો વધારી આપવો કે કેમ તે સરકારશ્રીની મુનસફી ઉપર રહેશે.
(૯) ઉપરની કોઇ પણ શરતનો ભંગ થયે, ભાડાપટ્ટો રામાપ્ત કરી જમીન વિના વળતરે બાંધકામ સહિત સરકારશ્રી ખાતે પરત લેવામાં આવશે.
(૧૦) આ ઠરાવ અંતર્ગત આ હેતુ માટે (ગૌચર સિવાયની) ફક્ત સરકારી પડતર તથા ગામતળની જમીન જ ફાળવી શકાશે. આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણા વિભાગની તા: ૧૦/૦૯/૨૦૧૪ના રોજ મળેલ અનુમતી મેળવીને બહાર પાડવામાં આવે છે.
ઠરાવનો અમલ ઠરાવની તારીખથી થશે.
ગુજરાતનાં રાજ્યપાલશ્રીનાં હુકમથી અને તેમના નામે,
No comments:
Post a Comment