જમીન મહેસૂલ સંહિતાની કલમ-૭૩(કક)ની જોગવાઈના ભંગ બદલ કાર્યવાહી શરૂ કરવાની સમયમર્યાદા ત્રણ વર્ષની છે - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, June 17, 2024

જમીન મહેસૂલ સંહિતાની કલમ-૭૩(કક)ની જોગવાઈના ભંગ બદલ કાર્યવાહી શરૂ કરવાની સમયમર્યાદા ત્રણ વર્ષની છે

જમીન મહેસૂલ સંહિતાની કલમ-૭૩(કક)ની જોગવાઈના ભંગ બદલ કાર્યવાહી શરૂ કરવાની સમયમર્યાદા ત્રણ વર્ષની છે.

જયારે  કોઈ વ્યક્તિએ ખેતીની જમીન કાયદેસરની પ્રકિયા પૂર્ણ કરી દસ્તાવેજથી ખરીદ કરે અને તે વેચાણ દસ્તાવેજની નોંધ રેવન્યૂ રેકર્ડમાં દાખલ કરવામાં આવે અને ફેરફાર નોંધ પ્રમાણિત કરવામાં આવે. પરંતુ વર્ષો પછી તેવી ફેરફાર નોંધો કોઈક સંજોગો હેઠળ યા કોઈની રજૂઆતો થકી યા અન્ય પ્રકરણોમાં કાયદાકીય જોગવાઈઓના ભંગ બદલ સક્ષમ મહેસૂલી અધિકારી દ્વારા આપમેળે(સ્યૂમોટો)ની કાર્યવાહી કરવા જણાવવામાં આવતી હોય છે.

જમીન મહેસૂલ સંહિતાની કલમ-૭૩(કક)ની જોગવાઈના ભંગ બદલ કાર્યવાહી શરૂ કરવાની સમયમર્યાદા ત્રણ વર્ષની છે

જેથી તેવા કિસ્સામાં ખેતીની જમીનો અંગે થતી તબદીલીઓ વેચાણ દસ્તાવેજો થવાથી જો કોઈ કાયદાનો ભંગ થતો હોય તો તેવી તબદીલી અને વેચાણ દસ્તાવેજને ગેરકાયદેસર જાહેર કરવા અને તેવા કાયદાની જોગવાઈના ભંગ બદલ ખૂબ જ લાંબા સમયગાળા બાદ અચાનક શરૂ કરવામાં આવતી હોય છે. જે મહેસૂલી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ સત્તાના ઉપયોગમાં વિલંબ કોઈપણ દૃષ્ટિકોણથી વાજબી ગણાય નહીં. તેવા મહેસૂલી અધિકારી દ્વારા ૭૩(કક)ની જોગવાઈઓના ભંગ બદલ આપમેળે(સ્યૂમોટો)ની કાર્યવાહી ત્રણ વર્ષના સમયમર્યાદામાં કરવી જોઈએ. આમ, ઉપર વર્ણવ્યા મુજબ ” કલમ-૭૩(કક)ની જોગવાઈના ભંગ બદલ કાર્યવાહી શરૂ કરવાની સમયમર્યાદા ત્રણ વર્ષની છે.” તેવો સિદ્ધાંત નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા અબ્દુલ રેહમાન હાજી ઈબાહીમ મદારી વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત અને બીજા (૪), સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં.૧૪૯૩૧/૨૦૧૬ ના કામે તા.૦૯/૦૮/૨૦૨૩ ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે (લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧, ઇશ્યૂ-૬, જૂન-૨૦૨૪, પાના નં.૫૧૩) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.

પ્રશ્નવાળી જમીન બચાવકર્તા નં.૪ અને ૫ ના પિતાને મૂંજર કરવામાં આવી [હતી. ત્યારબાદ પિતાનું અવસાન થતાં બચાવકર્તા ના | નામો વર્ષ ૧૯૭૭ માં મહેસૂલીમાં મહેસૂલી રેકર્ડમાં દાખલ કરવામાં આવ્યા તા.૨૪/૦૨/૧૯૭૮ ના રોજ પ્રશ્નવાળી જમીન અરજદારના પિતાની તરફેણમાં તેનું વેચાણ કરવાની પરવાનગી સાથે બચાવકર્તા નં.૪ અને ૫ ના દ્વારા જૂની શરતમાં રૂપાંતરિત કરવામાં આવી હતી અને તે વડે વર્ષ ૧૯૭૮ માં જ બચાવકર્તા નં.૪ અને ૫ નાએ પ્રશ્નવાળી જમીન અંગે કબજા સહિતનો સાટાખત કર્યો હતો. તા.૦૧/૦૨/૧૯૮૧ ના રોજ સુધારાની રાહે ગુજરાત જમીન મહેસૂલ સંહિતામાં કલમ-૭૩(કક)ની જોગવાઈઓ દાખલ કરતી નોંધ મહેસૂલી રેકર્ડમાં નોંધવામાં આવી હતી. સાટાખતના અનુસંધાનમાં તા.૨૧/૦૬/૧૯૮૨ ના રોજ એક નોંધાયેલ વેચાણ દસ્તાવેજ બચાવકર્તા નં.૪ અને ૫ તેમજ અરજદારના પિતાની વચ્ચે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તા.૦૩/૦૧/૧૯૮૩ ના રોજ હક્કપત્રકોમાં ફેરફાર નોંધ દાખલ કરવામાં આવી હતી. લગભગ ૨૬ વર્ષોના સમયગાળા બાદ વર્ષ ૨૦૦૮ માં ડેપ્યુટી કલેક્ટર દ્વારા જ.મ.સં.ક. ૭૩(કક)ની જોગવાઈના ભંગ બદલ કાર્યવાહીઓ શરૂ કરવામાં આવી હતી. ડેપ્યુટી કલેક્ટરશ્રીએ સદરહુ જમીન સરકારમાં પરત નિહિત કરવા હુકમ પસાર કર્યો હતો. તે હુકમ વિરુદ્ધ કલેક્ટરશ્રી સમક્ષ અરજી કરેલ. જે કામે કલેક્ટરશ્રીએ અરજી નામંજૂર કરી હતી. તે હુકમ વિરુદ્ધ વિશેષ સચિવ(અપીલો), મહેસૂલ વિભાગ સમક્ષ ફેરતપાસ અરજી દાખલ કરેલ. જે કામે ફેરતપાસ અરજી પણ નામંજૂર કરવામાં આવતા હાલનું આ પ્રકરણ નામદાર હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવેલ. 

નામદાર હાઇકોર્ટે જમીન મહેસૂલ કાયદાની કલમ-૭૩(કક) (૪)(ખ)ની જોગવાઈઓ ધ્યાને લઈ જણાવેલ કે, સત્તાધિકારીઓ કયાં તો આપમેળે અથવા પક્ષકાર દ્વારા 1 કરવામાં આવેલ અરજી ઉપરથી ત્રણ વર્ષોની સમયમર્યાદામાં ૭૩(કક)ના ભંગ બદલ કાર્યવાહીઓ શરૂ કરી શકશે. તેનો અર્થ એ છે કે, જ.મ.સં.ક. ૭૩(કક)ની જોગવાઈના ભંગ બદલ કોઈપણ કાર્યવાહી શરૂ કરવા માટે વિધાનસભાએ ત્રણ વર્ષોની સમયમર્યાદા નિર્દિષ્ટ કરી છે. આમ, સત્તાધિકારી ત્રણ વર્ષોની સમયમર્યાદા બાદ ૭૩(કક) હેઠળ આપમેળે કાર્યવાહી શરૂ કરી શકે નહીં. ૮.૧ હાલના કેસમાં વેચાણ દસ્તાવેજ વર્ષ ૧૯૮૨નો હતો, જ્યારે આપમેળે કાર્યવાહીઓ વર્ષ ૨૦૦૮માં એટલે કે ૨૬ વર્ષોના ગંભીર વિલંબ બાદ શરૂ કરવામાં આવી હતી, કે જે જ.મ.કા.ક.૭૩(કક)(૪) (ખ)ની જોગવાઈ હેઠળ નિર્દિષ્ટ કરાયેલ સમય મર્યાદાની બહાર છે. આમ, સત્તાધિકારીઓ દ્વારા સમયમર્યાદા બહાર પસાર કરાયેલ હુકમો કાયદેસર હોવાનું કહી શકાય નહીં અને આમ તેઓને રદ અને સેટ-એસાઈડ કરવા જરૂરી છે. 

નામદાર હાઇકોર્ટે સોમાભાઈ શરૂભાઈ ગામીત વિ. સ્ટેટ ઓફ ગુજરાતના કામે નામદાર હાઇકોર્ટ ખંડપીઠે ચુકાદા આપી ઠરાવેલ કે, "૧૨. ઉપરોકત જોગવાઈ ઉપરથી એ બાબત સ્પષ્ટ છે કે, જો બિનઆદિવાસીને ખાતાની તબદીલી કરવાના સમયે સંહિતાની કલમ-૭૩(કક)ની પેટા-કલમ (૧)નો અથવા જે તે સમયે અમલમાં હોય તેવા કોઈપણ કાયદાનો ભંગ થયો હોય તો કલેક્ટર મિલકતની જપ્તી માટે આપમેળે કાર્યવાહી શરૂ કરી શકે છે અથવા કલેક્ટર તબદીલીની તારીખથી ત્રણ વર્ષોની સમયમર્યાદામાં આદિવાસી તબદીલ કરનાર દ્વારા દાખલ કરવામાં આવેલ અરજીના આધારે પગલાં લઈ શકે છે. વધુમાં એ બાબત છતી થાય છે કે, આવા પગલાં તબદીલીથી લેનાર અથવા તેના હિતના ઉત્તરાધિકારીને શા માટે તેવી તબદીલીને વ્યર્થ / રદબાતલ જાહેર કરવી જોઈએ નહીં તે અંગે કારણો આપવા જણાવતી નોટિસ કાઢ્યા બાદ જ શરૂ કરી શકાય છે. જો કે, અહીં ઉપર ચર્ચેલ હકકીત ઉપરથી જણાય છે કે, અરજદાર નં.રની તરફેણમાં પ્રશ્નવાળી મિલકતની તબદીલી કરવા માટે પરવાનગી મંજૂર કરવા માટે બચાવકર્તા નં.૩ દ્વારા અરજી કરવામાં આવી હતી. જો કે કોઈ અરજી બચાવકર્તા નં.૩ દ્વારા વ્યવહારને વ્યર્થ જાહેર કરવા માટેની નિર્દિષ્ટ સમયમર્યાદામાં દાખલ કરવામાં આવી નહોતી, કે ન તો કલેક્ટરે સંહિતાની કલમ-૭૩(કક)ની પેટાકલમ-(૪)માં જણાવ્યા મુજબ વ્યવહારને વ્યર્થ જાહેર કરવા માટે આપમેળે કાર્યવાહીઓ શરૂ કરી હતી. બાબતના તે પરિપેક્ષમાં, સંહિતાની કલમ-૭૩(કક)ની જોગવાઈ બાંધકામ વાળી મિલકતને લાગુ પડશે એવી બચાવકર્તા નં.૩ તરફે ઉપસ્થિત વિદ્વાન વકીલશ્રી કુરેશીની રજૂઆતને ધ્યાને લેવામાં આવે તો પણ કલેક્ટરે સંહિતાની કલમ-૭૩ (કક) (૪) હેઠળ નિર્દિષ્ટ કાર્યરીતિનું અનુસરણ કરેલ નથી અને તે વડે કલેકટરે તા.૧૭/૦૭/૨૦૦૮ ના રોજનો હુકમ પસાર કરતી વેળા ભૂલ કરી છે. એસ.એસ.આર. ડી. નાએ પણ બાબતના ઉપરોકત મહત્ત્વના પાસાઓને ધ્યાને લીધા નથી અને તા.૧૧/૧૧/૨૦૧૬ ના રોજનો વિવાદી હુકમ પસાર કર્યો છે.” મજકુર ચુકાદા થકી નામદાર ખંડપીઠ દ્વારા કાયદાને અને સાથે સાથે અધિનિયમની જોગવાઈઓને ધ્યાને લેતાં, સત્તાધિકારીઓ કલમ-૭૩(કક) (૪)(ખ) હેઠળ નિર્દિષ્ટ કરાયેલ સમયમર્યાદાની બહાર ૭૩(કક)ના ભંગ બદલ આપમેળે કાર્યવાહીઓ શરૂ કરી શક્યા ન હોત.

ઉપરોક્ત નામદાર હાઇકોર્ટના ચુકાદા ઉપરથી કહી શકાય કે, જમીન મહેસૂલ સંહિતાની કલમ-૭૩(કક)ની જોગવાઈના ભંગ બદલ કાર્યવાહી શરૂ કરવાની સમયમર્યાદા ત્રણ વર્ષની છે.

(લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧, ઇશ્યૂ-૬, જૂન-૨૦૨૪, પાના નં.૫૧૩

No comments: