પુત્રીઓને પિતાના વારસાથી વંચિત રાખતા દત્તક કરારને સુપ્રીમે ફગાવ્યો.
પુત્રીઓને સંપત્તિના હકથી દૂર કરવાની આ યોજનાપૂર્વકની ચાલ છે.
મિલકત વિવાદમાં દત્તક કરારને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પુત્રીઓને પિતાની સંપત્તિ પરના કાયદેસરના હકથી વંચિત રાખવા માટેનું આ એક ગણતરીપૂર્વકનું પગલું હતું. કોર્ટ જાણે છે કે ગ્રામીણ વિસ્તારોમાં પુત્રીને હક વારસામાંથી બહાર કાઢવા માટેની આ એક યોજનાપૂર્વકની ચાલ છે. સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ હાઈકોર્ટના આ કેસના ચુકાદામાં દખલગીરી કરવાનો ઈનકાર કરતાં આ અવલોકન કર્યા હતાં.
એક લાંબી કાનૂની લડાઈમાં અરજદાર અશોક કુમારે 9 ઓગસ્ટ, 1967 તેમના દત્તક કરારનો ઉલ્લેખ કરીને દાવો કર્યો હતો કે ભુનેશ્વર સિંહની મિલક્તના પોતે વારસદાર છે. ભુનેશ્વરને બે શિવ કુમારી દેવી અને હરમુનિયા નામની બે પુત્રીઓ હતી. અરજીમાં દાવો કરાયો હતો કે યુપીના રહેવાસી ભુનેશ્વર સિંહ, જેઓ હાલમાં મૃત્યુ પામ્યા છે, તેમણે અશોકને કાયદેસર રીતે દત્તક લીધો હતો. હાઈકોર્ટે ડિસેમ્બર 2024માં દત્તક કરારને ફગાવી દીધો હતો.
કાનૂની વિવાદનો અંત લાવતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે બાળકને દત્તક લેનાર વ્યક્તિએ તેની પત્નીની સંમતિ લેવી જોઈએ તેવી ફરજિયાત શરતોનું પાલન કરવામાં આવ્યું ન હતું.અરજદારના વરિષ્ઠ વકીલને લાંબા સમય સુધી સાંભળ્યા પછી અને રેકોર્ડ પર મૂકવામાં આવેલી સામગ્રીનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યા પછી, અમને ખાતરી થઈ છે કે 9 ઓગસ્ટ, 1967ના રોજનો દત્તક કરાર શિવ કુમારી અને તેની મોટી બહેન હરમુનિયાને તેમના પિતાની સંપત્તિના વારસાના કાયદેસરના અધિકારથી વંચિત રાખવા માટે એક ગણતરીપૂર્વકનું પગલું હતું.
સુનાવણી દરમિયાન ન્યાયાધીશ સૂર્યકાન્તે કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે ગ્રામીણ વિસ્તારોમાં દીકરીઓને વારસા હકમાંથી બહાર કાઢવા માટે આવી પદ્ધતિ અપનાવવામાં આવે છે. અમે જાણીએ છીએ કે આ દત્તક કાર્યવાહી કેવી રીતે હાથ ધરવામાં આવે છે. હાઈકોર્ટે યોગ્ય રીતે જ દત્તક દસ્તાવેજને ફગાવી દીધો છે.
No comments:
Post a Comment