ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અંગેના કાયદા અન્વયે જમીનના ટૂકડા થતાં અટકાવવા ખેડૂત ખાતેદારની જમીનની કૌટુંબિક વહેંચણી સમયે કોઈ ઈસમ તેના ભાગની જમીન ઉપરનો પોતાનો હકક જતો કરે તેવા ઈસમને ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબત.
ઠરાવ ક્રમાંક : ગણત –૧૦૨૦૦૩/૯૭૭/ઝ, તા. ૨૯-૩-૨૦૦૫.
ઠરાવ:-
રાજ્યમાં અમલી એવા ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા અંગેના ધારા-૧૯૪૮ અન્વયે રાજયમાં ખેતીની જમીનનું ઓછામાં ઓછું વિભાજન/ટુકડા થાય કે જેથી ખેત ઉત્પાદન ઉપર વિપરીત અસર ન થાય તેવી જમીન સુધારણા વિષયક જોગવાઈઓનું પાલન કરવામાં આવે છે. આના કારણે જમીનોના ટૂકડા થતાં અટકે છે. પરંતુ ખેડૂત ખાતેદારના અવસાન/મૃત્યુના કિસ્સામાં વારસાઈ કરતાં સમયે તેમજ ખેડૂત ખાતેદાર પોતાની હયાતી દરમ્યાન તેની જમીનની વહેંચણી પોતાના પુત્રો વચ્ચે કરે ત્યારે કેટલાક કિસ્સાઓમાં જમીનના ટુકડા બને છે. અને પરિણામે કાયદાની જોગવાઈનો ભંગ થતા કાયદાકીય કાર્યવાહીનો સામનો જાણે-અજાણે કરવો પડે છે. આવા ટુકડા બનતાં ઓછી જમીનના કારણે ખેત ઉત્પાદનને અવળી અસર થવા સંભવ છે. આવુ ન બને તે માટે જયારે કોઈ ખેડૂત ખાતેદાર તેની જમીનની વહેંચણી કરે ત્યારે આવી જમીનની વહેંચણી કરતાં ભાઈઓના ભાગમાં આવતી જમીન ટુકડો કે ટુકડા કરતા ઓછી જમીન થતી હોય તેવા પ્રસંગે સંયુક્ત ખાતેદારો પૈકી કોઈ ઈસમ / ભાઈ /બહેન તેના ભાગમાં આવતી જમીન પરનો પોતાના હક્ક સ્વૈચ્છિક રીતે જતો કરે અને તેમ કરતાં તેની પાસે બીજી કોઈ જમીન રહે નહીં તેવા સંજોગોમાં તે અન્ય જગ્યાએ બીજી જમીન ખરીદ કરી શકે તે માટે તેનો ખેડૂતનો દરજજો ચાલુ રહે તે સારું આવા ઈસમોને ખેડૂત પ્રમાણપત્ર આપવા અંગેનો પ્રશ્ન સરકારશ્રીની વિચારણા હેઠળ હતો.
સદરહુ બાબતે સરકારશ્રીએ પુખ્ત વિચારણાને અંતે જમીનની કૌટુંબિક વહેંચણીના સમયે સંયુક્ત ખાતેદારોમાં નામ દાખલ થયા હોય તે પૈકીના કોઈ ખાતેદાર વ્યકિત સ્વૈચ્છાએ જમીન ઉપરનો પોતાનો હકક જતો કરે અને તેવા પ્રસંગે તેની પાસે ખેતીની અન્ય કોઈ જમીન રહેતી ન હોય તો તેવા ઈસમને ખેડૂતનો દરજજો ચાલુ રહે તે માટે ખેડૂત પ્રમાણપત્ર આપવાનું નીચેની શરતોએ ઠરાવવામાં આવે છે.
શ ર તો :-
(૧) વહેંચણી/વારસાઈ હકકે સંયુક્ત ખાતેદારોમાં પોતાનું નામ નોંધાયેલ હોવું જોઈએ.
(૨) સંયુક્ત ખાતેદારોના નામે ચાલતી ખેતીની જમીનની કૌટુંબિક વહેંચણી કરવામાં આવે તો વ્યકિતગત રીતે ભાગે મળવાપાત જમીન ટુકડા માટે નકકી કરેલ ન્યુનત્તમ ધોરણ કરતાં ઓછી મળવાપાત થતી હોય અને તેવા પ્રસંગે તેવી જમીનમાં પોતાનો સ્વમેળે હકક જતો કર્યો હોવો જોઈએ.
(૩) વહેંચણી / વારસાઈ અંગેની હકકપત્રક નોંધ (ખાસ કરીને "ટૂકડા"ને અનુલક્ષીને હકક જતો કર્યો હોય તેવી નોંધ ) મંજુર થયા બાદ અરજદારે ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર મેળવવા માટે છ માસ (૧૮૦ દિવસ) માં અરજી સંબંધિત કલેકટરશ્રીને કરવાની રહેશે.
(૪) અરજદારની અરજી મળ્યા બાદ કલેકટરશ્રીએ આવું પ્રમાણપત્ર ૬૦ ( સાઈઠ ) દિવસમાં આપવાનું રહેશે.
(૫) આ મુજબ ખેડૂત પ્રમાણપત્ર મળ્યા બાદ પ્રમાણપત્ર મેળવનાર અરજદાર/ખેડૂતે ૧૮૦ દિવસમાં રાજયમાં અન્ય જગ્યાએ જમીન અચૂક ખરીદ કરી તેની કલેકટરશ્રીને જાણ કરવાની રહેશે. આમ છતાં કોઈ કિસ્સામાં ખેડૂત/અરજદારના કાબુ બહારના કારણો/સંજોગોને કારણે નિયત કરેલ ૧૮૦ દિવસમાં જમીન ખરીદ કરી શકેલ ન હોય તો આવા કિસ્સામાં અરજદારે રજુ કરેલ તેના કાબુ બહારના સંજોગો/કારણો વિચારણામાં લઈ કલેકટરશ્રીએ કેસના ગુણદોષ વિચારણામાં લઈ પ્રમાણસર વિલંબને દરગુજર કરી મુદત વધારો આપવાનો રહેશે. આવી વધારાની મુદત વધુમાં વધુ ૩(ત્રણ) માસની રહેશે.
ઉપરોકત વિગતોએ અસરકર્તા જે ખેડૂત ખાતેદારોની જમીનનો ટૂકડો થતાં અટકે અને જે ઈસમ પોતાની સ્વેચ્છાએ જમીન ઉપરનો પોતાનો હક્ક જતો કરે તેની પાસે બીજી જમીન ન હોય તે વ્યકિત તરફથી ખેડૂત અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરવામાં આવે ત્યારે તેવી વ્યકિતએ નીચે જણાવેલ પુરાવાઓ તેમની અરજી સાથે રજુ કરવાના રહેશે તેવું આથી ઠરાવવામાં આવે છે.
પુરાવા :-
૧. સંયુક્ત ખાતેદારોના નામે ચાલતી જમીન પરનો સ્વમેળે હક્ક જતો કરનાર ખેડૂત ખાતેદારના પેઢીનામાની નકલ.
૨. ગામ નમૂના નંબર ૮-અ' તથા ૭/૧૨ ની નકલ.
૩. હકકપત્રક નોંધનીનકલ (ખાસ કરીને સંયુક્ત ખાતેદારોના નામે ચાલતી જમીનને અનુલક્ષીને સ્વમેળે હક્ક જતો કર્યો હોય તે અંગેની ફેરફાર નોંધ)
ઉપરોકત વિગતોએ સંબંધિત વ્યકિત / ઈસમોને આપવાનુ થતુ ખેડૂત અંગેનું પ્રમાણપત્ર જિલ્લા કલેકટરશ્રીઓએ અરજી મળ્યેથી મોડામાં મોડું દિન-૬૦માં અચૂક આપવાનું રહેશે.
No comments:
Post a Comment