ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવા અને નવી શરતની જમીનો અંગે સરકાર દ્વારા સરળીકરણની જોગવાઈઓ.
મહેસૂલી ટાઈટલ અંગે કાયદાનું સ્વરૂપ આપવા માટે જમીન મહેસૂલ અધિનિયમ હેઠળ નિયમો ઘડવા જરૂરી.
પરવાનગીની જોગવાઈઓ સમયાંતરે જરૂરિયાત મુજબ બદલાવ કરવામાં આવી રહ્યો છે.
જમીન મહેસુલ અધિનિયમની કલમ-૬૫ની જોગવાઈઓ ખેતવિષયક જમીનમાંથી બિનખેતીમાં ફેરવવામાં આવે ત્યારે કલેક્ટરની પરવાનગી લેવાની જોગવાઈ છે. પાયાની બાબત તરીકે ખેતવિષયક મહેસુલની આકારણી કરી હોય તેમાં બિનખેતીવિષયક ધારો નક્કી કરવાનું અને કાયમી ધોરણે બિનખેતી મહેસુલ વસુલ કરવાની બાબત મહત્વની છે. જમીન મહેસુલ કાયદામાં કલમ-૬૬/૬૭ હેઠળ કલેક્ટરની પરવાનગી સિવાય બિનખેતીવિષયક હેતુ કરી બાંધકામ કરવામાં આવેલ હોય તો મળવાપાત્ર બાંધકામને ધ્યાનમાં લઈ બિનખેતી આકારના પટ્ટની રકમ લઈ બિનખેતીવિષયક કૃત્ય નિયમબધ્ધ કરવાની જોગવાઈ પણ છે. રાજ્યસરકારે બિનખેતીવિષયક પરવાનગીની જોગવાઈઓ સમયાંતરે જરૂરિયાત મુજબ બદલાવ કરવામાં આવી રહ્યો છે. પરંતું End Result સ્વરૂપે વાસ્તવિક દ્રષ્ટિએ સરળતાથી પરવાનગી મળી જાય તેવી પ્રતિતિ થતી નથી. સરકારે પ્રામાણિક ઔદ્યોગિક હેતુ માટે કોઈપણ ખેડુત ખેતીની જમીન ખરીદીને કલેક્ટરને જાણ કરી, કલેક્ટરશ્રીએ ૩૦ દિવસમાં પરવાનગી આપવાની જોગવાઈ કરી છે તેજ રીતે ગણોતધારામાં પણ કલમ-૬૩એએ ઉમેરીને બિનખેતીવિષયક હેતુ માટે પરવાનગી મળી શકે છે. જમીન મહેસુલ અધિનિયમમાં ૧૮૭૯માં પણ વર્ષો પહેલાં બિનખેતી પરવાનગીમાં ૯૦ દિવસની મર્યાદા હતી અને અરજીના છેલ્લા દિવસોમાં કોઈ ક્ષતિ/quarry હેઠળ અરજીઓ નામંજુર કરવામાં આવતી, આજે પણ બિનખેતીની ઓનલાઈન પધ્ધતિ કર્યા પછી પણ કોઈને કોઈ કારણ દર્શાવી દા.ત. નોંધ રીવીઝનમાં લેવાની હોવાથી, મામલતદાર અને કૃષિપંચ કે નાયબ કલેક્ટર જમીન સુધારાનો અભિપ્રાય ન હોવાથી, ક્ષેત્રફળમાં તફાવત હોવાથી, જમીનનો સતાપ્રકાર નક્કી કરવાની બાબત, ખુટતી સ્ટેમ્પ ડ્યુટી વિગેરે આતો ઉદાહરણ સ્વરૂપે કારણ દર્શાવ્યાં છે અને આ અંગે આ લેખના માધ્યમથી પણ અવારનવાર બિનખેતીમાં પરવાનગી બાબતે રાજ્ય સરકારનું ધ્યાન દોરવામાં આવે છે કે, બિનખેતીની પરવાનગી એ ઔપચારિકતા છે. જેથી ફક્ત બિનખેતીધારો નક્કી કરવાનું અને કાયમી વસુલાતનું વ્યવસ્થાતંત્ર નક્કી કરવું જોઈએ.
ઉપરોક્ત પરિપ્રેક્ષ્યમાં જ્યારે રાજ્ય સરકારે ખેડુત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા બાબતે અને ૧૯૫૧થી મહેસુલી રેકોર્ડની ચકાસણી કરવામાં બિનખેતીની પરવાનગી આપતી વખતે જે હેરાનગતી થાય છે તે અંગે ધ્યાન દોરવામાં આવે અને તેને ધ્યાનમાં લઈ મહેસુલ વિભાગના
તા. ૮-૪-૨૦૨૫ના ઠરાવ ક્રમાંક-નશન-૧૦૨૦૨૫/૫૬૬/જ થી રાજ્યમાં નવી અને અવિભાજ્ય શરતની પ્રતિબંધિત સતાપ્રકાર અથવા નિયંત્રિત સતાપ્રકારની જમીનોની મહાનગરપાલિકા વિસ્તાર અને શહેરી સતામંડળો અને વિસ્તાર વિકાસ સતામંડળો સિવાયના વિસ્તારમાં ભૂદાન હેઠળની અને ખેતજમીન ટોચ મર્યાદા સિવાયની તમામ જમીનો ખેતીથી ખેતી અને ખેતી થી બિનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવાનું ઠરાવમાં આવેલ છે.
એટલે હવે બિનખેતીમાં જમીન ફેરવતી વખતે જો જમીન મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સતામંડળમાં સમાવિષ્ટ હોય તો નવી અને અવિભાજ્ય પ્રતિબંધિત સતા અથવા નિયંત્રિત સતાપ્રકારની જમીન હોય તો ખેતીથી ખેતી હેતુ માટે તબદિલી કે ખેતીથી બિનખેતી હેતુની તબદિલી માટે પ્રવર્તમાન દરે પ્રિમિયમ ભરવાનું રેહેશે.
આ જોગવાઈઓ ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ૧૯૬૦નો કાયદા અને તે હેઠળની ફાજલ થયેલ ફાળવેલ જમીનો ઉ૫ર, ભૂદાન હેઠળની જમીનો સહકારી મંડળીઓને સાંથલી હેઠળ ફાળવવામાં આવેલ સરકારી જમીનો નવસાધ્ય માટે ફાળવવામાં આવેલ જમીનો, નાળીયેરી, ફળ ઝાડ માટે જેવી ચોક્કસ હેતું માટે ફાળવેલ જમીનો સિવાયની તમામ જમીનો નવી અને અવિભાજ્ય શરતની પ્રતિબંધિત સતાપ્રકારની તેમજ નિયંત્રિત સતા પ્રકારની જમીનો જુની શરતની ગણાશે. સાંથલી હેઠળ વ્યક્તિગત રીતે ફાળવવામાં આવેલ સરકારી જમીનો ૧૫ વર્ષ બાદ તમામ હેતુ માટે જુની શરતની ગણાશે. આ ઠરાવની જોગવાઈઓ હવે પછીની કાર્યવાહી માટે લાગુ પડશે. આ ઠરાવની તા. ૮-૪-૨૦૨૫ ની તારીખે જે શરતભંગની કાર્યવાહી ચાલુ હશે તે યથાવત સ્વરૂપે ચાલુ રહેશે. આ નિર્ણય અંગે સબંધીત તાલકાના મામલતદારે સ્વમેળે (Suo- moto) આવા નિયંત્રિત સતાપ્રકારની જમીનો કૌંસ કરીને રદ કરવાની રહેશે. આ અંગે નિયંત્રિત સતાપ્રકારની જમીનના ધારકોએ અરજી પણ કરવાની નથી. ખાતેદાર જાગૃતતા દાખવવા તેમની જમીન ઉપરથી સતાપ્રકાર રદ કરવામાં આવ્યો છે કેમ તેની ખાત્રી કરવી જોઈએ. આમ રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારની તમામ નિયંત્રિત સતાપ્રકારની જમીનો જુની શરતની ઠરાવી છે. આ નિર્ણયની સાથે જે જમીનો બિનખેતીમાં ફેરવવામાં આવે તેની અરજી સાથે ૧૯૫૧થી અગાઉ ખેડુતના Title અંગે ખરાઈ કરવામાં આવતી અને હકપત્રકની નોંધોની ખરાઈ કરવામાં આવતી. સાથો સાથ ખેતીની જમીનના વેચાણ/ખરીદના કિસ્સામાં ખેડુતખરાઈ પ્રમાણપત્ર મેળવવામાં આગ્રહ રાખવામાં આવશે નહિં તેવો સુધારો કરવામાં આવેલ, કારણકે મહેસુલી રેકર્ડનું કોમ્પ્યુટરાઈઝેશન કરવાથી તમામ રેકર્ડ ઓનલાઈન ઉપલબ્ધ છે તેમ છતાં આ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાથી તા. ૧૩-૯-૨૦૨૪ના પરિપત્રથી ખેડુત ખરાઈ અંગે સ્પષ્ટતા કરેલ પરંતું વિવેકાધીન સત્તા હોવાને કારણે રાજ્ય સરકારે તા. ૮-૪-૨૦૨૫ના સુધારા ઠરાવ ક્રમાંક-ગણત/૧૦૨૦૨૨/૫૯/ઝ અન્વયે ખેડુતખરાઈ પ્રમાણપત્રની જોગવાઈ રદ કરી ખેતીની જમીનની નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય લેતી વખતે ખેડુત ખરાઈની ચકાસણીમાં ખેતીની જમીનના વેચાણ અંગે હકપત્રકમાં નોંધ દાખલ કરવાની અરજદારની અરજીની તારીખથી ૨૫ વર્ષ અગાઉનો રેકર્ડ ધ્યાનમાં લેવાનો રહેશે નહિં તે પ્રમાણેની જોગવાઈ કરી છે પરંતું આ પરિપત્રમાં માનો કે ૨૫ વર્ષ અગાઉ જો કોઈ બિનખેડુતની ખેતીની જમીન ખરીદવાની નોંધ મંજુર થયેલ હોઈ અને ત્યાર બાદ ઉત્તરોત્તર ખેતીની જમીન ખરીદી હોય તો તે અંગે શું કાર્યવાહી કરવી તે અંગેની સ્પષ્ટતા થયેલ નથી. એવું પણ બને કે ૨૫ વર્ષ અગાઉ જો બિનખેડુતની ખેડુત તરીકેની નોંધ પ્રમાણિત થયેલ હોય તો તેવા કિસ્સામાં બિનખેતીની પરવાનગી આપતી વખતે અથવા તો ખેતીની જમીનની ખરીદી અંગેની નોંધ પ્રમાણિત કરવા અંગે મહેસુલી અધિકારીઓ આ વિવેકાધીન સત્તાનો ઉપયોગ કરી શકે છે. રાજ્ય સરકારે આ મુદ્દા ઉપર વધુ સ્પષ્ટતા કરવાની જરૂર છે.
રાજ્યના મહેસુલ વિભાગે તા. ૮-૪-૨૫ના રોજ પરિપત્ર ક્રમાંક - જમન-૧૦૨૦૨૫/૪૬૨-ક અન્વયે ખેતીની જમીનો અંગે મહેસુલી ટાઈટલ અને કાયદેસર કબજે દાર (Revenue title cum Legal Occupancy Cer-tificate) આપવાની જોગવાઈ કરી છે. આ જોગવાઈમાં ૧૯૫૧-૫૨થી મહેસુલી હકપત્રક તેમજ જુના ૭/૧૨ વિગેરે તપાસવાની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ કરવાનો આશય બિનખેતીની પ્રક્રિયામાં અને નવી શરતની જમીનની પરવાનગીમાં સમયમર્યાદામાં આપી શકાય તે માટે મહેસુલી ટાઈટલ અને કાયદેસરના કબજા પત્રની જોગવાઈ કરવામાં આવી છે. ખરેખર આ દસ્તાવેજ આપવા માટે ભારતસરકારે ઘણા વર્ષ પહેલાં "Revenue Title" આપવા માટે Model Rules સહિત મોકલવામાં આવેલ, ખરેખરતો સરકારે આ નિર્ણય ફક્ત પરિપત્ર સ્વરૂપે કરેલ છે તેના બદલે Rules બનાવવા જોઈએ જેથી તેને કાયદાનું પીઠબળ મળે, આ પરિપત્રની જોગવાઈઓ અગત્યની હોવાથી આગામી લેખમાં વર્ણન કરીશું
No comments:
Post a Comment