વિદ્યાર્થીઓ દસ્તાવેજોમાં પોતાના નામ પાછળ માતાનું નામ લખાવી શકશે.
- શિક્ષણ વિભાગની મંજૂરી મળ્યા બાદ શિક્ષણ બોર્ડે વિનિયમમાં નવી જોગવાઈનો ઉમેરો કર્યો
- માતાનું નામ લખાવવા માટે* જરૂરી આધાર-પુરાવા રજૂ કર્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારી સુધારો કરી શકશે.
રાજ્યમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે, પોતાના શૈક્ષણિક દસ્તાવેજોમાં પોતાના નામની પાછળ માતાનું નામ લખી શકશે. અત્યાર સુધી આ પ્રકારની જોગવાઈ ન હતી, પરંતુ શિક્ષણ વિભાગની મંજૂરી બાદ શિક્ષણ બોર્ડ દ્વારા નવી જોગવાઈનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામના બદલે માતાનું નામ લખવું હોય તો જરૂરી પુરાવા રજૂ કર્યેથી જિલ્લા શિક્ષણાધિકારી સુધારો કરી શકશે. ઉપરાંત હાલમાં બાળકના નામની પાછળ પિતાનું નામ હોય અને સંજોગવસાત હવે નામની પાછળ માતાનું નામ લખવું હોય તો તે અંગે છુટાછેડા કે અવસાન અંગેના પુરાવા સહિતની વિગતો રજૂ કરી સુધારો કરી શકશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 3 ઓગસ્ટ, 2022ના રોજ પત્ર દ્વારા બોર્ડના વિનિયમમાં નવી જોગવાઈ ઉમેરી સુધારો કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્ત સરકારની વિચારણા હેઠળ હતી. દરમિયાન વિચારણાને અંતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમમાં નવી જોગવાઈને ઉમેરી સુધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.
શિક્ષણ બોર્ડના વિનિયમમાં અગાઉ આ પ્રકારની જોગવાઈન હતી.જેથી નવી જોગવાઈનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે અનુસાર, શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામના બદલે માતાનું નામ લખવું હોય તેવા કિસ્સામાં સિવિલ કોર્ટનો હુકમ, રાજપત્રમાં માતાનું નામ દાખલ થયાનો આધાર અને આનુષાંગિક પુરાવાઓ જેવા કે માતાનું આધારકાર્ડ, પાન નંબર, જાતિ પ્રમાણપત્ર, બેંક પાસબુક વગેરે રજૂ કર્યેથી જિલ્લા શિક્ષણાધિકારી આવો સુધારો કરી શકશે. આમ, વિદ્યાર્થી જરૂરી પુરાવા આપીને માતાનું નામ પોતાની પાછળ લખાવી શકશે.
આ ઉપરાંત જોગવાઈમાં એવો પણ સુધારો કરાયો છે કે, શૈક્ષણિક દસ્તાવેજોમાં જ્યારે બાળકના નામની પાછળ પિતાનું નામ હોય, સંજોગોવસાત પિતા બદલાય એવા કિસ્સામાં સિવિલ કોર્ટનો હુકમ, રાજપત્રમાં માતાનું નામ દાખલ થયાનો આધાર અને આનુષાંગિક પુરાવાઓ, છુટાછેડા કે પતિનું અવસાનના કિસ્સાઓમાં છુટાછેડા થયાનો આધાર, છુટાછેડા હુકમનામું, ફારગતીલેખ અને જો અવસાન થયેલું હોય તો મૃત્યુ પ્રમાણપત્ર અને માતાએ પુનઃ લગ્ન કરેલા હોય તો પુનઃ લગ્નના પતિનું સંમતિ દર્શાવતું સોગંદનામું રજુ કર્યેથી જિલ્લા શિક્ષણાધિકારી આવો સુધારો કરી શકશે.
આનુષાંગિક આધાર-પુરાવાઓને લઈને પણ ઠરાવમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં અધિકૃત અધિકારી દ્વારા અપાયેલા અસલ જન્મ પ્રમાણપત્રની જન્મ-મરણ રજિસ્ટરમાં નોંધાયેલા હોય, જન્મ રજિસ્ટરમાં જે તે સક્ષમ અધિકારી દ્વારા થયેલી નોંધણી પ્રમાણિત નકલ, પિતાને બદલે માતાનું નામ ઉમેરવું હોય તેવા કિસ્સામાં પિતાની સંમતિ આપતું સોગંદનામું, માતાનું નામ રાખવા માતાની સંમતિ દર્શાવતું સોગંદનામું અને સિવિલ કોર્ટના હુકમની પ્રમાણિક નક્લો રજૂ કરવાની રહેશે.
જ્યારે પિતા બદલાય તેવા કિસ્સામાં બાળક આંગળિયાત તરીકે માતા સાથે જતું હોય ત્યારે દત્તક વિધાન માટે સક્ષમ સિવિલ કોર્ટનો હુકમ અનિવાર્ય રહેશે. કારણ કે, જન્મ સમયે બાયોલોજિકલ પિતા હોય તેની સંમતિ સોગંદનામા દ્વારા મેળવવી જરૂરી બને છે. તેથી આ સંજોગોમાં સક્ષમ સિવિલ કોર્ટના નિર્ણયથી જ પ્રમાણિત નકલ અનિવાર્ય ગણાશે. જ્યારે અગાઉના પતિના મૃત્યુ પામ્યા હોય કે છુટાછેડા લીધા હોય અને પુન: લગ્ન કરે ત્યારે એડોપ્શન એક્ટની કલમને ધ્યાનમાં રાખીને દત્તક વિધાનની કાર્યવાહી થયેલી હોવી જોઈએ.
No comments:
Post a Comment