શહેરી જમીન ટૉચ મર્યાદા કાયદાને સંબંધિત (ફાજલ થયેલ) જમીનો પરત્વેના કોર્ટ કેસોમાં સરકાર પક્ષે આવેલ ચૂકાદાઓની રેકર્ડમાં નોંધ કરવા બાબત.
ગુજરાત સરકાર મહેસુલ વિભાગ પરિપત્ર ક્રમાંક: યુએલસી/૧૦૨૦૨૪/૩૦૯/વ.૪ સચિવાલય, ગાંધીનગર તા.૦૩/०૪/૨૦૨૫.
પરિપત્ર
શહેરી જમીન ટોચ મર્યાદા કાયદાને સંબંધિત ચાલતા કોર્ટ કેસની સુનવણી સમયે હાજર રહેવા તથા આવેલ ચૂકાદાઓ બાબતે અંત્રેના તા.૧૫-૧૦-૨૦૨૪ના સરખાં ક્રમાંકના પરિપત્રથી કેટલીક સૂચનાઓ આપવામાં આવેલ છે. અનુભવે એવુ જણાયેલ છે કે, કેટલાંક કિસ્સાઓમાં સરકાર પક્ષે આવેલ ચૂકાદાઓની રેકર્ડમાં એન્ટ્રી કરાયેલ નથી. આથી, Any RoR પર આ માહીતી મળી રહે તે માટે તેમજ આંતરીક વ્યવસ્થાના ભાગ રૂપે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રીત કરવામાં આવે છે.
1. શહેરી સંકુલના સક્ષમ અધિકારીશ્રીએ સરકાર પક્ષે આવેલ ચૂકાદાઓની રેવન્યુ રેકર્ડમાં તુરત જ નોંધ પાડવા સબંધિત મામલતદારશ્રીને લિખિત સૂચના (સ્કીપ્ટ સાથે) આપવાની રહેશે.
2. સરકાર હસ્તકની ફાજલ જમીન (કબજો લેવાયેલ) અંગે પીટીશનર દ્વારા કેસ Withdrawn કરવામાં આવે ત્યારે તેમજ સરકાર પક્ષે મનાઇ હુકમ મેળવવામાં આવેલ હોય તેની પણ નોંધ 'બીજા હકક માં કરવાની રહે છે.
3. આપવામાં આવતી સૂચનાઓ માત્ર કાગળ પર રહી ન જાય અને તેનો અમલ થાય તેવી કાર્યપધ્ધતિ (મિકેનીઝમ) પણ ગોઠવવાની રહેશે. આ માટે શહેરી સંકુલની કચેરીમાં IIILMS પોર્ટલનો અસરકારક ઉપયોગ કરી ડીસ્પોઝ થયેલ કેસોનું, યુ.એલ.સી. કોર્ટ કેસોના રજીસ્ટર સાથે મેળવણું કરીને કોર્ટ કેસોના રજીસ્ટરમાં સરકાર પક્ષે આવેલ ચૂકાદાની નોંધ પડી ગયેલ છે કે કેમ? તેના નોંધના નંબર સાથેના રીમાર્કસ રાખવાના રહેશે.
4. ઉકત જણાવેલ નોંધ પાડવા માટે સૂચના આપવાની નિષ્કાળજી તેમજ સૂચનાના અમલની ઢીલ કે વિલંબને ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ ગણવામાં આવશે.
5. યુ.એલ.સી. કેસોમાં (૧) ફાજલ થયેલ સરકાર સંપ્રાપ્ત જમીનોમાં કબજા અંગેની નોંધો, તેમજ (૨) અત્યાર સુધીમાં સરકાર પક્ષે આવેલ તમામ ચૂકાદાઓની નોંધ થયેલ છે. તે મુજબનું એક પ્રમાણપત્ર સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવી. કલેકટરશ્રી મારફતે અંત્રે આ પરિપત્ર તારીખ થી એક માસમાં અચૂક મોકલી આપવાનું રહેશે.
6. સરકાર હસ્તક કબજો સંભાળેલ જમીનોની જાળવણી કરવા બાબતે અત્રેના તા.૦૫-૦૨-૨૦૨૫ના પરિપત્ર ક્રમાંક: યુએલસી/જનરલ/૧૦૨૦૨૪/૩૧૯/વ-૧ થી અપાયેલ સૂચના મુજબ મૂળ અધિનિયમ સમયે ચાલુ કોર્ટ કેસો તથા રીપીલ એકટ અન્વયે ચાલુ કોર્ટ કેસોના ચુકાદા સરકાર પક્ષે આવે છે
ત્યારે સરકાર તરફે યોગ્ય રીતે કબજો લેવાયેલ હોવાનું પ્રસ્થાપિત થયેલ જમીનની જાળવણી અંગે સૂચનાઓનો તુરત જ અમલ કરવાનો રહે છે.
7. યુ.એલ.સી. કેસોમાં સરકાર પક્ષે આવેલ ચૂકાદાઓની વિરૂધ્ધમાં એપલેટ કોર્ટ દ્વારા મનાઇ હુકમ આપવામાં આવે અને જો અરજદાર તેની એન્ટ્રી માટે રજુ કરે ત્યારે મનાઇ હુકમની નોંધ પાડતા પહેલાં સરકાર પક્ષે આવેલ ચુકાદાની નોંધ અવશ્ય કરવાની રહે છે.
8, યુ.એલ.સી. કેસોમાં સરકારશ્રી વિરૂધ્ધ આવેલ ચૂકાદાઓ અંગે અત્રેના સરખાં ક્રમાંકના તા.૧૫-૧૦-૨૦૨૪ના પરિપત્રથી અપાયેલ સૂચનાઓ તથા કાયદા વિભાગે તા.૨૯-૦૬-૨૦૨૪ના જાહેરનામાથી નિયત કરેલ સ્ટેટ લિટીગેશન પોલિસીની સૂચનાઓનુ ચુસ્ત પણે પાલન કરવાનું રહે છે.
શહેરી જમીન ટૉચ મર્યાદા કાયદા અન્વયેની કામગીરી સંભાળતા સર્વે અધિકારીશ્રી/કર્મચારીશ્રીએ ઉપરોકત સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તથા સબંધિત કલેકટરશ્રીએ સરકાર પક્ષે આવેલ ચુકાદાઓની નોંધ કરાયાનું પ્રમાણપત્ર સંબંધિત સક્ષમ અધિકારીશ્રી પાસેથી દર ત્રણ માસે મેળવી રેકર્ડમાં રાખવાનું રહેશે.
No comments:
Post a Comment