ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં વેચાણ નોંધ દાખલ કરવા તથા પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરવાની કાર્યવાહીમાં સરળીકરણ કરવા બાબત.
સુધારા ઠરાવ ક્રમાંક:- ગણત/૧૦૨૦૨૨/૫૯/ઝ તા. ૦૮/૦૪/૨૦૨૫.
વંચાણે લીધા :- મહેસૂલ વિભાગનો તા.૧૩/૦૯/૨૦૨૪નો ઠરાવ ક્રમાંક: ગણત/૧૦૨૦૨૨/૫૯/ઝ
પ્રસ્તાવના:
વંચાણે લીધા સામેના તારીખ ૧૩/૦૯/૨૦૨૪ ના ઠરાવથી રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે અને વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઇની ચકાસણીમાં તા.૦૬/૦૪/૧૯૯૫ અગાઉનો રેકર્ડ ધ્યાને ન લેવાની જોગવાઈ કરવામાં આવેલ છે વધુમાં, ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર પાસેથી ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ ન રાખવા તથા ખેડૂત હોવા અંગે ઉપલબ્ધ ઓનલાઇન રેકર્ડની ચકાસણી કરી ખેડૂત ખરાઈ કર્યા અંગેનો શેરો કરવાની જોગવાઇઓ કરવામાં આવેલ છે.
વહીવટી અનુકૂળતા અને વધુ સરળીકરણના ભાગરૂપે ખેડૂત ખરાઇની ચકાસણીમાં રેકર્ડ ધ્યાને લેવાની તા.૦૬/૦૪/૧૯૯૫ ની સમયમર્યાદામાં સુધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી
સુધારા ઠરાવ :
પુખ્ત વિચારણાને અંતે સરકારશ્રી દ્વારા રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે અને વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈ બાબતે વંચાણે લીધા સામેના તારીખ ૧૩/૦૯/૨૦૨૪ ના ઠરાવના ક્રમાંક (૧) ની જોગવાઇઓ રદ કરી નીચે મુજબ ઠરાવવામાં આવે છે.
(૧) ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઇની ચકાસણીમાં ખેતીની જમીનના વેચાણ અંગે હક્ક પત્રકમાં નોંધ દાખલ કરવાની અરજદારની અરજીની તારીખથી ૨૫ વર્ષ અગાઉનો રેકર્ડ ધ્યાને લેવાનો રહેશે નહિ.
મહેસૂલ વિભાગના તા.૧૩/૦૯/૨૦૨૪ના ઠરાવની તારીખથી આ ઠરાવ પ્રસિધ્ધ થયા તારીખ સુધીના સમયગાળા દરમ્યાનના કિસ્સાઓમાં વિભાગના તારીખ ૧૩/૦૯/૨૦૨૪ ના ઠરાવના ક્રમાંક (૧) ની જોગવાઈ લાગુ પાડવાની રહેશે.
આ ઉપરાંત મહેસૂલ વિભાગના તા.૧૩/૦૯/૨૦૨૪ના સરખા ક્રમાંકના ઠરાવની અન્ય જોગવાઇઓ યથાવત રહેશે.
આ ઠરાવ વિભાગની ફાઇલ ક્રમાંક ગણત/૧૦૨૦૨૫/૩૬૦/ઝ પરની સરકારશ્રીની તારીખ ૦૭/૦૪/૨૦૨૫ ની નોંધથી મળેલ મંજુરી અન્વયે બહાર પાડવામાં આવે છે.
No comments:
Post a Comment