દીવાની કાર્યવાહી પડતર હોવાનું કારણ આ અશાંતધારા હેઠળ મિલકત તબંદીલ કરવાની પરવાનગીનો ઇનકાર થઈ શકે નહીં.
માત્રઉપરોક્ત મુદ્દાઓની ચકાસણી તપાસ કરીને અશાંતવિસ્તારમાં આવેલ સ્થાવર મિલકતની વેચાણ/તબદીલી અંગેની પરવાનગી આપવાની જોગવાઈ અશાંતધારા કાયદામાં કરવામાં આવેલ છે. આમ છતાં ઘણાં કિસ્સાઓમાં સક્ષમ મહેસૂલી કચેરી દ્વારા અશાંતધારા વિસ્તારમાં આવેલ જે તે સ્થાવર મિલકત અંગે વેચાણની પરવાનગી માંગવામાં આવે ત્યારે ઘણાં કિસ્સાઓમાં તેવી મિલકતો અંગે સિવિલ દીવાની દાવાઓ પેન્ડિંગ હોવાની યા અન્ય ટાઇટલ બાબતેના પ્રશ્નોના કારણે પણ તબદીલી અંગેની પરવાનગીઓનો મહેસૂલી કચેરી દ્વારા ઇનકાર કરવામાં આવતા હોવાના ઘણાં કિસ્સાઓ બનતા આવેલા છે જેના કારણે સામાન્ય લોકોને પોતાની મિલકત વેચાણ કરવાના કિસ્સામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
પરંતુ દીવાની કાર્યવાહી પડતર હોવાનું કારણ આપી અશાંતધારા હેઠળ મિલકત તબદીલ કરવાની પરવાનગીનો ઇનકાર થઈ શકે નહીં. તેવો સિદ્ધાંત નામદાર ગુજરાત હાઇકોર્ટે અલી એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત, સિવિલ એપ્લિકેશન નં. ૬૩૮૦/૨૦૧૮ના કામે તા. ૨૮/૧૧/૨૦૧૮ના રોજ હુકમ કરી તેવો સિદ્ધાંત પ્રસ્થાપિત કરેલ છે.
આ કેસમાં અરજદારોએ વર્ષ-૨૦૧૩માં પ્રશ્નવાળી મિલકત ખરીદી હતી અને તે સમયે, સક્ષમ અધિકારી *ગુજરાત અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી ઉપર પ્રતિબંધ અને ભાડાની જગ્યામાંથી ભાડવાતોને દૂર કરવાથી સુરક્ષિત કરવાની જોગવાઈ અધિનિયમ, ૧૯૮૬' યાને ૧૯૮૬ના અધિનિયમની કલમ-૫ હેઠળ પરવાનગી મેળવવામાં આવી હતી. કથિત પરવાનગી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પડતર એવી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. ૧૨૨૬/૨૦૧૧ના પરિણામને આધીન મંજૂર કરવામાં આવેલી. ત્યારબાદ અરજદારો પ્રશ્નવાળી મિલકતનું ફરી વેચાણ કરવા ઇચ્છુક હોવાથી ફરીથી અશાંતધારા હેઠળ પરવાનગી માંગવામાં આવી ત્યારે, તેઓએ એવા આધાર ઉપર તે પરવાનગીનો ઇનકાર કર્યો કે, સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. ૧૨૨૬૪૨૦૧૧ હાઇકોર્ટ સમક્ષ પડતર હોવાથી જ્યાં સુધી કથિત અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી પરવાનગી મંજૂર કરી શકાય નહીં તેમ ઠરાવી અશાંતધારા હેઠળની વેચાણની પરવાનગી માંગતી અરજી રદ કરવામાં આવેલ. જેને આ કેસમાં નામદાર હાઇકોર્ટે ભૂલ ભરેલો હુકમ ઠરાવી રદ જાહેર કરેલ છે અને ઠરાવેલ કે, કોઈ વ્યક્તિ જ્યારે અશાંત વિસ્તારમાં આવેલ સ્થાવર મિલકતની તબદીલી કરવા ઇચ્છુક હોય ત્યારે, પૂર્વપરવાનગી મેળવવાની કાર્યરીતિ કથિત જોગવાઈમાં નિર્દિષ્ટ કરવામાં આવી છે. ૧૯૮૬ના અધિનિયમની કલમ-૫ (૩) (બી)માં વધુમાં જણાવવામાં આવેલ છે કે, સંબંધિત વ્યક્તિ પાસેથી અરજી મળવા ઉપર કલેક્ટરે મુંબઈ જમીન મહેસૂલ સંહિતા વડે નિર્દિષ્ટ પદ્ધતિમાં ઔપચારિક તપાસ યોજવી જોઈશે અને સંબંધિત અરજદારને સુનાવણીની તક આપ્યા બાદ તેમજ તેમની સમક્ષ રજૂ કરવામાં આવેલ પુરાવાને ધ્યાને લીધા બાદ તેઓએ એ બાબતનો નિર્ણય કરવો જોઈશે કે, શું સ્થાવર મિલકતની તબદીલીનો પ્રસ્તાવ તબદીલ કરવાનો ઇરાદો રાખનાર તેમજ તબદીલીથી લેનાર વ્યક્તિઓ દ્વારા મુક્ત સંમતિથી આપવામાં આવ્યો છે કે કેમ તેમજ જેને તબદીલ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે તે, સ્થાવર મિલકતની વાજબી કિંમત બદલ છે કે કેમ.
એ નોંધવું જરૂરી છે કે, સંબંધિત સત્તાધિકારીએ એ બાબત તપાસવી જરૂરી છે કે, શું વેચાણે આપનારે કથિત મિલકતની તબદીલી માટે મુક્ત સંમતિ આપેલ છે કે નહી તેમજ સ્થાવર મિલકતની વાજબી કિંમતનો ઉલ્લેખ તબદીલી ખતમાં કરવામાં આવેલ છે કે નહીં ? માત્ર દીવાની કાર્યવાહી પડતર હોવાનું કારણ આપી અશાંતધારા હેઠળ મિલકત તબદીલ કરવાની પરવાનગીનો ઇનકાર થઈ શકે નહીં
No comments:
Post a Comment