પાવર ઑફ એટર્નીના નિયમો: આ કામ નહીં કરો તો દસ્તાવેજ નહીં થાય
પાવર ઑફ એટર્નીની સબરજિસ્ટ્રારની કચેરીમાં નોંધણી નહિ કરાવી હોય તો તેવા સંજોગોમાં તે દસ્તાવેજની નોંધણી થઈ શકશે નહિ. તેમ જ મિલકતની ખરીદ-વેચ માટે રજિસ્ટ્રેશન ફી જમા કરાવ્યાના ઇ-ચલણ પર વેચાણ આપનાર અને વેચાણ લેનાર બંનીને સહી હશે તો જ દસ્તાવેજની નોંધણી કરવામાં આવશે.
જોકે આજે કરેલી જાહેરાતમાં પરદેશના પાવર ઑફ એટર્ની અંગે મહેસૂલ મંત્રીએ કોઈ જ સ્પષ્ટતા કરી નથી. ગુજરાતના મહેસૂલ મંત્રીએ 9મી જુલાઈએ નિર્ણય લઈને દસમી જુલાઈથી તેનો અમલ ચાલુ કરી દેવાની જાહેરાત કરતા દસ્તાવેજની નોંધણી કરાવવા ગયેલા સંખ્યાબંધ લોકો આજે ઊંઘતા ઝડપાયા હતા. તેમને દસ્તાવેજની નોંધણી કરાવવા માટે વધારાની જફા કરવી પડી હતી.
તમામ પક્ષકારોના ઓળખના પુરાવા દસ્તાવેજ સાથે ફરજિયાત જોડવાના રહેશે
મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કબજા સાથેના પાવર ઓફ એટર્ની હોય તો તેની નોંધણી ફરજિયાત છે. હાલ કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત નથી.
રાજયની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજુ થતા દસ્તાવેજોમાં નોંધણી કર્યા વગરના નોટરી સમક્ષ થયેલા મુખત્યારનામાં (પાવર ઓફ એટર્ની) નો ઉપયોગ કરવામાં આવતો હતો. જેના કારણે પક્ષકારોની મિલકત હડપ કરી લેવાના, છેતરપીંડી કરી દસ્તાવેજ નોંધણી કરાવી લેવાના ઘણા બધા બનાવો બનતા હતાં.
આવા નોંધણી કરાવ્યા વગરના મુખત્યારનામાનો ઉપયોગ કરી ખોટી રીતે છેતરપીંડીથી ભુમાફિયાઓ દ્વારા થતી પ્રવૃતિને અટકાવવા માટે રાજય સરકાર દ્વારા આ સુધારા અધિનિયમથી કબજા વગરના પાવર ઓફ એટર્નીના લેખને પણ ફરજિયાત નોંધણીપાત્ર કરવામાં આવેલ છે. આમ હવેથી, મહેસૂલ વિભાગ દ્વારા સ્થાવર મિલકતના તમામ પ્રકારના કબજા સાથેના કે કબજા વગરના મુખત્યારનામાઓ(પાવર ઓફ એટર્ની) ની નોંધણી ફરજિયાત થશે.
તેમણે કહ્યું હતું કે દસ્તાવેજની હાલની નોંધણી પધ્ધતિ મુજબ દસ્તાવેજ નોંધણી માટે રૂબરૂ જવાનું હોય છે. પરંતુ આ સુધારા અધિનિયમથી કોઇ પણ વ્યકતિ દસ્તાવેજની ઓનલાઇન નોંધણી કરાવી શક્શે. જો કોઈ વ્યક્તિએ ઘરે બેઠાં ઓનલાઈન નોંધણી કરાવવી હોય તો, આઇ-ગરવી પોર્ટલ પર ઓનલાઈન દસ્તાવેજની નોંધણી તેમજ પેમેન્ટ પણ કરી શકશે.
જોકે, ઓનલાઇન નોંધણી કરાવ્યાં બાદ વેરીફીકેશન માટે પક્ષકારોએ એક વખત સબ રજીસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ જઈને તેમની સહી, અગંઠાનું નિશાન અને કબુલાત-ઓળખાણ આપવાની રહેશે. ઓનલાઇન દસ્તાવેજની નોંધણીના માધ્યમથી નાગરિકોને વધુ સુરક્ષિત, સરળ, ઝડપી અને પારદર્શી બનશે જેથી ઓનલાઇન દસ્તાવેજની નોંધણી પ્રક્રીયાનો આ નિર્ણય નાગરિકો માટે મહત્વનો પુરવાર થશે.
હાલમાં દસ્તાવેજો નોંધણી માટે દસ્તાવેજ કરી આપનાર અને દસ્તાવેજ કરાવી લેનાર તેમજ ઓળખ આપનારના ઓળખના પુરાવા લેવામાં આવે છે. પરંતુ આ બાબતમાં અધિનિયમમાં કોઈ જોગવાઈ ન હતી.
હવે આ સુધારા અધિનિયમથી પુરાવા લેવાની જોગવાઇ ઉમેરીને તેને વૈધાનિક પીઠબળ પૂરૂં પાડવામાં આવેલ છે. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા હરાજીથી અથવા એલોટમેન્ટ અથવા વેચાણથી આપવામાં આવતાં વેચાણપત્રો (સેલ સર્ટીફિકેટ) ને ફરજિયાત નોંધણી પાત્ર બનાવેલ છે.
કોઇ કોર્ટ કોઇ મિલકતના જપ્તીના હુકમ કરે તો તે હુકમનામાની નકલો પણ જે તે સબ રજીસ્ટ્રારના રેકર્ડ પર રહે તે માટે મોકલવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે અને જો આ અંગે કોઈ ચૂક થાય તો શિક્ષાની પણ જોગવાઈ દાખલ કરવામાં આવે છે તેવું તેમણે જણાવ્યું હતું. રાજય સરકારના આ ક્રાંતિકારી નિર્ણયથી નાગરિકોને ખૂબ જ મોટી રાહત થશે.
મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે આજે પ્રસ્તુત જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. તેથી દસ્તાવેજોમાં થતી ગેરરીતિ નિયંત્રણમાં આવશે.
નોંધણી અધિનિયમ, 1908 માં ગુજરાત સરકારે રજીસ્ટ્રેશન (ગુજરાત સુધારા વિધેયકને રાષ્ટ્રપતિએ ) બીલ નં. 27/2018 ને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીની મંજુરી મળ્યા પછી મહિનાઓ બાદ આ જાહેરાત કરવામાં આવી છે. રાજય સરકારના નિર્ણયથી નાગરિકો માટે ઓનલાઇન દસ્તાવેજની પ્રક્રિયા વધુ સુરક્ષિત, સરળ, ઝડપી ને પારદર્શી બનશે.
પાવર ઓફ એટર્ની દસ્તાવેજ અંગે જાણો વધુ માહિતી
11 વર્ષ પહેલા પાવર ઓફ એટર્ની વધુમાં વધુ કેટલા સમય સુધી ચાલુ રહી શકે એ પાવર આપનારના ઇરાદા પર અને પાવરના હેતુ પર આધાર રહેલો હોય છે. પાવર ઓફ એટર્નીના બે પ્રકાર હોય છે - જનરલ અને સ્પેશિયલ. જનરલ પાવર ઓફ એટર્નીમાં સામાન્ય કાર્યો જેવા કે બેંકનું કામકાજ, ધંધાકીય લેવડદેવડ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે સ્પેશિયલ પાવર ઓફ એટર્નીમાં ખાસ પ્રકારના કામ કરવાની સત્તા આપવામાં આવે છે. જેમ કે, મકાનના વેચાણ અંગેના દસ્તાવેજ ઇત્યાદિ. આપણે જેમ જોયું તેમ પાવર ઓફ એટર્ની એ એક સામાન્ય લેખિત સ્વરૂપ છે, એક ઔપચારિક સાધન છે જેના દ્વારા ચોક્કસ હેતુઓ માટે એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાની વાત રજૂ કરવા અથવા કાર્ય કરવાની સત્તા આપે છે. પાવર ઓફ એટર્ની જનરલ અથવા સ્પેશિયલ એમ બે પ્રકારની હોય છે. જનરલ પાવર ઓફ એટર્ની એવું લખાણ છે જેના દ્વારા તે જેને આપવામાં આવે તે વ્યક્તિ આપનાર વ્યક્તિ વતી તમામ કાર્યો કરી શકે છે. દા.ત. કોઇ વ્યક્તિ વારેવારે બીમાર પડી જતી હોય અને પોતાના ધંધાકીય અથવા આર્થિક વ્યવહાર અથવા કાયદાકીય કામ પોતે કરી ન શકતી હોય તો બીજી વ્યક્તિને આ બધા કાર્યો કરવા માટે લેખિત સત્તા આપી શકે છે. સ્પેશિયલ પાવર ઓફ એટર્ની એટલે કે કોઇ ખાસ કામ માટે બીજાને પાવર આપવામાં આવે છે. દા.ત. મકાનનું વેચાણ કરવાનું હોય અને તે વ્યક્તિ બીજી વ્યક્તિને લખાણ કરી આપે કે તેણે આ વેચાણ અંગે બધું જ કામ કરવું જેમાં સહી કરવાનો પણ સમાવેશ આવી જાય છે. આ લખાણ જે કામ સોંપ્યું હોય તે અંગે વિગતવાર હોવું જોઇએ. જ્યારે કોઇ વ્યક્તિને આવી સત્તા આપવાની વાત કરીએ ત્યારે સૌ પહેલો મુદ્દો એ ધ્યાન પર આવે કે આ લખાણ કેટલો વખત ચાલે? જેમ કે, એક વાર વ્યક્તિએ કોઇ બીજી વ્યક્તિને લખીને આપ્યું કે તારે આ મારા વતી કામ કરવાનું એટલે શું એ કાયમી વ્યવસ્થા થઇ ગઇ? તો તે અંગે એવી વ્યવસ્થા હોય છે કે જ્યાં સુધી એ પાવર ઓફ એટર્ની કેન્સલ ના થાય અથવા તો તે લખાણ અંગેનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પાવર ઓફ એટર્ની અસ્તિત્વ ધરાવે છે. પાવર ઓફ એટર્નીની મુદતનો આધાર જે વ્યક્તિ પાવર આપતી હોય તેના ઇરાદા પર, પાવરના હેતુ પર ખાસ આધારિત હોય છે. સામાન્ય રીતે, જ્યાં સુધી પાવરનો હેતુ પૂરો ના થાય ત્યાં સુધી અથવા તેનું કાર્ય પૂર્ણ ના થાય ત્યાં સુધી અસ્તિત્વ ધરાવે છે. પાવર ઓફ એટર્ની જેણે આપ્યો હોય તેના જીવનકાળ સુધી અમલી અને અસરકારક રહે છે. સ્વાભાવિક રીતે જ જો પાવર આપનારનું મૃત્યુ થઇ જાય તો તે પછી પાવર ઓફ એટર્ની અમલી અને અસરકારક રહી શકે નહીં. આથી એ દરેક વ્યક્તિ જે પાવર આપતું હોય અને પાવર લેતું હોય તે બંને જણાએ પાવર ઓફ એટર્નીના આદાનપ્રદાન દરમિયાન જાગૃત રહેવાની જરૂર છે. પાવર ઓફ એટર્નીનો ઉપયોગ રોજિંદા વ્યવહારમાં ખાસ કરીને ધંધામાં થતો હોય છે. ભાગીદારી પેઢી પોતાની પેઢીના ખાસ કાર્યો માટે અને પેઢીના ધંધાને અસરકારક રીતે સારી રીતે ચલાવવા માટે સ્પેશિયલ પાવર ઓફ એટર્ની એના કોઇ એક અધિકારીને આપતી હોય છે. એવું પણ જોવા મળે છે કે કોઇ એક પેઢીની અનેક શાખાઓ દેશના જુદા જુદા સ્થળે હોવાથી જો માલિક દ્વારા પહોંચી ના વળાતું હોય તે પેઢીના કોઇ એક વ્યક્તિને પેઢીના ધંધા માટે પાવર ઓફ એટર્ની તરીકે નિમણુંક કરી અને ચોક્કસ કાર્યો કરવા માટે સત્તા આપી શકે છે. આવી જ રીતે ટ્રસ્ટ હોય તો પણ બધા ટ્રસ્ટીઓ વતી અને ટ્રસ્ટ વતી કોઇ એક વ્યક્તિને ટ્રસ્ટના વહીવટ માટે પાવર ઓફ એટર્ની આપી શકે છે. જેમ અગાઉ જણાવ્યું તેમ બેંક એકાઉન્ટ ઓપરેટ કરવા માટે, મિલકત વેચાણ કરવા, કોઇ વ્યક્તિ વિદેશ જતી હોય અને થોડા સમય માટે કોઇ બીજાને સત્તા આપવાની હોય તે માટે, આવક વેરા અંગેની કાર્યવાહી કરવા માટે અથવા અમુક ચોક્કસ પ્રકારનાં કાર્યો અથવા સર્વ કાર્યો માટે પાવર ઓફ એટર્નીનો દસ્તાવેજ થતો હોય છે. યાદ રાખવાનું એક જ હોય છે કે જે સત્તા આપી હોય તેને પાછી લેવી હોય કે તેને રદ કરવી હોય તો પાવર ઓફ એટર્ની રદ કરવાનો દસ્તાવેજ જરૂરથી કરવો જોઇએ. ઘણી વખત કોઇ વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ અથવા તેણે લીધેલા પગલાં કે કાર્યવાહી બાબતે બેદરકારી દાખવવાથી આ પાવર ઓફ એટર્નીના દસ્તાવેજને લીધે વ્યક્તિ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઇ જાય છે અને ત્યારે કાયદો એનું કામ કરે છે. જોકે આવી સ્થિતિ જ ઉત્પન્ન ન થાય એ માટેથી આવા દસ્તાવેજો કરતી વખતે સત્તા આપનાર અને લેનાર વ્યક્તિએ ખૂબ જ સજાગ રહેવું જોઇએ.
No comments:
Post a Comment