બાંધકામ હોવા છતા આસપાસના ખુલ્લી જમીનના ફોટા દસ્તાવેજમાં લગાવી સ્ટેમ્પ ડ્યૂટી ચોરી બાદ નિર્ણય.
ખુલ્લા પ્લોટના દસ્તાવેજમાં ફોટો સાથે અક્ષાંશ-રેખાંશ લખવા ફરજિયાત, અન્યથા દસ્તાવેજ નહીં.
મિલકતના ફોટા નીચે પોસ્ટલ એડ્રેસ લખી દસ્તાવેજ લખી આપનાર-લેનારની સહી પણ કરવાની રહેશે.
અક્ષાંશ-રેખાંશ એટલે શું ?
ભૂગોળમાં પૃથ્વી પર આવેલા કોઇ પણ સ્થળનું ચોક્કસ સ્થાન નક્કી કરવા માટે અક્ષાંશ-રેખાંશની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ પ્રમાણે પૃથ્વીના ગોળા પર કલ્પિત રેખાઓ દોરવામાં આવે છે. ઉત્તરથી દક્ષિણ જતી રેખાઓને રેખાંશ તથા પૂર્વથી પશ્ચિમ જતી રેખાઓને અક્ષાંશ કહે છે. પૃથ્વીના પોતાની ધરી પરના પરિભ્રમણ અને તે કારણે થતા સૂર્યોદય તથા સૂર્યાસ્ત પરથી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ વગેરે દીશાઓ નક્કી થાય છે.
અક્ષાંશ-રેખાંશ લેવા માટે GPS મેપ કેમેરા એપના ઉપયોગથી સરળતા થાય.
કચેરીના આ આદેશના કારણે બાંધકામવાળી મિલકત હશે તો તેની જાણ સરકારને સરળતાથી થઇ શકશે. આ નિર્ણયથી સરકારી સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં વધારો થશે. સામાન્ય રીતે અક્ષાંશ-રેખાંશ મુજબ ફોટોગ્રાફ લેવા અને તેમાં તે અંગેનું માપ લખવું ઘણું મુશ્કેલ બને છે. અક્ષાંશ-રેખાંશના માપ લેવા માટે GPS મેપ કેમેરા એપ છે તેનો ઉપયોગ કરવામાં આવે તો સરળતા થાય તેમ છે.
રાજ્યમાં વિવિધ જગ્યાએ સબ રજિસ્ટ્રાર કચેરીએ જે દસ્તાવેજ વખતે મિલકતના ફોટા રજૂ કરવામાં આવે છે તેમાં કેટલીક કોમર્શિયલ-રેસિડેન્શિયલ મિલકત હોવા છતા આસપાસની ખુલ્લા પ્લોટવાળી જગ્યાના ફોટા રજૂ કરી દસ્તાવેજ કરી દેવામાં આવે છે. જેથી બાંધકામવાળી જગ્યા હોવા છતા ખુલ્લી જગ્યાનો દસ્તાવેજ થવાને કારણે સરકારને સ્ટેમ્પ ડ્યૂટીમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનું જણાયું હતુ.
આમ સ્ટેમ્પ ડ્યૂટી ચોરી રોકવા સરકારે તાત્કાલીક પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. જેના પગલે નોંધણી સરનિરીક્ષક અને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરીએ નવો પરિપત્ર જારી કર્યો છે. જેમાં હવે ખુલ્લા પ્લોટવાળી મિલકતના દસ્તાવેજમાં ફોટોગ્રાફ સાથે અક્ષાંશ-રેખાંશ લખવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. જેથી હવે જે દસ્તાવેજમાં અક્ષાંશ-રેખાંશ નહીં લખવામાં આવ્યા હોય તેનો દસ્તાવેજ નહીં થાય. ઉપરાંત, મિલકતના ફોટા નીચે પોસ્ટલ એડ્રેસ લખી દસ્તાવેજ લખી આપનાર-લેનારની સહી પણ કરવાની રહેશે તેવું પણ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.
નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્સની કચેરીના અધિકારી જેનુ દેવને પરિપત્ર જારી કર્યો છે જેમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી અર્થે રજૂ થતા દસ્તાવેજોમાં મિલક્તનો ફોટો દસ્તાવેજના ભાગ તરીકે રાખવામાં આવે છે. અમુક કિસ્સામાં સ્થળ ઉપર બાંધકામ હોવા છતા પણ ખુલ્લી જમીનના ફોટા દસ્તાવેજમાં મિલકતના ભાગ તરીકે સામેલ કરવામાં આવે છે. જેનાથી સરકારને સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં ખૂબ જ નુકસાન જાય છે તેમજ છેતરપિંડીની ઘટનાઓ પણ બને છે. તાજેતરમાં આવા છેતરપિંડીના બનાવોનું પ્રમાણ વધવા પામેલ છે. ત્યારે 1 એપ્રિલથી જે દસ્તાવેજ કરવામાં આવશે તેમાં મિલકના એક સાઈડથી બીજી સાઈડ તરફના કલર સાઈઝના ફોટોગ્રાફને મિલકતના વર્ણનવાળા પૃષ્ઠની પાછળ તરત જ ચોટાડવાના રહેશે. ફોટાની નીચે મિલકતનુ પોસ્ટલ સરનામુ લખી દસ્તાવેજ લખી આપનાર અને લખી લેનાર પક્ષકારોઓ પોતાની સહી કરી દસ્તાવેજના ભાગ તરીકે લગાવવાના રહેશે. આ ઉપરાંત ખુલ્લા પ્લોટવાળી મિલકતની તબદીલી અંગેના દસ્તાવેજ રજૂ થાય ત્યારે દસ્તાવેજના ભાગ તરીકે જે મિલકતની તબદિલી થાય છે, તે ખુલ્લા પ્લોટવાળી મિલક્તના ફોટામાં ફોટોવાળા પાના પર મિલકતના અક્ષાંશ અને રેખાંશ ફરજિયાત દર્શાવવાના રહેશે.
No comments:
Post a Comment