'વહીવટી સૂચના / પરિપત્ર / ઠરાવથી કાયદાકીય જોગવાઈઓની અસર આપતી અટકાવી શકાય નહીં'
આપણો ભારત દેશ લોકતંત્ર ધરાવતો દેશ છે અને ભારતનું બંધારણ એ ભારતમાં ચાલતા દરેક કાયદાનો આધાર સ્તંભ અને મૂળ પાયો ગણાય છે અને બંધારણીય જોગવાઈઓ મુજબ ભારત દેશનું સંચાલન અને વહીવટ થાય છે.
સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા થતી કામગીરી કરવા અંગે સરકારશ્રી તરફથી વારંવાર માર્ગદર્શન આપતા વહીવટી સૂચના યા પરિપત્ર યા ઠરાવ બહાર પાડવામાં આવતા હોય છે અને તેવી વહીવટી સૂચના મુજબ સરકારી અધિકારી-કર્મચારીઓ કામગીરી કરતા હોય છે.
પરંતુ કેટલાક સંજોગોમાં સરકારશ્રી તરફથી એવી કોઈ વહીવટી સૂચના/પરિપત્ર/ઠરાવ બહાર પાડવામાં આવે કે જેથી કાયદાકીય જોગવાઈઓની અસર આપતા અટકાવે યા અડચણ ઊભી થતી હોવાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને તેવા સંજોગો અંગે નામદાર વરિષ્ઠ કોર્ટો દ્વારા ચુકાદાઓ આપી સિદ્ધાંતો પ્રસ્થાપિત કરેલા છે કે વહીવટી સૂચના/પરિપત્ર/ઠરાવ એ કાયદાકીય જોગવાઈઓની ઉપરવટ જઈ શકે નહીં યાને પરિપત્રથી કાયદાકીય જોગવાઈઓને અસર આપતી અટકાવી શકાય નહીં.
ઉપર જણાવ્યા મુજબનો સિદ્ધાંત નામદાર પટના હાઇકોર્ટ (ખંડપીઠ) દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ છે કે, "પરિપત્રથી કાયદાકીય જોગવાઈઓને અસર આપતી અટકાવી શકાય નહીં' તેવો સિદ્ધાંત નામદાર પટના હાઈકોર્ટ (ખંડપીઠ) દ્વારા કુમાર ગૌરવ તે સ્વ. જગદીશ પ્રસાદ ઉર્ફે જગદીશ પ્રસાદ ગુપ્તાના દીકરા અને બીજાઓ વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહાર કલેક્ટર અને બીજાઓ, લેટર્સ પેટન્ટ અપીલ નં. ૧૨૯/૨૦૨૧, ५८२/२०२१, સિવિલ રિટ જન્મ રિસડિક્શન કેસ નં.૧૨૬૩૫/૨૦૧૯, ૮૨૩૩/૨૦૨૦ ના કામે તા.૦૭/૧૧/૨૦૨૨ ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે (લેન્ડ લોઝ જજમેન્ટસ (LLJ), વોલ્યુમ-૨, ઈશ્યૂ-૧૧, નવેમ્બર-૨૦૨૩, પાના નં.૯૫૨) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.
અપીલકર્તાએ પ્રશ્નવાળી જમીન ખરીદ કરેલી હતી અને તેમના નામો મહેસૂલી રેકર્ડમાં ચઢાવ્યા હતા, પરંતુ મહેસૂલી રેકર્ડોમાં બિહાર સરકારને જમીનના માલિક તરીકે દર્શાવતી ચોક્કસ ખોટી નોંધોના કારણે અપીલકર્તાઓના વેચાણકર્તાઓએ મહેસૂલી રેકર્ડોમાં સુધારા કરવાની માગણી કરતો ટાઈટલનો દાવો દાખલ કર્યો હતો. દાવાઓમાં હુકમનામાં કરવામાં આવ્યા હતા, પરંતુ હુકમનામાનો અમલ થઈ રહ્યો નહોતો. તેથી હાલની બે રિટ અરજીઓ અલગ- અલગ બેન્ચો દ્વારા બે હુકમો વિરુદ્ધ કરવામાં આવેલી. રાજ્ય દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે ટાઇટલના દાવામાં આવેલ ઉપરોક્ત ચુકાદાની વિરુદ્ધ રાજય દ્વારા દાખલ ટાઇટલ અપીલ આખરી ન્યાયનિર્ણય માટે પડતર હતી. આવા સંજોગોમાં સરકારી સ્તરે આવી જમીન ઉપરના માલિકીહક્કો ઉપર વાદળ (અનિશ્ચિતતા) હોવાના કારણસર જમીનના ચોક્કસ ટુકડાઓને નહીં નોંધવાની તમામ નોંધણી સત્તાધિકારીઓને સૂચના આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આવી વહીવટી સૂચનાઓનું આજ્ઞાપાલન કરતાં નોંધણી સત્તાધિકારીએ કથિત જમીનો નોંધવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ અપીલકર્તાની એવી રજૂઆત હતી કે, કોઈપણ સંજોગોમાં કોઈ વહીવટ ગાડી થકી ન્યૂન બનાવી શકાયો હતો, કોઈપણ કારણ કે તર્ક કાયદાના પાલનની જરૂરિયાતને ટાળી શક્યા ન હોત અને જો નોંધણી સત્તાધિકારી જમીનની તબદીલી દર્શાવતા કાયદેસરના બિનતહોમતપાત્ર દસ્તાવેજોના આધારે તેને નોંધવાની સત્તા ધરાવતા હોય તો, કોઈ કારણ તેવા અધિકારીઓને દસ્તાવેજની નોંધણી કરવાથી અટકાવશે નહીં. નોંધણીની અસર માત્ર પક્ષકારોના સંબંધમાં હોય છે.
નામદાર હાઇકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે, જો વેચાણકર્તા કોઈ હક્ક અથવા અધિકાર વિના પોતાની મિલકતનું સ્વત્વાર્પણ કરે છે તો, "કેવિયેટ એમ્પટર" (ખરીદદાર સાવધાન)નો સિદ્ધાંત ખરીદદારને લાગુ પડશે અને તેઓ કોઈ ટાઇટલ મેળવશે નહીં ભલે પછી તે નોંધાયેલ હોય, આ બિહાર ડીડ રાઇટર્સ એસોસિયેશન વિ. ધી સ્ટેટ ઓફ બિહાર, ૧૯૮૯ એ.આઈ. આર. (પટના) ૧૪૪ ના કેસમાં આપેલ તારણો, નોંધણી કરવાની સત્તા એ વહીવટી સત્તા હતી, કે જેનો ઉપયોગ જો દસ્તાવેજ વૈધાનિક જરૂરિયાતો તેમજ અન્ય ઔપચારિકતાઓનું પાલન કરતો હોય તો, સબ-રજિસ્ટ્રારોને નોંધણી માટે રજૂ કરવામાં આવેલ દસ્તાવેજ નહીં નોંધવાની સૂચના આપવા માટે કરી શકાયો ન હોત. કોઈપણ દસ્તાવેજ કે જે અન્યથા વૈધાનિક જરૂરિયાતો તેમજ ઔપચારિકતાઓનું પાલન કરતો હોય અને જો તે નોંધણી માટે રજૂ કરવામાં આવે તો નોંધણી સત્તાધિકારી તેને નોંધવા કરજથી બંધાયેલ છે. નોંધણી સત્તાધિકારી માટે પોતાને ખાતરી થાય તે રીતે ટાઇટલની તપાસ કરવાનું અને તે નિશ્ચિત કરવાનું જરૂરી નથી.
આ સિદ્ધાંતોએ આખરી સ્વરૂપ મેળવેલ હોઈ વરિષ્ઠ સરકારી કાર્યકારી કર્મચારીઓના પક્ષે બિહારના અમુક જિલ્લાઓમાં જમીનના ચોક્કસ ટુકડાઓની નોંધ નહીં કરવાની નોંધણી સત્તાધિકારીઓને સૂચના આપવાનું કાર્ય ખૂબ જ અન્યાયપૂર્ણ હતું. વળી જો તેવું અનુમાન કરવાનું હોત કે, રેકર્ડોને ડિજિટલી અપલોડ અને અપગ્રેડ કરવાના હેતુથી તે કામચલાઉ ધોરણે સત્તાને સ્થગિત કરવા પૂરતું જ પગલું હતું. તો પણ તેવું પગલું અનિશ્ચિત કાળ સુધી ચાલુ રહી શક્યું નહોત.
તેમજ કેસોના હાલના સમૂહમાં નોંધણી સત્તાધિકારીએ પ્રશ્નવાળી જમીનને સંબંધિત વેચાણ દસ્તાવેજ નોંધવાનો ઈનકાર કર્યો છે, તે એવી બિનચાલવાપાત્ર રજૂઆત ઉપર કે, તેમ કરવા ઉપર વહીવટી પ્રતિબંધ છે અને માત્ર ટાઇટલ અપીલના નિકાલ બાદ જ પક્ષકારોના અધિકારો આખરી સ્વરૂપે ન્યાયનિર્ણીત થશે.
વધુમાં નામદાર હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે, આ બંને આધારો મિલકત તબદીલી અધિનિયમ, ૧૮૮૮ તેમજ ભારતીય નોંધણી અધિનિયમ, ૧૯૦૮માં સમાવિષ્ટ જોગવાઈઓ અને સાથે-સાથે નોંધણી, કે જે માત્ર પક્ષકારોને સંબંધિત હોય છે, તેના હેતુના પ્રકાશમાં નામંજૂર કરવાને લાયક છે. નોંધણી સત્તાધિકારી સહિતના સત્તાધિકારીઓના પક્ષે જમીનની નોંધણી કરવાનો એવા આધારે ઈનકાર કરવાનું ન્યાયપૂર્ણ નથી કે. પ્રશ્નવાળી જમીનનો ટુકડો એવી જમીનોની યાદીમાં પડે છે, કે જેના ઉપર વહીવટી સૂચના-પરિપત્ર-ઠરાવ વડે મર્યાદિત કરી શકાય નહીં.
ઉપરોકત ચુકાદાને ધ્યાને લેતા સ્પષ્ટ થાય છે કે, વહીવટી સૂચના/પરિપત્ર/ઠરાવથી કાયદાકીય જોગવાઈઓની અસર આપતી અટકાવી શકાય નહીં.
(લેન્ડ લોઝ જજમેન્ટસ (LLI), વોલ્યુમ-૨, ઈશ્યૂ-૧૧, નવેમ્બર-૨૦૨૩, પાના નં.૯૫૨)
No comments:
Post a Comment